<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 10th April 2025

વડોદરામાં મહિલા કોર્પોરેટરના પતિએ પાણી પૂરવઠા વિભાગના એન્જિનિયરને લાફો ઝીક્યો : અધિકારીઓની કામ બંધ કરવાની ચિમકી

પાણીના ટેન્કર ના મોકલતા ભાજપના મહિલા કોર્પોરેટર પતિ સાથે રજૂઆત કરવા પહોંચ્યા હતા

વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની સામાન્ય સભામાં ભાજપ કોર્પોરેટરે મ્યુનિસિપલ કમિશનરનું અપમાન કર્યું હોવાનો વિવાદ હજી સમ્યો નથી, ત્યારે વધુ એક વિવાદ સામે આવ્યો છે.જેમાં ભાજપ કોર્પોરેટરના પતિએ અધિકારીને લાફો ઝીંકી દેતા મામલો ગરમાયો છે.

વડોદરાના વોર્ડ 5 ના ભાજપ કોર્પોરેટર પ્રફુલા જેઠવા અને તેમના પતિ રાજુ જેઠવા પાણીના ટેન્કરના મામલે અમિતનગર સર્કલ પાસે પાણી પૂરવઠા વિભાગના નાયબ કાર્યપાલક ઈજનેર સ્મિતેશ પટેલને રજૂઆત કરવા પહોચ્યા. આ સમયે સ્મિતેશ પટેલ સાથે વોર્ડ 4ના આસિસ્ટન્ટ એન્જિનિયર સાગર મિસ્ત્રી અને અન્ય કર્મચારી પણ ઉપસ્થિત હતા.

આ દરમિયાન મહિલા કોર્પોરેટર દ્વારા નાયબ કાર્યપાલક ઇજનેરનો પાણીની સમસ્યાને લઈ ઉધડો લેતા મામલો ગરમાયો. નાયબ કાર્યપાલક ઈજનેર અને મહિલા કોર્પોરેટરની બબાલનો વીડિયો આસિસ્ટન્ટ કાર્યપાલક ઈજનેર સાગર મિસ્ત્રી ઉતારતા કોર્પોરેટરે ઉતારવાની ના પાડી. આથી સાગર મિસ્ત્રી અને મહિલા કોર્પોરેટર વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ. આ સમયે મહિલા કોર્પોરેટરના પતિ પણ વચ્ચે બોલતાં મામલો મારામારી સુધી પહોંચ્યો હતો. જેમાં કોર્પોરેટરના પતિએ આસિસ્ટન્ટ એન્જિનિયર સાગર મિસ્ત્રીને લાફો ઝીંકી દીધો.

જેથી પાલિકાના તમામ ઈજનેર કોર્પોરેટર અને તેમના પતિ વિરુદ્ધ ફરિયાદ નોંધાવવા કારેલીબાગ પોલીસ સ્ટેશન પહોચ્યા. જ્યાં ફરિયાદ નોંધવા માટે અરજી આપી. ઉપરાંત પાલિકાના એન્જિનિયરોએ હડતાલ પર જવાની પણ ચીમકી ઉચ્ચારી છે.

ભાજપ કોર્પોરેટરના પતિ અને અધિકારી વચ્ચે થયેલી મારામારીની ઘટના મામલે મહિલા કોર્પોરેટરે ખુલાસો કર્યો કે, છેલ્લા એક અઠવાડિયાથી પાણીની સમસ્યા ખૂબ વધી છે, જેથી પાણીના ટેન્કર મોકલવા માટે અધિકારીને સૂચના આપી છતાં પાણીના ટેન્કર ન મોકલ્યા. આથી તેઓ અમિતનગર સર્કલ પાસે અધિકારીને રજૂઆત કરવા પહોંચી ગયા. જ્યાં સાગર મિસ્ત્રીએ તેમની સાથે તું તારી કરી દાદાગીરી કરી. આ સાથે જ તેમના પર હુમલાનો પ્રયાસ કર્યો, જેમાં તેમના પતિ વચ્ચે આવી જતા તેમને મોઢા પર નાની ઈજા પહોચી છે. કોર્પોરેશનમાં કોર્પોરેટર રાજના બદલે અધિકારી રાજ ચાલતું હોવાનો આક્ષેપ પણ ભાજપ મહિલા કોર્પોરેટરે કર્યો. જ્યારે કોર્પોરેટરના પતિએ કહ્યું કે, અધિકારી રુદ્રાક્ષ એલીગન્સ સોસાયટીમાં એકસાથે પાણીના 15 ટેન્કર મોકલે છે, અને અમારું સૂચન હોવા છતાં બે ટેન્કર પણ નથી મોકલતા.

ભાજપ કોર્પોરેટરના પતિએ અધિકારીને લાફો મારી દીધો હોવાની વાત વાયુ વેગે ફેલાતા પાલિકાના અધિકારીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. અધિકારીઓએ કામ બંધ કરવાની ચીમકી ઉચ્ચારી છે. તેમજ કોર્પોરેટર સામે કાર્યવાહી કરવા પોલીસને અરજી પણ આપી છે, ત્યારે સમગ્ર ઘટનાના આગામી સમયમાં ઘેરા પ્રત્યાઘાત પડશે તેવું માનવામાં આવી રહ્યું છે.

(1:06 AM IST)