<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 9th April 2025

સ્‍ટેમ્‍પ ડયૂટી ચોરી બદલ મહત્તમ ૬ ગણો દંડ થશે

મુખ્‍યમંત્રીનો નિર્ણયઃ સ્‍ટેમ્‍પ ડયૂટી એક્‍ટમાં કરાયેલા ૧૨ સુધારાનો અમલ કાલથી

અમદાવાદ,તા.૯: રાજ્‍ય સરકારે નવી જંત્રીના દરમાં કમરતોડ વધારો ઝીંકતા મુસદ્દા પર વાંધા-સૂચનો મેળવી લીધા બાદ તેમાં મોટાભાગના અસરકર્તાઓ તરફથી ભારે વિરોધ થયા બાદ આ નવી જંત્રીનો અમલ કયારે, કેવી રીતે કરાશે, તેનો નિર્ણય મોકૂફ રાખ્‍યો છે પરંતુ સરકારે ગુજરાત સ્‍ટેમ્‍પ અધિનિયમની ઘણી જોગવાઈઓમાં કરેલી સુધારા-વધારાનો અમલ ૧૦ એપ્રિલ-૨૦૨૫ના ગુરુવારથી કરવાની જાહેરાત કરી છે.

રાજ્‍ય સરકાર દ્વારા ગુજરાત સ્‍ટેમ્‍પ અધિનિયમ-૧૯૫૮ની જોગવાઈઓમાં કરાયેલા આ સુધારા ઉપરાંત અન્‍ય સુધારા-વધારા પણ કરવામાં આવ્‍યા છે. આ ડ્‍યૂટીમાં સુધારા વધારા મૂળ ડ્‍યૂટી માટે કરવામાં આવ્‍યાં છે. જેમાં કાયદાની જોગવાઈઓ મુજબ વધારાની ડ્‍યૂટી (સરચાર્જ) પણ લેવાપાત્ર થશે. આ જોગવાઈઓથી ઉધોગકારો અને હાઉસીંગ લોનધારકોને નાણાંકીય બોજમાં ઘટાડો થશે, એવી ગણતરી સરકારે રાખી છે. એવી જ રીતે, વડીલોપાર્જિત મિલક્‍તમાંથી હક્ક કમી કરવાના કિસ્‍સામાં ઉપસ્‍થિત થતાં અર્થઘટનના પ્રશ્નોના નિવારણ તથા કાયદાની જોગવાઈઓ સંબંધે ઉપસ્‍થિત થતાં કોર્ટ મેટર્સ-લીટીગેશન્‍સમાં ઘટાડો થાય તે માટે આ નવા સુધારા કરવામાં આવ્‍યાં છે.(૪૦.૪)

કઈ વિવિધ જોગવાઈઓ થઈ છે?

*વડીલોપાર્જિત મિલકતના કિસ્‍સામાં અવસાન પામેલી પુત્રીના વારસદારો દ્વારા કરાતા હક્ક કમીના ડોકયુમેન્‍ટ ૨૦૦ની સ્‍ટેમ્‍પ ડ્‍યૂટી વાપરીને કરી શકાશે

*રૂ.૧ કરોડ સુધીની લોનની રકમ ઉપર મહત્તમ રૂ. ૫૦૦૦ની મર્યાદામાં  સ્‍ટેમ્‍પ ડ્‍યૂટી ભરપાઇ કરવાની રહેશે

*રૂ.૧૦ કરોડથી વધુની લોન અંગે કરાતાં ગીરોખત-હાઇપોથીકેશનના ડોકયુમેન્‍ટ ઉપર મહત્તમ રૂ.૮ લાખની ડયૂટીની હાલની જોગવાઇમાં વધારો કરીને તે રૂ.૧૫ લાખ કરવામાં આવી  છે

*એક કરતાં વધારે બેંકો પાસેથી લોન લેવાતી હોય તો તેવા કિસ્‍સામાં સરચાર્જ સિવાય મહત્તમ રૂ. ૭૫ લાખ સુધીની સ્‍ટેમ્‍પ ડ્‍યૂટી ભરપાઇ કરવાની રહેશે હવેથી ફિક્‍સ રૂ. ૫૦૦૦ની ડ્‍યૂટી ભરપાઇ કરવાની રહેશે

*ઓછી સ્‍ટેમ્‍પ ડયૂટીના કિસ્‍સામાં જો અરજદાર સામેથી ડ્‍યૂટી ભરવા આવે તો ડોકયુમેન્‍ટથી તારીખથી માસિક ૨ ટકાના દરે, પરંતુ મહત્તમ ખૂટતી ડ્‍યૂટીની ૪ ગણી રકમ વસૂલ કરવામાં આવશે

*સ્‍ટેમ્‍પ ડયૂટીની ચોરી પકડવામાં તો તેવા કિસ્‍સામાં માસિક ૩ ટકાના દરે પરંતુ મહત્તમ ૬ ગણી સુધી દંડ વસૂલ લેવાશે

*એક વર્ષથી ઓછા ગાળાના ભાડા પટ્ટાના ડોકયુમેન્‍ટ પર સરેરાશ વાર્ષિક ભાડાની રકમના ૧ ટકાની જગ્‍યાએ હવે રહેણાક માટે ફિક્‍સ રૂ. ૫૦૦ અને વાણિજ્‍ય માટે રૂ. ૧૦૦૦ ની ડયૂટી

*ગીરોખત કિસ્‍સામાં બેંકો-નાણાંકીય સંસ્‍થાઓ દ્વારા ડોકયુમેન્‍ટ કરી તેના ઉપર સ્‍ટેમ્‍પ ડયૂટી ભરપાઇ કરાવવામાં ન આવે, તો તેવા કિસ્‍સામાં આવા ડોકયુમેન્‍ટ સંબંધે ડ્‍યૂટી ભરપાઇ કરવાની જે તે સંસ્‍થાઓની રહેશે.

(10:01 AM IST)