News of Saturday, 12th April 2025
નવી જંત્રીના દરોને આખરી ઓપ આપવા શ્રેણીબદ્ધ બેઠકો
નવી જંત્રીના દર એપ્રિલના અંત સુધીમાં લાગુ પડે એવી શકયતા : તમામ જિલ્લાના રિપોર્ટ આવી ગયા બાદ એક અંતિમ રિપોર્ટ તૈયાર કરાયો

અમદાવાદ તા.૧૨: નવી જંત્રીના દરો એપ્રિલના અંત સુધીમાં લાગુ પાડવામાં આવે એવી શકયતા રહેલી છે. નવા દરોની ચર્ચા કરવા માટે છેલ્લા દસ દિવસમાં શ્રેણીબદ્ધ બેઠકોનું આયોજન કરાયું હતું, તેથી એમ લાગી રહ્યું છે કે નવી જંત્રીના દરોને હવે આખરી ઓપ આપી દેવામાં આવશે.
નવા દરો બાબતે આવેલાં સૂચનો અને વાંધાઓના આધારે સરકારના મહેસૂલ વિભાગે પ્રત્યેક જિલ્લાના અલગ અલગ રિપોર્ટ તૈયાર કરવાની સમગ્ર કવાયત પૂરી કરી દીધી છે. વાસ્તવમાં રાજ્ય સરકાર નવી જંત્રીના દરો ૧લી એપ્રિલથી જ લાગુ પાડવા ઇચ્છતી હતી પરંતુ ત્રણ જિલ્લાના રિપોર્ટ આવ્યા ન હોવાથી નવા દરોના અમલમાં વિલંબ થયો હતો. જે ત્રણ જિલ્લાના રિપોર્ટ સુપરત કરાયા નહોતા તેમાં દાહોદ, કચ્છ અને બનાસકાંઠાનો સમાવેશ થતો હતો. જો કે આ જિલ્લાના કલેક્ટરોએ માર્ચ મહિનામાં જ તેઓના રિપોર્ટ મહેસૂલ વિભાગને સુપરત કરી દીધા હતા.
તમામ જિલ્લાના રિપોર્ટ આવી ગયા બાદ એક અંતિમ રિપોર્ટ તૈયાર કરાયો હતો અને ચીફ સેક્રેટરીને સોંપવામાં આવ્યો હતો. ચીફ સેક્રેટરી પાસે અંતિમ રિપોર્ટ આવી ગયા બાદ છેલ્લા દસ દિવસમાં સિનિયર અધિકારીઓની શ્રેણીબદ્ધ મીટિંગો બોલાવવામાં આવી હતી, તેથી હવે એમ લાગી રહ્યું છે કે નવી જંત્રીના દરોની જાહેરાત એપ્રિલના અંત સુધીમાં કરી દેવામાં આવશે.
૨૦૨૩ના આરંભે ૨૦૧૧ની જંત્રીના દરોને બે ઘણા વધારી દીધા બાદ રાજ્ય સરકારે નવેમ્બર-૨૦૧૪માં નવી જંત્રીના દરોના વેલ્યુએશન (મૂલ્યાંકન)ને જાહેરમાં મૂકયું હતું. જ્યારે આ દરોને જાહેરમાં મૂકવામાં આવ્યા ત્યારે જાણવા મળ્યું હતું કે ૨૦૨૩ની સાલમાં જંત્રીના જે દર હતા તેની તુલનાએ આ દર પાંચ ઘણાથી ૨૦૦૦ ઘણા વધારે હતા. જો કે સરકારે આ દરો સામેના વાંધા-વિરોધ અને સૂચનો આપવા માટે અગાઉ સરકારે રાજ્યના લોકોને ૨૦ ડિસેમ્બર-૨૦૨૪ સુધીની મુદત આપી હતી, પરંતુ આ મુદતને પણ વધારીને ૨૦ જાન્યુઆરી-૨૦૨૫ સુધી લંબાવવામાં આવી હતી.(૩૮.૩)
(10:02 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
