News of Sunday, 13th April 2025
'અમારી સાથે કોઈ છેતરપિંડી નથી થઈ' : બીઝેડ ગ્લોબલ કેમ્પસમાં ભુપેન્દ્રસિંહ ઝાલાના સમર્થનમાં બેઠક યોજાઈ
બેઠકમાં “વી સોપર્ટ બીઝેટ”ના બેનર લગાવીને ભૂપેન્દ્રસિંહ ઝાલાની તરફેણ: ભુપેન્દ્રસિંહ ઝાલા અને અન્ય લોકોને જેલ મુક્ત કરવાના પ્લેકાર્ડ સમર્થકોએ દર્શાવ્યા

હિંમતનગર : સાબરકાંઠા, અરવલ્લી સહિત ઉત્તર ગુજરાત અને ગુજરાતના અનેક શહેરોમાં ગ્રુપ દ્વારા રોકાણકારો પાસે રોકાણ કરાવ્યું હતું. બાદમાં સીઆઈડી ક્રાઈમ દ્વારા ભુપેન્દ્રસિંહ ઝાલા સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી અને ભુપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ પણ કરવામાં આવી હતી. સાથોસાથ ભુપેન્દ્રસિંહ ઝાલાના ગ્રુપ સાથે સંકળાયેલા અનેક એજન્ટોની પણ ધરપકડ સીઆઇડી ક્રાઇમ દ્વારા કરવામાં આવી હતી
જોકે અગાઉ પણ ભૂપેન્દ્રસિંહ ઝાલાના સમર્થકો તેમજ રોકાણકારો દ્વારા વી સપોર્ટ બીઝેડના પોસ્ટરો પણ લગાવવામાં આવ્યા હતા અને એક મિટિંગનું પણ આયોજન અગાઉ કરવામાં આવ્યું હતું. જોકે આજે હિંમતનગર નજીક આવેલ બીઝેડ ગ્લોબલ એજ્યુકેશન કેમ્પસ ખાતે એક મિટિંગનું આયોજન થયું હતું. જેમાં રોકાણકારો તેમજ ભુપેન્દ્રસિંહ ઝાલાના સમર્થકો હાજર રહ્યા હતા. ભુપેન્દ્રસિંહ ઝાલાને જેલમુક્ત કરવા માટેની ચર્ચા કરવામાં આવી હતી. સાથોસાથ હાજર રહેલા રોકાણકારોએ સોગંદનામા રજૂ કર્યા હતા. આ સોગંદનામા એકઠા કરી સરકાર સુધી તેમજ ભુપેન્દ્રસિંહ ઝાલાના વકીલ મારફતે કોર્ટ સુધી પહોંચાડવાની વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી
આ મીટીંગ દરમિયાન હાજર રહેલા સમર્થકો તેમજ રોકાણકારોના હાથમાં પ્લે કાર્ડ જોવા મળ્યા હતા જેમાં 'વી સપોર્ટ બીઝેડ', 'અમારી સાથે કોઈ છેતરપિંડી થઈ નથી', 'ભુપેન્દ્રસિંહ ઝાલા અને અન્ય લોકોને જેલ મુક્ત કરો', 'ભુપેન્દ્રસિંહ ઝાલા અને બી ઝેડ ગ્રુપે અમારી સાથે વિશ્વાસઘાત કર્યો નથી' જેવા પ્લે કાર્ડ પણ જોવા મળ્યા હતા.
હાજર રહેલા રોકાણકારો પણ મીડિયા સમક્ષ કરી રહ્યા છે કે છ લાખ કરતા વધુ પણ રોકાણ કર્યું હતું જેનું વળતર દર મહિને મળી રહેતું હતું. જ્યારે રજાનો સમય હોય ત્યારે આગલા દિવસે પણ પૈસા મળી જતા હતા તેવી વાત રોકાણકારો દ્વારા કરવામાં આવી હતી. જોકે રોકાણકારો હાલ તો ભુપેન્દ્રસિંહ ઝાલાને જેલ મુક્ત કરવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે.
. એક તરફ હાલ તો ભુપેન્દ્રસિંહ ઝાલા સાબરમતી જેલમાં જ્યુડિશિયલ કસ્ટડીમાં છે ત્યારે તેના સમર્થકો દ્વારા તેને છોડાવવા માટે અલગ અલગ મીટીંગો કરી રહ્યા છે. જોકે આજે મળેલી મિટિંગમાં સમર્થકો તેમજ રોકાણકારો દ્વારા ભુપેન્દ્રસિંહ ઝાલાને જેલ મુક્ત કરો તેવી માગણી સાથે એકઠા થયા હતા. એકઠા થયેલા સમર્થકો અને રોકાણકારોએ એક સોગંદનામુ કરાવ્યું છે જેમાં લખવામાં આવ્યું છે કે 'અમે બી ઝેડ ફાઈનાન્સિયલ સર્વિસીસ વચ્ચે આંતરિક સમજૂતી કરાર મુજબ રોકાણ કરેલું છે અને એ રોકાણની શરતો મુજબ સમયસર વળતર મળતું હતું અને ભવિષ્યમાં મળતું રહેશે.
સાથોસાથ અમારું રોકાણ સુરક્ષિત છે અને અમે મૂડી પરત લેવા જઈશું ત્યારે એ રકમ પરત મળી જશે તેવો વિશ્વાસ છે. અમને પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે રોકાણ પરત આપવામાં ના પાડવામાં આવેલ નથી અને અમારી સાથે કોઈ પણ છેતરપિંડી કે વિશ્વાસઘાત કરવામાં આવેલ નથી' જેવા લખાણનું સોગંદનામુ પણ આજે કરવામાં આવ્યું હતું. અંદાજિત હાજર રહેલા સો કરતા વધુ વ્યક્તિઓ દ્વારા આ પ્રકારના સોગંદનામા આજે એકઠા કરવામાં આવ્યા હતા. આ સોગંદનામા રાજ્ય સરકાર તેમજ ભુપેન્દ્રસિંહ ઝાલાના વકીલ મારફતે કોર્ટમાં રજૂ કરવા માટેની વાત થઈ હતી. આગામી દિવસોમાં પણ ભુપેન્દ્રસિંહ ઝાલાને છોડાવવા માટેના પ્રયત્નો તેઓના સમર્થકો દ્વારા શરૂ રહેશે તેવી વાત આજની મિટિંગમાં કરવામાં આવી હતી.
(8:02 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
