News of Sunday, 13th April 2025
રાજસ્થાનના સંત બનાસકાંઠાના ગ્રામીણ વિસ્તારમાં ધોમધખતા તાપમાં કપડાં વિના ગરમ રેતીમાં સૂઈ માળા જપી તપસ્યા
કેવદારામ નામના આ સંત અલગ અલગ ગામમાં જઈને પોતાની કઠોર તપસ્યા કરે છે: આ કઠોર તપસ્યાને જોવા આજુબાજુના લોકો પણ ઉમટી પડે છે.

હિંમતનગર: રાજ્યમાં એક તરફ આગ દઝાડતી ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે તો બીજી તરફ વિશ્વ શાંતિ અર્થે રાજસ્થાનના સંત બનાસકાંઠાના ગ્રામીણ વિસ્તારમાં આવી બપોરના સમયે કપડાં વિના ગરમ રેતીમાં સૂઈ માળા જપી તપસ્યા કરતા જોવા મળી રહ્યા છે. અનોખી તપસ્યા નિહાળવા દૂર દૂરથી લોકોના ટોળેટોળાં ઉમટી રહ્યા છે. કોણ છે આ સંત અને કેટલા વર્ષોથી આ કઠિન તપાસ્યા કરે છે તે જોઈએ.
હાથમાં માળા અને ગરમ રેતીમાં ખાડો બનાવી બપોરના સમયે નદીના પટમાં તપસ્યા કરતા આ સંતને જોઈ લોકો અચરજ પામી રહ્યા છે. નદીના પટની રેતીમાં બપોરના સમયે ચંપલ પહેરીને ચાલતા લોકો ગરમીમાં શેકાઈ જાય છે. જ્યારે આ સંત કાળઝાળ ગરમીમાં કપડાં કાઢીને નદીની રેતીની અંદર સૂઈને કઠિન તપસ્યા કરી રહ્યા છે.
રાજ્યમાં ગરમીથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે તો બીજી તરફ બનાસકાંઠામાં હાલ ગરમીનો પારો 40 ડિગ્રીને પાર ગયો છે. એવામાં રાજસ્થાનના સંત કેવદારામ દ્વારા ઉનાળાની શરૂઆતથી આકરી તપસ્યા અને ધ્યાન ધરવામાં આવી રહ્યું છે.
બનાસકાંઠા જિલ્લાના રુણી ગામમાં સંત કેવદારામ દ્વારા રેલ નદીના પટમાં ગરમ રેતીમાં તપસ્યા હાથ ધરી છે. સંત દ્વારા કપડાં કાઢી સમગ્ર શરીર પર ગરમ રેતી રાખી બપોરના સમયે તપસ્યામાં લીન થતાં જોવા મળી રહ્યા છે. આ સંતનું માત્ર મોઢું અને માળા ફેરવવા માટે હાથ જ બહાર જોવા મળી રહ્યા છે.
તેઓ છેલ્લા 15 જેટલા વર્ષોથી વિશ્વ શાંતિ માટે થઈને આ સંત ઉનાળાના આકરા તાપમાં તપ કરતા જોવા મળે છે. સંત રાજસ્થાન અને ગુજરાતના ગ્રામીણ વિસ્તારમાં નદીનો પટ હોય તે નદીના પટમાં બપોરના 12:00 વાગ્યાથી લઈને બપોરના એક વાગ્યા સુધી કપડાં ઉતારીને સૂઈ જાય છે. નદીની રેતીમાં પોતાનો દેહ ઉતારી દે છે.
માત્ર તેમના હાથ અને મોં બહાર રહે છે અને શરીર આગ દઝાડતી રેતીમાં રહે છે. કેવદારામ નામના આ સંત અલગ અલગ ગામમાં જઈને પોતાની કઠોર તપસ્યા કરે છે. આ કઠોર તપસ્યાને જોવા આજુબાજુના લોકો પણ ઉમટી પડે છે.
(2:57 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
