<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 13th April 2025

ગુજરાતના શિક્ષણ મોડલ પર અખિલેશ યાદવ અને કેજરીવાલના આક્ષેપો : હર્ષ સંઘવીએ ખોટા દાવાઓનો કર્યો પર્દાફાશ

'X' પોસ્ટ દ્વારા ગુજરાત બોર્ડના પરિણામો અંગે ફેલાવેલી અફવાઓનો ગૃહમંત્રીએ આપ્યો તમતમતો જવાબ : શિક્ષણ ક્ષેત્રે રાજ્યની પ્રગતિના આંકડાઓ રજૂ કર્યા

ગાંધીનગર: ગુજરાતના શિક્ષણ મોડલને લઈને વિપક્ષી નેતાઓ દ્વારા ઉઠાવવામાં આવેલા સવાલો ફરી એકવાર ચર્ચાનું કેન્દ્ર બન્યા છે. સમાજવાદી પાર્ટીના પ્રમુખ અખિલેશ યાદવે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક પોસ્ટ શેર કરીને દાવો કર્યો હતો કે ગુજરાતની 157 શાળાઓમાં ધોરણ 10નું એકપણ વિદ્યાર્થી પાસ થયું નથી, અને ગુજરાતનું શિક્ષણ મોડલ નિષ્ફળ ગયું છે. આ પોસ્ટને આમ આદમી પાર્ટીના નેતા અરવિંદ કેજરીવાલે પણ ટેકો આપતાં રીટ્વીટ કરી અને ભાજપ પર આખા દેશને અશિક્ષિત રાખવાનો આરોપ લગાવ્યો. આ બંને નેતાઓના આક્ષેપોનો ગુજરાતના ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવીએ X પર જોરદાર જવાબ આપીને ખોટી માહિતીનો પર્દાફાશ કર્યો છે.

હર્ષભાઈ સંઘવીએ પોતાની પોસ્ટમાં સ્પષ્ટતા કરી કે ગુજરાત બોર્ડના ધોરણ 10ના પરિણામો હજુ જાહેર થયા જ નથી, તેમ છતાં અખિલેશ યાદવ અને અરવિંદ કેજરીવાલે ખોટા આંકડા રજૂ કરીને લોકોને ગેરમાર્ગે દોરવાની કોશિશ કરી છે. તેમણે આ નેતાઓને ‘નકલી અને કપટી’ ગણાવીને આકરી ટીકા કરી અને જણાવ્યું કે વિદ્યાર્થીઓના ભવિષ્યને રાજકારણનો હિસ્સો બનાવવાનો આ નેતાઓને કોઈ અધિકાર નથી. આવા ખોટા દાવાઓ દ્વારા જનમતને ખોટી દિશા આપવાનો આ પ્રયાસ હોવાનું પણ તેમણે ઉમેર્યું.

આ મુદ્દે ફેક્ટ-ચેક કરતાં સામે આવ્યું છે કે ગુજરાતનું શિક્ષણ મોડલ માત્ર સફળ જ નથી, પરંતુ તેમાં નોંધપાત્ર સુધારો પણ થઈ રહ્યો છે. વર્ષ 2023માં 272 શાળાઓએ 100 ટકા પરિણામ હાંસલ કર્યું હતું, જે વર્ષ 2024માં નોંધપાત્ર રીતે વધીને 1,389 શાળાઓ સુધી પહોંચ્યું. આ ઉપરાંત, 30 ટકાથી ઓછું પરિણામ લાવતી શાળાઓની સંખ્યામાં પણ ઘટાડો થયો છે. વર્ષ 2023માં 1,087 શાળાઓએ 30 ટકાથી ઓછું પરિણામ આપ્યું હતું, જે 2024માં ઘટીને માત્ર 264 શાળાઓ રહી. આ આંકડાઓ ગુજરાતના શિક્ષણ ક્ષેત્રે થઈ રહેલી પ્રગતિનું સ્પષ્ટ પ્રમાણ આપે છે.

આ ઘટનાએ રાજકીય ગરમાગરમીને વેગ આપ્યો છે, અને સાથે જ ગુજરાતના શિક્ષણ વિભાગની સફળતાઓને પણ સામે લાવી છે. ગુજરાત સરકારે આવા આક્ષેપોને સંપૂર્ણપણે ફગાવી દીધા છે અને જણાવ્યું છે કે રાજ્યમાં શિક્ષણની ગુણવત્તા સુધારવા માટે સતત પ્રયાસો ચાલી રહ્યા છે. હર્ષભાઈ સંઘવીના જવાબથી સ્પષ્ટ થાય છે કે ગુજરાત સરકાર ખોટી માહિતી સામે ઝઝૂમવા તૈયાર છે અને શિક્ષણ ક્ષેત્રે પોતાની પ્રતિબદ્ધતા અકબંધ રાખશે.

 

(2:30 PM IST)