તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 30th April 2025
અમદાવાદ સિવિલ મેડિસીટીની યુ.એન.મહેતા હોસ્પિટલમાં અઢી વર્ષમાં ૫૦ સફળ હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ
આરોગ્યમંત્રી ઋષિકેશભાઈ પટેલે હોસ્પિટલની ટીમને અભિનંદન પાઠવ્યા; ૯૬% દર્દીઓને આયુષ્માન કાર્ડ અને યુ.એન.મહેતા ફાઉન્ડેશનના સહયોગથી નિઃશુલ્ક સારવાર ઉપલબ્ધ

અમદાવાદ: રાજ્ય સરકારના સઘન પ્રયાસોના પરિણામે અમદાવાદ સિવિલ મેડિસીટી સ્થિત યુ.એન.મહેતા હોસ્પિટલે માત્ર ૨.૫ વર્ષના ટૂંકા ગાળામાં ૫૦ સફળ હાર્ટ ટ્રાન્સપ્લાન્ટની સિદ્ધિ હાંસલ કરી છે. આરોગ્યમંત્રી ઋષિકેશભાઈ પટેલે યુ.એન.મહેતા હોસ્પિટલની સમગ્ર ટીમને આ નોંધપાત્ર સફળતા બદલ અભિનંદન પાઠવ્યા હતા.
હોસ્પિટલના ડાયરેક્ટર ડૉ. ચિરાગભાઈ દોશીએ આ અંગે વધુ માહિતી આપતા જણાવ્યું હતું કે કેન્દ્ર અને રાજ્ય સરકારના સહયોગથી યુ.એન.મહેતા ઇન્સ્ટિટ્યૂટ ઓફ કાર્ડિયોલોજી એન્ડ રિસર્ચ સેન્ટર (UNMICRC) દ્વારા સપ્ટેમ્બર-૨૦૨૨ માં પ્રથમ સફળ હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ સર્જરી કરવામાં આવી હતી. ત્યારથી સંસ્થાએ અવિરત મહેનત અને સમર્પણ દ્વારા ઉત્કૃષ્ટ કામગીરી કરી છે. તેમણે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના "સ્વસ્થ ભારત" અભિયાનને સાર્થક કરીને સંસ્થાએ નોંધપાત્ર સફળતા મેળવી હોવાનું પણ જણાવ્યું હતું.
ડૉ. ચિરાગભાઈ દોશીએ વધુમાં જણાવ્યું હતું કે ૫૦ સફળ હાર્ટ ટ્રાન્સપ્લાન્ટમાં ૩૭ પુખ્ત વયના પુરુષો, ૧૧ પુખ્ત વયની સ્ત્રીઓ અને ૨ બાળદર્દીઓનો સમાવેશ થાય છે. અહીં ગુજરાત ઉપરાંત મધ્યપ્રદેશ, રાજસ્થાન અને મહારાષ્ટ્ર જેવા પડોશી રાજ્યોમાંથી પણ દર્દીઓ સારવાર માટે આવે છે. ગુજરાતમાં અમદાવાદ, ગાંધીનગર, રાજકોટ, સુરત, વડોદરા અને ભાવનગર જેવા શહેરોમાંથી પણ દર્દીઓ યુ.એન.મહેતા હોસ્પિટલ પર વિશ્વાસ મૂકી રહ્યા છે.
નોંધપાત્ર બાબત એ છે કે હૃદય પ્રત્યારોપણ બાદ દર્દીઓના જીવિત રહેવાનો સરેરાશ દર વિશ્વ સ્તરે ૯૦% છે, જ્યારે યુ.એન.મહેતા હોસ્પિટલમાં આ દર ૯૨% જેટલો ઊંચો રહ્યો છે. રાજ્ય સરકારની મદદથી ટૂંકા સમયગાળામાં ૫૦ હૃદય પ્રત્યારોપણ કરનાર યુ.એન.મહેતા હોસ્પિટલ રાષ્ટ્રીય સ્તરે સૌથી ઝડપી સંસ્થા બની છે.
સરકારની પીએમજેએવાય-એમએ (આયુષ્માન ભારત) યોજનાઓ, યુ.એન.મહેતા ફાઉન્ડેશન અને અન્ય ચેરિટેબલ સંસ્થાઓના સહયોગથી સમાજના નબળા વર્ગોને નાણાકીય સહાય પૂરી પાડવામાં આવી છે, જેના કારણે ૯૬% દર્દીઓને વિનામૂલ્યે સારવાર મળી શકી છે.
(7:06 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
