News of Sunday, 30th March 2025
યુવતીએ સગાઈ કરવાની ના પાડી તો યુવકે યુવતીને હાથમાં બચકા ભરી લીધા
યુવક નશાની ટેવ વાળો હોવાથી અને અગાઉ પણ તેની સગાઇ તુટી હોવાનું જાણવા મળતા યુવતીએ સગાઇ કરવાની ના પાડી હતી.

અમદાવાદ: યુવક સગાઇ કરવા માટે દબાણ કરીને યુવતીને વારંવાર હેરાન પરેશાન કરતો હતો. યુવતીએ મોબાઇલ નંબર બ્લોક કરી દેતા યુવકએ અલગ અલગ ઇન્સ્ટાગ્રામ આઇડી બનાવીને યુવતીને મેસેજ કરવાનું શરૂ કર્યું. જોકે, કંટાળીને યુવતી માતા પિતા સાથે પોલીસ સ્ટેશન પહોચી. ત્યારે યુવક પણ તેના સગા સંબંધીઓ સાથે ત્યાં પહોચ્યો હતો. અને પોલીસ સ્ટેશનના બગીચામાં વાતચીત દરમિયાન અચાનક જ ઉશ્કેરાઇ યુવતીને બીભત્સ શબ્દો બોલી ઝપાઝપી કરી હતી. યુવતીના માતા પિતા વચ્ચે પડતા તેને પણ ધક્કો મારીને યુવતીને હાથના ભાગે બચકું ભરી લીધું હતું.
શહેરના રામોલ વિસ્તારમાં રહેતી યુવતી કોલેજમાં અભ્યાસ કરે છે. ગત ઓગષ્ટ 2024માં તેના જ સમાજના એક યુવક સાથે તેની સગાઇની વાત કરેલી હતી. જોકે યુવક શું કામ ધંધો કરે છે અને તેની વિચારસરણી કેવી છે તે જાણવા માટે એક માસ સુધી સગાઇની વાતચીત ચાલુ રાખી હતી. સમાજના કેટલાક લોકો પાસેથી યુવતીના પરિવારજનોને જાણવા મળ્યું હતું કે, યુવક નશો કરવાની ટેવવાળો છે, જેના કારણે અગાઉ પણ બે વખત તેની સગાઇ તુટી ગઇ હતી. જ્યારે યુવકનો સ્વભાવ અનુકુળ ના આવતા યુવતીએ સગાઇ કરવાની ના પાડી દીધી હતી. છતાં પણ યુવક વારંવાર ફોન કરીને સગાઇ કરવા માટે દબાણ કરતો હતો. યુવતીએ તેના મોબાઇલ નંબર બ્લોક કરી દેતા યુવકએ અલગ અલગ ઇન્સ્ટાગ્રામ આઇડી પરથી વાત ચાલુ રાખીને મોબાઇલ નંબર બ્લોકમાંથી કાઢી નાંખવા અને સગાઇ કરવા માટે દબાણ કરતો હતો. જેને લઇને યુવતીએ રામોલ પોલીસ સ્ટેશનમાં અરજી આપી હતી.
જેમાં બંન્ને વચ્ચે અંદરો અંદર સમાધાન પણ થયુ હતું. જોકે ત્યારબાદ ફરીથી યુવકે અલગ અલગ આઇડી બનાવી યુવતીને મેસેજ કરતો યુવતીની મંજુરી વગર તેના ફોટા સ્ટોરી પોસ્ટ કરીને તેને બદનામ કરી હેરાન પરેશાન કરતો હતો. આમ વારંવાર સગાઇ માટે દબાણ કરતા યુવતી તેના માતા પિતા સાથે રામોલ પોલીસ સ્ટેશન પહોચી હતી. આ દરમિયાન યુવક પણ તેના સગા સંબંધી સાથે પોલીસ સ્ટેશન આવ્યો હતો. રામોલ પોલીસ સ્ટેશનના બગીચામાં તેઓ અંદરો અંદર વાતચીત કરી રહ્યા હતાં તે દરમિયાન યુવક અચાનક જ ઉશ્કેરાઇ ગયો હતો. અને યુવતીને બીભત્સ ગાળો બોલી તેની સાથે ઝપાઝપી કરી હતી. યુવતીના માતા પિતા વચ્ચે પડતા તેમને પણ ધક્કો મારી પાડી દીધા હતાં. અને યુવતીના ડાબા હાથની કલાઇના ભાગે બચકું ભરી દીધી હતી. જે અંગે યુવતીએ ફરીયાદ નોંધાવતા પોલીસએ ફરીયાદ નોંધીને વધુ તપાસ શરૂ કરી છે.
(1:12 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
