<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 30th March 2025

હમારી માંગે પુરી કરો... સુરતમાં રત્‍નલકાકારો હડતાલ પર ઉતરી ગયાઃ ડાયમંડ વર્કર યુનિયની રેલી

વિવિધ માંગો લખેલા બેનરો સાથે આ રેલી સુરત શહેરના કતારગામથી હીરાબાગ સુધી યોજાઈ હતી. રેલીને લઈ પોલીસનો કડક બંદોબસ્ત પણ જોવા મળ્યો હતોઃ રત્નકલાકારોનો 10 વર્ષથી ભાવ વધારો થયો નથી એ બાબતે વિરોધ

સુરતઃ  સુરત શહેરમાં ડાયમંડ વર્કર યુનિયન દ્વારા રત્નકલાકારોના વિવિધ પ્રશ્નોને લઈને 30 માર્ચ 2025ના રોજ હડતાળનો કોલ આપવામાં આવ્યો હતો. ત્યારે આજે ૩૦ માર્ચના રોજ સુરત શહેરમાં રત્નકલાકારો દ્વારા રેલી યોજવામાં આવી છે. મોટી સંખ્યામાં આ રેલીમાં રત્નકલાકારો જોડાયા છે. વિવિધ માંગો લખેલા બેનરો સાથે આ રેલી યોજાઈ છે.

સુરત શહેરમાં રત્નકલાકારોના વિવિધ પ્રશ્નોને લઈને સરકારમાં રજુઆતો કરવા છતા કોઇ નિવેડો નહીં આવતા ડાયમંડ વર્કર યુનિયન દ્વારા 30મી માર્ચે સામુહિક હડતાળની જાહેરાત કરી હતી. જેને પગલે કલેકટર અને લેબર વિભાગે બેઠક પણ યોજી હતી, પણ સરકાર તરફથી બાદમાં કોઇ નિર્ણય નહી લેવાતા આજે સુરત શહેરમાં રત્નકલાકારોએ રેલી યોજી છે. આ રેલીમાં મોટી સંખ્યામાં રત્નકલાકારો જોડાયા છે. વિવિધ માંગો લખેલા બેનરો સાથે આ રેલી સુરત શહેરના કતારગામથી હીરાબાગ સુધી યોજાઈ હતી. રેલીને લઈ પોલીસનો કડક બંદોબસ્ત પણ જોવા મળ્યો હતો.

ડાયમંડ વર્કર યુનિયનના ઉપપ્રમુખ ભાવેશ ટાંકએ જણાવ્યું હતું કે 30 ટકાનો ભાવ વધારો કરવા માટે અમે 20 દિવસમાં અલ્ટીમેટમ આપ્યું હતું કે 20 દિવસ પછી જો ભાવ વધારો કરવામાં નહી આવે, ઉચ્ચ સ્તરીય સમિતિ બનાવવામાં નહી આવે તો અમે હડતાળ ઉપર ઉતરીશું અને રેલી કાઢીશું. તો આજે 20 દિવસ પુરા થયા છે, ઉચ્ચ સ્તરીય સમિતિનું નિર્માણ કરવામાં આવ્યું નથી ત્યારે આજે રત્નકલાકારોનો 10 વર્ષથી ભાવ વધારો થયો નથી એ બાબતે અમારો વિરોધ છે.

તેમણે વધુમાં જણાવ્યું કે, રત્નકલાકારોનો મોંધવારી મુજબ પગાર વધવો જોઈએ, રત્નકલાકારોના મોંઘવારી મુજબ ભાવ વધવા જોઈએ, રત્નકલાકારોને સેફ અને સિક્યોર રોજગારી મળે, સરકાર એમને મદદ કરે, આત્મહત્યા કરનાર રત્નકલાકારોના પરિવારને મદદ કરવામાં આવે, રત્નકલાકાર કલ્યાણ બોર્ડ બનાવે અને આર્થિક પેકેજ જાહેર કરે આ જ બાબતે આજે અમે સરકારને વિનંતી કરીએ છીએ. આ રત્નકલાકારોનો આક્રોશ છે અને આ રત્નકલાકારોનો આક્રોશ હવે ફૂટીને બહાર આવ્યો છે તો સરકાર અને માલિકે બંનેએ સમજવું જોઈંએ. સરકારે એક કમિટી બનાવી હતી. એ કમિટી વિચાર વિમર્શ કરી રહી છે. અમને વિશ્વાસ છે કે આવનારા સમયની અંદર રત્નકલાકારોની મદદ માટે સરકાર આગળ આવશે.

ડાયમંડ વર્કર યુનિયનની માંગણીઓ

  • રત્નકલાકાર કલ્યાણ બોર્ડ બનાવો
  • રત્નકલાકારોને આર્થિક પેકેજ જાહેર કરો
  • મોંઘવારીને ધ્યાને રાખીને 30% પગાર વધારો કરો
  • હીરાઉદ્યોગમાં મજુર કાયદાનુ ચુસ્તપણે પાલન કરો
  • ભાવ વધારા પર એક વિશિષ્ટ સમિતિની રચના કરો
  • રત્નકલાકારો પાસેથી લેવામાં આવતો વ્યવસાય વેરો નાબૂદ કરો
  • આપઘાત કરતા રત્નકલાકારોના પરિવારોને આર્થિક મદદ કરો
  • રત્નદીપ યોજના જાહેર કરો.

(1:53 PM IST)