News of Sunday, 6th April 2025
કોંગ્રેસનો ગુજરાત સાથે જન્મોજન્મનો સબંધ છે :આવનારા દિવસોમાં સરકાર બદલાશે: અમદાવાદમાં કોંગ્રેસનો હુંકાર
રાષ્ટ્રીય અધિવેશન પહેલા અમદાવાદ આવેલા કોંગ્રેસ પ્રવક્તાનો મોટો દાવો : કહ્યું - ગુજરાતની ભાજપ હવે થોડા દિવસની મહેમાન

અમદાવાદ :આગામી 8 એપ્રિલથી 2 દિવસ દરમિયાન અમદાવાદમાં અખિલ ભારતીય કૉંગ્રેસ કમિટી (AICC)નું રાષ્ટ્રીય અધિવેશન મળવા જઈ રહ્યું છે. જેમાં દેશભરમાંથી પાર્ટીના દિગ્ગજ નેતાઓ ઉપસ્થિત રહેવાના છે. જે અંતર્ગત આજે અમદાવાદ આવેલા કોંગ્રેસના પ્રવક્તાએ આવનારા દિવસોમાં ગુજરાતની સરકાર પણ બદલાવા જઈ રહી હોવાનો દાવો કર્યો છે.
પવન ખેડાએ જણાવ્યું કે, જ્યારે પણ ગુજરાતમાં AICCની બેઠક મળી છે, તેણે દેશની રાજનીતિ અને સમાજની દિશા બદલવાનું કામ કર્યું છે. અમદાવાદ આવતા પહેલા કોંગ્રેસના પ્રમુખ મલ્લિકાર્જુન ખડગે અને રાહુલ ગાંધીએ દેશભરની જિલ્લો કોંગ્રેસ કમિટીઓના જિલ્લા અધ્યક્ષો સાથે સતત 3 દિવસ સુધી મેરેથોન ચર્ચા કરી છે.
કોંગ્રેસનો ગુજરાત સાથે જન્મોજન્મનો સબંધ છે. કોંગ્રેસના DNAમાં ગુજરાત છે. આવનારા દિવસોમાં પણ તમને ઘણું બધુ પરિવર્તન જોવા મળશે. જેમાં સરકાર પણ બદલાશે. ગુજરાતની ભાજપ હવે થોડા દિવસની મહેમાન છે.
બીજી તરફ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિની મીડિયા કન્વીનર ડૉ. મનિષ દોશીએ જણાવ્યું કે, આજથી 100 વર્ષ પહેલા દેશની આઝાદીની લડાઈ માટે કોંગ્રેસની વિચારધારા યોગ્ય ગણી મહાત્મા ગાંધી કોંગ્રેસના પ્રમુખ બન્યા હતા અને સરદાર પટેલની 150મી જન્મજયંતીનું વર્ષ 2025 છે, ત્યારે તારીખ 8 અને 9 એપ્રિલે ગુજરાતમાં કોંગ્રેસ પક્ષનું રાષ્ટ્રીય અધિવેશન અમદાવાદ યોજાશે.
વર્ષ 1961 પછી એટલે કે 64 વર્ષ પછી ગુજરાત રાજ્યમાં AICCનું અધિવેશન મળી રહ્યું છે. અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિએ કોંગ્રેસ પક્ષની સર્વોચ્ચ સમિતિ છે જેનું પ્રથમ અધિવેશન વર્ષ 1885માં મળ્યું હતું. વર્ષ 1938માં ગુજરાતમાં યોજાયેલ હરીપુરા અધિવેશનથી ભારતની આઝાદીના મુળિયા રોપવામાં આવ્યા હતા. ઐતિહાસિક હરીપુરા અધિવેશનમાં કોંગ્રેસે ભારત માટે પૂર્ણ સ્વરાજ (સંપૂર્ણ સ્વતંત્રતા) નો ઠરાવ પાસ કર્યો હતો. તારીખ 8 એપ્રિલે 2025ના રોજ શાહીબાગના સરદાર સાહેબના ઐતિહાસિક ‘સરદાર સ્મારક’માં સવારે 11:30 કલાકે મહત્વની ‘કોંગ્રેસ વર્કિંગ કમિટી’ની બેઠક યોજાનાર છે.
ગુજરાતમાં યોજાનાર ભારતીય રાષ્ટ્રિય કોંગ્રેસ (CWC) માં કોંગ્રેસ પક્ષના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેજી, લોકસભા વિપક્ષના નેતા રાહુલ ગાંધી, કોંગ્રેસ સંસદીય પક્ષના નેતા સોનિયા ગાંધી, કોંગ્રેસ શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓ, રાજ્યોના પ્રદેશ પ્રમુખો, કોંગ્રેસ વર્કિંગ કમિટીના સભ્યો, ઉપસ્થીત રહેશે.
86માં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના અધિવેશનમાં કોંગ્રેસના વિશેષ આમંત્રિત સભ્યો પણ ભાગ લેશે. તા.8 એપ્રિલના રોજ સાંજે 5 કલાકે ગાંધી બાપુના સાબરમતી આશ્રમ ખાતે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ, કોંગ્રેસ વર્કિંગ કમિટીના સભ્યો પ્રાર્થના સભામાં હાજર રહેશે. તારીખ 8 એપ્રિલના રાત્રે સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે, તેમાં કોંગ્રેસ વર્કિંગ કમિટીની સહિત તમામ સભ્યો ઉપસ્થિત રહેશે.
તારીખ 9 એપ્રિલના રોજ ઐતિહાસિક સાબરમતી તટે કોંગ્રેસ પક્ષનું રાષ્ટ્રીય અધિવેશન યોજાશે. જેમાં સમગ્ર દેશમાંથી 3000થી વધુ ડેલીગેટ ઉપસ્થિતિ રહેશે. સરદાર પટેલ ગુજરાત કોંગ્રેસના પ્રથમ અને સૌથી લાંબા સમયના પ્રમુખ તરીકે રહ્યા હતા. આથી ગુજરાતમાં આયોજિત રાષ્ટ્રીય અધિવેશનનું વિશેષ મહત્વનું છે. ગુજરાત આખા દેશને શું આપશે તે અંગે લોકોમાં ઉત્સાહ છે. જે પ્રમાણે તૈયારી થઈ રહી છે તે ગુજરાત અને દેશને નવી દિશા આપશે.
(10:32 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
