તા. ૧૨ ફેબ્રુઆરી ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ મહા વદ – ૧૦ ગુરૂવાર
News of Thursday, 17th April 2025
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો મહત્વપૂર્ણ નિર્ણય : પંચાયત વ્યવસ્થાને વધુ સુદૃઢ બનાવવા ગ્રામથી જિલ્લા સુધીની કચેરીઓના નિર્માણ માટે અનુદાનમાં માતબર વધારો
ગ્રામ પંચાયતોને નવા પંચાયત ઘરો માટે વસ્તીના આધારે ૨૫ થી ૪૦ લાખ રૂપિયાની સહાય : તાલુકા અને જિલ્લા પંચાયતો માટે પણ અનુદાનમાં વધારો : ગ્રામ્ય સ્તરે તલાટીની ઉપલબ્ધિ સુનિશ્ચિત કરવા તલાટી આવાસ પણ બનશે

ગાંધીનગર: મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે રાજ્યમાં પંચાયતી રાજ વ્યવસ્થાને વધુ સંગીન અને સુવિધાયુક્ત બનાવવા માટે એક મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. તેમણે ગ્રામ પંચાયતો, તાલુકા પંચાયતો અને જિલ્લા પંચાયતોની નવી કચેરીઓના બાંધકામ માટેના અનુદાનમાં માતબર વધારો કર્યો છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે રાજ્યની જે ગ્રામ પંચાયતોના પંચાયત ઘરો જર્જરિત છે અથવા જે ગ્રામ પંચાયતો પાસે પોતાના પંચાયત ઘર નથી, તેમને નવા પંચાયત ઘરોના બાંધકામ માટે રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવતા અનુદાનમાં નોંધપાત્ર વધારો કર્યો છે. આ ઉપરાંત, ગ્રામ્ય સ્તરે તલાટીની નિયમિત ઉપલબ્ધિ સુનિશ્ચિત કરવા માટે નવા ગ્રામ પંચાયત ઘર સાથે તલાટી કમ મંત્રી આવાસ બનાવવાનો પણ નિર્ણય લેવામાં આવ્યો છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કરેલા નિર્ણય અનુસાર, રાજ્યમાં ૧૦ હજાર કે તેથી વધુ વસ્તી ધરાવતા ગામોમાં ગ્રામ પંચાયત ઘરના નિર્માણ માટે અગાઉ અપાતી ૨૭ લાખ રૂપિયાની યુનિટ કોસ્ટના સ્થાને હવે ૪૦ લાખ રૂપિયાની મહત્તમ મર્યાદા નક્કી કરવામાં આવી છે. ૫ થી ૧૦ હજાર સુધીની વસ્તી ધરાવતા ગામોમાં આવા પંચાયત ઘરોના નિર્માણ માટેની મહત્તમ યુનિટ કોસ્ટ ૨૨ લાખના સ્થાને ૩૪.૮૩ લાખ રૂપિયા અને ૫ હજારથી ઓછી વસ્તી ધરાવતા ગામો માટે નવા પંચાયત ઘરના નિર્માણ માટે વધુમાં વધુ ૧૭ લાખ રૂપિયાના સ્થાને ૨૫ લાખ રૂપિયાની સહાય રાજ્ય સરકાર આપશે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે તાલુકા પંચાયતોની કચેરીઓના બાંધકામ માટેની વર્તમાન અનુદાન સહાયમાં પણ વધારો કર્યો છે. હવે તાલુકા પંચાયતોને ૩ કરોડ ૧૦ લાખ રૂપિયાના બદલે પાંચ કરોડ રૂપિયા અથવા મકાન નિર્માણમાં થયેલો ખરેખર ખર્ચ, આ બંનેમાંથી જે ઓછું હોય તે રકમની સહાય આપવામાં આવશે.
આ ઉપરાંત, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જિલ્લા પંચાયત કચેરીઓના મકાનના બાંધકામ માટેની યુનિટ કોસ્ટમાં પણ વધારો કર્યો છે. જિલ્લા પંચાયતોને તેમના નવા મકાનના નિર્માણ માટે ૩૮ કરોડ રૂપિયાના બદલે ૫૨ કરોડ રૂપિયા અથવા ખરેખર થયેલો ખર્ચ, આ બંનેમાંથી જે ઓછું હોય તે પ્રમાણે યુનિટ કોસ્ટ અનુદાન રાજ્ય સરકાર આપશે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના આ નિર્ણયના પરિણામે ગ્રામ્ય સ્તરથી લઈને જિલ્લા પંચાયત સ્તર સુધી વધુ સુવિધા સભર કચેરીઓનું નિર્માણ થશે, જેનાથી લોકોને સરળતા થશે અને વધુ સુદૃઢ સેવા માળખું ઉપલબ્ધ થશે. પંચાયત, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગે આ અંગેના વિધિવત ઠરાવો પણ જારી કરી દીધા છે.
(4:55 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
