તા. ૧૭ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૮ મંગળવાર
News of Wednesday, 9th April 2025
ફિક્સ પગારના કર્મચારીઓ આનંદોઃ TA/DA ભથ્થાંમાં થયો વધારો
ફિક્સ પગાર પર કાર્યરત હજારો કર્મચારીઓ છેલ્લા અનેક વર્ષોથી આ મુદ્દે રજૂઆતો કરી રહ્યા હતા ફિક્સ પગાર આધારિત કર્મચારીઓને સરકારી કામકાજ માટે બહાર જવું પડે ત્યારે જો તેઓનું રોકાણ ૬ કલાકથી વધુ પણ ૧૨ કલાકથી ઓછું હોય તો તેમને રૂ.૧૨૦નાં બદલે રૂ.૨૦૦ મળશે

અમદાવાદ,તા.૯: ગુજરાત સરકાર દ્વારા રાજ્યના વર્ગ-૩ અને વર્ગ-૪ના ફિક્સ પગાર આધારિત કર્મચારીઓ માટે મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. નાણાં વિભાગ દ્વારા બહાર પાડવામાં આવેલા નવીન ઠરાવ મુજબ, ફિક્સ પગાર ધરાવતા કર્મચારીઓના દૈનિક ભથ્થાં અને મુસાફરી ભથ્થાંમાં નોંધપાત્ર વધારો કરવામાં આવ્યો છે.
હવેથી, ફિક્સ પગાર આધારિત કર્મચારીઓને સરકારી કામકાજ માટે બહાર જવું પડે ત્યારે જો તેઓનું રોકાણ ૬ કલાકથી વધુ પણ ૧૨ કલાકથી ઓછું હોય તો તેમને રૂ.૧૨૦નાં બદલે રૂ.૨૦૦ મળશે. તેમજ ૧૨ કલાકથી વધુ રોકાણ માટે રૂ.૨૪૦નાં બદલે રૂ. ૪૦૦ ભથ્થાં તરીકે આપવામાં આવશે. આ સુધારો નાણાં વિભાગના અગાઉના ૨૦ ઓક્ટોબર, ૨૦૧૫ અને ૨૮ માર્ચ, ૨૦૧૬ના ઠરાવમાં ફેરફાર કરીને અમલમાં મૂકવામાં આવ્યો છે.
ફિક્સ પગાર પર કાર્યરત હજારો કર્મચારીઓ છેલ્લા અનેક વર્ષોથી આ મુદ્દે રજૂઆતો કરી રહ્યા હતા. કારણ કે, સરકારી કામકાજ માટે તેમના પ્રવાસ અને રોકાણ દરમિયાન થતો વ્યય અને તેમને મળતા ભથ્થાં વચ્ચે વિસંગતતા હતી. ઘણાં વખતથી આવા કર્મચારીઓને પોતાનાં ખિસ્સાંમાંથી ખર્ચો કરવો પડતો હોવાની રજૂઆત થતી હતી. આ નવા ઠરાવથી માત્ર તેમને આર્થિક રાહત નહીં મળે, પણ તેમના કામ પ્રત્યેની માન્યતા અને માનસિક સંતોષમાં પણ વધારો થશે. આ નિર્ણય રાજય સરકાર દ્વારા ફરજ બજાવતા નિમ્ન વર્ગના કર્મચારીઓ પ્રત્યેની સંવેદનશીલતા અને જવાબદારીને દર્શાવે છે.
નાણાં વિભાગે આ ઠરાવને મંજૂરી આપતાં જણાવ્યું છે કે, ફિક્સ પગાર કર્મચારીઓ પણ સરકારી તંત્રનો મહત્વનો હિસ્સો છે. તેમના વ્યાવસાયિક વ્યયને પહોંચી વળવા માટે ભથ્થાંમાં વધારો જરૂરી હતો. આ ઠરાવ રાજ્યના મુખ્યમંત્રીએ મંજુર કર્યો છે અને તે ૫ એપ્રિલ, ૨૦૨૫થી અમલમાં ગણાશે. રાજયના તમામ વિભાગો, કમિશન, બોર્ડ અને કચેરીઓને આ ઠરાવ અંગે તાત્કાલિક અમલ કરવા માટે સૂચના પાઠવી દેવામાં આવી છે.(૪૦.૨૭)
(3:24 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
