<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 30th April 2025

ગુજરાત ગૌરવ દિવસ : મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો પ્રજાજોગ સંદેશ : ગુજરાત અમૃતકાળમાં વિકાસનું મોડેલ સ્ટેટ બનશે

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની વિઝનરી લીડરશીપમાં ગુજરાત વિકાસનું રોલ મોડેલ બન્યું : એક દાયકા પછી ૨૦૩૫માં ગુજરાત સ્થાપનાનો હીરક મહોત્સવ ઉજવાશે : પરંપરાગત ઉદ્યોગોથી આગળ વધીને રાજ્યમાં હાઇટેક ઇન્ડસ્ટ્રીઝ સ્થાપનાને વેગ આપ્યો : સોલાર રૂફટોપ યોજનામાં ગુજરાત ત્રણ લાખથી વધુ ઘરો આવરી લેવાયા

ગાંધીનગર: ગુજરાતના ૬૫માં સ્થાપના દિવસ નિમિત્તે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પ્રજાજોગ સંદેશ આપ્યો હતો. તેમણે ગુજરાત ગૌરવ દિવસની સૌ ગુજરાતીઓને શુભકામનાઓ પાઠવતા જણાવ્યું હતું કે ગુજરાત આજે વિકાસની એવી ઊંચાઈ પર છે કે વિશ્વ આખું ગુજરાત તરફ આકર્ષાયું છે. તેમણે ઉમેર્યું હતું કે, "એક દાયકા પછી ૨૦૩૫માં ગુજરાતની સ્થાપનાનો હીરક મહોત્સવ આપણે ઉજવવાના છીએ. ૨૦૨૫થી ૨૦૩૫ના આ આખાય દાયકાને ઉત્કર્ષ ગુજરાત હીરક મહોત્સવ તરીકે ઉજવવાનો રોડ મેપ આપણે તૈયાર કર્યો છે."
મુખ્યમંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે, "૧૯૬૦ થી ૨૦૦૦ના ચાર દાયકામાં ગુજરાત જ્યાં હતું ત્યાંથી પાછલા અઢી દાયકામાં અનેકગણું આગળ વધી ગયું છે. આ વિકાસના પાયામાં છે ૨૦૦૧થી ગુજરાતને મળેલી નરેન્દ્રભાઈ મોદીની વિઝનરી લીડરશીપ. વિકાસની રાજનીતિનો નવો યુગ ગુજરાતે વિકસાવ્યો છે અને વિકાસનું રોલ મોડેલ બની ગયું છે." તેમણે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના દિશાદર્શનમાં દેશના અમૃતકાળમાં વિકસિત ભારત માટે વિકસિત ગુજરાતનો નિર્ધાર વ્યક્ત કર્યો હતો.
તેમણે રાજ્યના વિકાસની ગાથા વર્ણવતા જણાવ્યું હતું કે, "આજે જ્યોતિગ્રામ યોજનાથી ૨૪ કલાક સતત થ્રી ફેઇઝ વીજળી રાજ્યના અંતરિયાળ વિસ્તારોના ગામો સુધી મળી રહી છે. વીજળી ઉત્પાદનની ક્ષમતા ૮૭૫૦ મેગાવોટમાંથી વધીને લગભગ ૫૩ હજાર મેગાવોટ થઈ છે. ગુજરાત દેશનું એક માત્ર રાજ્ય છે જ્યાં ગેસ ગ્રીડ, વોટરગ્રીડ અને ઇલેક્ટ્રીસિટી ગ્રીડનું નિર્માણ થયું છે. વીજળી, પાણી સાથોસાથ આરોગ્ય સેવાઓ, શિક્ષણ અને અન્ય સામાજિક સેવાઓમાં આમૂલ પરિવર્તન આવ્યું છે. સમ્યક અને સર્વ સ્પર્શી વિકાસ કેવો હોય તેનું ઉત્તમ ઉદાહરણ ગુજરાતે પૂરું પાડ્યું છે."
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ગરીબ, ખેડૂત, યુવાશક્તિ અને મહિલા એમ જ્ઞાનશક્તિ આધારિત વિકાસનો ધ્યેય સાકાર કરવાની દિશા લીધી હોવાનું જણાવ્યું હતું. આદિજાતિ હોય કે ગરીબ, વંચિત, છેવાડાનો માનવી હોય, કલ્યાણકારી યોજનાઓના લાભ દરેક લાભાર્થીને ૧૦૦ ટકા પહોંચે છે. તેમણે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના દિશાદર્શનમાં સેચ્યુરેશન એપ્રોચ અપનાવ્યો હોવાનું જણાવ્યું હતું.
તેમણે ઔદ્યોગિક, સાંસ્કૃતિક, સામાજિક વિકાસની સાથે વર્લ્ડ ક્લાસ અર્બન ડેવલપમેન્ટને વધુ ગતિ આપવા આ વર્ષને શહેરી વિકાસ વર્ષ તરીકે ઉજવવાનો નિર્ણય કર્યો હોવાનું જણાવ્યું હતું. વેપારી રાજ્ય તરીકે ઓળખાતા ગુજરાતમાં મૂડીરોકાણ વધે, નવા વેપાર ઉદ્યોગો વિકસે તે માટે નરેન્દ્રભાઈએ ૨૦૦૩થી વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ઇન્વેસ્ટર્સ સમિટની શરૂઆત કરાવી હતી, જેના પરિણામે રોજગારીની વિપુલ તકો ઉપલબ્ધ થઈ છે.
મુખ્યમંત્રીએ ગુજરાત ગ્લોબલ ગેટ વે ટુ ધ ફ્યુચર બન્યું હોવાનું જણાવ્યું હતું. તેમણે રિન્યુએબલ એનર્જી કેપેસિટી દેશની કુલ કેપેસિટીના ૧૫ ટકા થઈ હોવાનું અને સોલાર રૂફટોપ યોજનામાં ગુજરાત ત્રણ લાખથી વધુ ઘરો આવરી લઈને બહુ આગળ નીકળી ગયું હોવાનું જણાવ્યું હતું.
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ગુજરાતને અમૃતકાળમાં દેશ અને દુનિયાને વિકાસનું દિશાદર્શન કરાવનારું મોડેલ સ્ટેટ બનાવવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો. તેમણે ગુજરાત વિકાસના દરેક ક્ષેત્રોમાં પ્રથમ ક્રમે રહે તેવો સંકલ્પ દોહરાવ્યો હતો.

 

(6:52 PM IST)