News of Sunday, 13th April 2025
નેશનલ ડોલ્ફિન ડે 2025 : ગુજરાતના દરિયામાં ડોલ્ફિનનું સુરક્ષિત ઘર : 4,087 ચો.કિ.મી. વિસ્તારમાં 680 ડોલ્ફિનની હાજરી
કચ્છથી ભાવનગર સુધીના દરિયાકાંઠે ઇન્ડિયન ઓશન હમ્પબેક ડોલ્ફિનનું અસ્તિત્વ : મરીન નેશનલ પાર્કમાં 498 ડોલ્ફિન સાથે પ્રવાસીઓ માટે નવું આકર્ષણ

ગાંધીનગર: દેશભરમાં 14 એપ્રિલે ઉજવાતા નેશનલ ડોલ્ફિન ડેની આ વર્ષની ઉજવણી ગુજરાતમાં ખાસ રીતે યાદગાર બની રહેશે. ગુજરાતના 4,087 ચોરસ કિલોમીટરના વિશાળ દરિયાઈ વિસ્તારમાં અંદાજે 680 ડોલ્ફિનની હાજરી નોંધાઈ છે, જે રાજ્યના દરિયાકાંઠાને આ માનવમિત્ર જળચરનું સુરક્ષિત નિવાસસ્થાન બનાવે છે. આ વર્ષે ડોલ્ફિનના મહત્વ, તેમના રહેઠાણની સુરક્ષા અને જાગૃતિ પર ખાસ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. ગુજરાતનો લાંબો દરિયાકિનારો અને સમૃદ્ધ જળચર વારસો ડોલ્ફિન જેવા આકર્ષક પ્રાણીઓને આશ્રય આપે છે, જે દેશ-વિદેશના પ્રવાસીઓ માટે નવું આકર્ષણ બની રહ્યું છે.
રાજ્યના વન વિભાગે તાજેતરમાં ડોલ્ફિનની વસ્તી ગણતરી હાથ ધરી હતી, જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, વન મંત્રી મુળુભાઈ બેરા અને રાજ્ય મંત્રી મુકેશભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ થયેલા સંરક્ષણના પ્રયાસોનું શ્રેય આપવામાં આવે છે. આ પ્રયાસોના પરિણામે ગુજરાતના દરિયામાં ડોલ્ફિનની સંખ્યામાં સ્થિરતા જોવા મળી છે. ખાસ કરીને, ઓખાથી નવલખી સુધી વિસ્તરેલા 1,384 ચોરસ કિલોમીટરના મરીન નેશનલ પાર્ક અને મરીન સેન્ચુરી વિસ્તારમાં સૌથી વધુ 498 ડોલ્ફિન હોવાની સંભાવના છે. આ ઉપરાંત, કચ્છના અખાતના ઉત્તરીય ભાગમાં 1,821 ચોરસ કિલોમીટરમાં 168, ભાવનગરના 494 ચોરસ કિલોમીટરમાં 10 અને મોરબીના 388 ચોરસ કિલોમીટરમાં 4 ડોલ્ફિન નોંધાઈ છે.
ડોલ્ફિન સ્વસ્થ ઇકોસિસ્ટમનું પ્રતીક છે અને સમુદ્રી આહાર શૃંખલામાં મહત્વની ભૂમિકા ભજવે છે. ગુજરાતના દરિયાકાંઠે જોવા મળતી ઇન્ડિયન ઓશન હમ્પબેક ડોલ્ફિન તેના મૈત્રીપૂર્ણ સ્વભાવ અને આકર્ષક એક્રોબેટિક પ્રદર્શન માટે જાણીતી છે. આ ડોલ્ફિનની ખૂંધ અને વિસ્તૃત ડોર્સલ ફિન તેને અલગ ઓળખ આપે છે. તેમનો મુખ્ય ખોરાક માછલીઓ, કરચલા અને જીંગા હોવાથી તેઓ દરિયાકિનારા અને નદીમુખો નજીક વધુ જોવા મળે છે. આ જળચર પ્રાણીનું સંરક્ષણ કરવામાં સ્થાનિક માછીમાર ભાઈઓનું યોગદાન પણ નોંધપાત્ર છે, જેમણે ડોલ્ફિનના રહેઠાણને સુરક્ષિત રાખવામાં મદદ કરી છે.
ગુજરાતનો દરિયાકાંઠો ડોલ્ફિનના અસ્તિત્વને કારણે પ્રવાસનનું નવું કેન્દ્ર બની રહ્યો છે. કચ્છથી ભાવનગર સુધીના વિસ્તારમાં ડોલ્ફિનનું નૃત્ય અને રમત જોવી એ પ્રવાસીઓ માટે રોમાંચક અનુભવ છે. ઉલ્લેખનીય છે કે ભારતનું રાષ્ટ્રીય જળચર પ્રાણી ગંગા ડોલ્ફિન છે, જેને 5 ઓક્ટોબર 2009ના રોજ આ દરજ્જો આપવામાં આવ્યો હતો. જોકે, ગુજરાતની હમ્પબેક ડોલ્ફિન પણ તેના બૌદ્ધિક અને મનોરંજક સ્વભાવને કારણે લોકોનું દિલ જીતી રહી છે. ગુજરાતના આ પ્રયાસો રાજ્યને જળચર સંરક્ષણમાં અગ્રેસર બનાવે છે, જે દરેક ગુજરાતી માટે ગર્વની વાત છે. (આલેખન - જનક દેસાઈ)
(1:47 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
