News of Sunday, 30th March 2025
એસટી બસોના ભાડામાં વધારા બાદ ૧ એપ્રિલથી ગુજરાતના વિવિધ ટોલપ્લાઝામાં પણ ભાવ વધારાનો થશે અમલ
રૂ.પ થી રૂ.૪૦ સુધીનો ભાવવધારોઃ અમદાવાદ-વડોદરા એકસપ્રેસ-વેપર કારના રૂ.૧૩પ ને બદલે રૂ.૧૪૦, બસ-ટ્રકના રૂ.૪૮૦ ચુકવવા પડશે

અમદાવાદઃ GSRTC દ્વારા એસટી બસના ભાડામાં ભાવ વધારા બાદ હવે એક મોટા સમાચાર સામે આવ્યા છે. વાસ્તવમાં 1 એપ્રિલથી રાજ્યના વિવિધ ટોલ પ્લાઝા પર ભાવ વધારો થશે. વિગતો મુજબ ટોલ પ્લાઝા પર રૂ.5 થી રૂ.40 સુધી વધારો કરાયો છે. અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ વે અને અમદાવાદ-વડોદરા વચ્ચે નેશનલ હાઇવે 48 ઉપરથી પણ ટોલ ફી વધારો જાહેર કરાયો છે.
1 એપ્રિલથી અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ વે પર ટોલ વધુ ચૂકવવો પડશે. કાર-જીપના રૂ.135ના બદલે હવે રૂા.140 ચૂકવવા પડશે. બસ-ટ્રકના રૂ.465ના બદલે રૂ.480 ચૂકવવા પડશે. વડોદરાથી આણંદના કારના રૂ.50ના બદલે હવે રૂ.55 થયા તો વડોદરાથી નડિયાદના રૂ.70ના બદલે રૂ.75 ટોલ લેવામાં આવશે. રઘવાણજ ટોલ પ્લાઝા પર કાર-જીપના રૂ.110 થયા તો વાસદથી વડોદરાના કાર-જીપના રૂ.160 થયા છે. ભરથાણા ટોલપ્લાઝા કાર, જીપની ટોલ ફી રૂ.155થી વધીને રૂ.160 થઈ.
ગુજરાત રાજ્ય માર્ગ વાહનવ્યવહાર નિગમે મુસાફરોના ખિસ્સા પર ભાડા વધારાનો બોજ ઝિંકી દીધો છે. GSRTCએ એસટી બસ ભાડામાં એકાએક 10 ટકાનો વધારો ઝીંક્યો છે. આ નવા દરો ગઇકાલે મધરાત્રિથી અમલમાં આવી ચૂક્યા છે, જેના કારણે રાજ્યભરના આશરે 27 લાખ મુસાફરો પર સીધી અસર પહોંચી છે. વર્ષ 2014 બાદ પહેલીવાર 2023માં એટલે કે 10 વર્ષ બાદ એસટી નિગમ દ્વારા 1 ઓગસ્ટ 2023ના રોજ 25 ટકા સુધીનો ભાડાંમાં વધારો કરવામાં આવ્યો હતો. GSRTC દ્વારા આ લાગુ થનારાં ભાડાંમાં 48 કિમી સુધી રૂ.એકથી લઈને 6 રૂપિયા સુધીનો વધારો કર્યો હતો અને હવે ફરી વધારો કરવામાં આવ્યો છે.
(1:20 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
