<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 9th April 2025

ટ્રેનમાંથી ગાંજાનો જથ્થો ઝડપાયો :ચેકિંગ કરતી વેળાએ ડોગ બેગ પાસે આવીને ભસવા લાગ્યો !

સ્નીફર ડોગ ડ્રેક મારફતે ચેકીંગ કરતા એક બેગ પાસે ડોગ ભસવા લાગ્યો જેથી બેગની તપાસ કરતા તેમાંથી 4.450 કિલોગ્રામ ગાંજાનો જથ્થો મળ્યો

સુરત રેલવે પોલીસ દ્વારા ટ્રેનમાંથી ગાંજાનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે. સુરત રેલવે સ્ટેશન પર આવેલી ટ્રેનમાં સ્નીફર ડોગ ડ્રેક મારફતે ચેકીંગ કરતા એક બેગ પાસે ડોગ ભસવા લાગ્યો હતો. જેથી બેગની તપાસ કરતા તેમાંથી 4.450 કિલોગ્રામ ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો. બેગ બિન વારસી હાલતમાં હોય પોલીસે ગાંજાનો જથ્થો જપ્ત કરી આ મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

મળતી માહિતી મુજબ, સુરત રેલવે સ્ટેશન પર પ્લેટ ફોર્મ નંબર 01 પર ટ્રેન નંબર 22718 રાજકોટ - સિંકદરાબાદ એક્સપ્રેસ ટ્રેન આવી હતી. આ ટ્રેનમાં સુરત રેલવે પોલીસ દ્વારા ડોગ મારફતે ચેકીંગ કરવામાં આવ્યું હતું. દરમ્યાન ટ્રેનના વચ્ચેના ભાગે આવેલા કોચ નંબર એસ/09 અને એસ/10 ની વચ્ચેના કોરિડોરમાં એક કાળા કલરની સ્કૂલ બેગ બિન વારસી હાલતમાં પડી હતી. જેથી સ્નીફર ડોગ ડ્રેકથી ચેક કરાવતા ડોગ એકદમ ભસવા લાગ્યો હતો. જેથી ડોગ હૅન્ડલર હેડ કોન્સ્ટેબલ પ્રતાપસિંહએ આ ડોગ બેગમાં નશીલો માદક પદાર્થ હોવાનો સંકેત આપતો હોવાનું જણાવ્યું હતું.

જેથી સ્કૂલ બેગ બાબતે આજુબાજુના પેસેન્જરને આ બેગ કોની છે તે બાબતે પૂછપરછ કરતા આ બેગનું કોઈ પેસેન્જર/માલિક મળી આવ્યા ન હતા. બેગમાં તપાસ કરતા તેમાંથી 44,500 રૂપિયાની કિંમતનો કુલ 4.450 કિલોગ્રામ ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો. જેથી પોલીસે બેગ સહિત ગાંજાનો જથ્થો જપ્ત કરી અજાણ્યા ઇસમ વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

(1:45 PM IST)