News of Sunday, 6th April 2025
અમદાવાદમાં આવાસ યોજનાના મકાનનો માત્ર 50 હજાર રૂપિયામાં પઝેશન લેટર આપનાર ઝડપાયોઃ 21 બોગસ પઝેશન લેટર મળ્યા
એએમસીના આવસો ગરીબોને બારોબાર વેંચી નખાયાઃ અન્ય બેની શોધખોળ

અમદાવાદઃ ગરીબ અને મધ્યમ વર્ગનાં લોકોને પોતાના સપનાનું ઘર સરળતાથી મળી રહે તે માટે કેન્દ્ર સરકારે અને રાજ્ય સરકારે આવાસ યોજનાના મકાનો બનાવ્યા, જેને ડ્રો કરીને લાભાર્થીઓને ફાળવવામાં આવે છે, જોકે આ જ મકાનો માત્ર 50 હજાર રૂપિયા લઈને બોગસ દસ્તાવેજ બનાવી આપી દેવામાં આવે તો.. જી હા આ જ પ્રકારનું એક કૌભાંડ અમદાવાદમાં સામે આવ્યું છે, જેમાં એક બે નહી પરંતુ અનેક ગરીબો પાસેથી મકાનના નામે પૈસા લઈ પઝેશન લેટર આપી દેવાયા અને અમુક લોકો તો રહેવા પણ જતા રહ્યા, જોકે કોર્પોરેશને જાણ થઈ અને અંતે ગરીબોનાં રૂપિયા પણ ગયા અને ઘરના ઘરનું સપનુ પણ તુટી ગયું.
કુલ 1736 આવાસ પૈકી 1372 આવાસ યોજના લાભાર્થીઓને ફાળવી તેમને પઝેશન લેટર પણ AMC દ્વારા આપી દેવાયા છે. જેમાં બાકી રહેલા 364 આવાસનાં મકાનો બારોબાર ગરીબોને વેચી નાખવાનાં ઈરાદે 3 શખ્સોએ મકાન દીઠ 50 હજાર રૂપિયા ટોકન લઈ પઝેશન લેટર આપી દીધા હતા. જોકે કોર્પોરેશનના ડેપ્યુટી એસ્ટેટ ઓફિસરને બોગસ સહિ વાળો પઝેશન લેટર અને બનાવટી દસ્તાવેજ હાથે લાગ્યા હતા. જેની તપાસમાં આ કૌભાંડ સામે આવ્યું છે.
આ મામલે સોલા પોલીસે ગુનો દાખલ કરી ગુનામાં સામેલ 3 આરોપીઓ પૈકી વિપુલ મગીયા નામનાં એક આરોપીની ધરપકડ કરી છે. આ આરોપી મકાનની જરૂરિયાત ધરાવતા લોકોને શોધતો અને 6.50 લાખ રૂપિયામાં મકાન અપાવવાનું કહીને ટોકન પેટે 50 હજાર રૂપિયા લેતો, જે પૈસાની કોર્પોરેશન જેવી રસીદ પણ આપતો અને બોગસ પઝેશન લેટર બનાવી આપી બાદમાં બાકીનાં પૈસા લેતો હતો. આ રીતે તેણે અત્યાર સુધીમાં 21 બોગસ પઝેશન લેટર બનાવીને ભોગ બનનારાઓ સાથે ઠગાઈ આચરી હોવાની હકિકત સામે આવી છે. AMC નાં ડેપ્યુટી એસ્ટેટ ઓફિસરને બોગસ ડોક્યુમેન્ટ મળતા ત્યાં તપાસ કરતા મકાનમાં તાળુ જોવા મળ્યું હતું. મકાન લોહાર ધનરાજને અપાયેલા હોવાનાં પુરાવા સિક્યુરીટી ગાર્ડે આપતા એક બે નહી પરંતુ 21 બોગસ પઝેશન લેટર મળી આવ્યા હતા.
ઝડપાયેલા આરોપીની તપાસ કરતા તેની સાથે આ ગેંગમાં સૈયદ અને શુક્લા નામનો વ્યક્તિ સામે હોવાનો ખુલાસો થયો છે. ઝડપાયેલો વિપુલ મગીયા પોતે વિમા એજન્ટ છે જેથી તેના અનેક લોકો સાથે પરિચય હોવાથી તે મકાન ખરીદનાર ગ્રાહક લઈ આવતો હતો અને તેઓની પાસેથી 50 હજાર રૂપિયા મેળવતો હતો, જે બાદ સૈયદ અને શુક્લા નામનાં આરોપી પૈસા આપનાર વ્યક્તિના નામનું પઝેશન લેટર, મકાન ફાળવણી પત્ર અને રૂપિયા મળ્યાની કોર્પોરેશના બનાવટી સહી સિક્કાવાળી રસીદ આપતો હતો. જોકે આ ગેંગનાં આરોપીઓને આવાસ યોજનાની સ્કીમમાં કયા મકાનો ખાલી છે તે અંગે જાણ કઈ રીતે થતી હતી, કોર્પોરેશનનો કોઈ કર્મચારી આરોપીઓ સાથે સામેલ છે કે કેમ તે અંગે અન્ય આરોપીઓ ઝડપાયા બાદ ખુલાસા થઈ શકે છે. તેવામાં આ કેસમાં કૌભાંડનો રેલો કોર્પોરેશન સુધી પહોંચે છે કે કેમ તે તો આવનાર સમય જ બતાવશે.
(4:19 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
