News of Sunday, 30th March 2025
ગીર સોમનાથ જિલ્લાના ડોળાસા તાલુકાના આલીદર ગામ નજીક સાત વર્ષની બાળકી પર સિંહણની ત્રાટકીઃ પિતા બૂમાબૂમ કરતા સિંહ નાશી
બાળકીએ ઇજા પહોચતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી

વડોદરાઃ ગીર સોમનાથ જિલ્લાના ડોળાસા તાલુકાના આલીદર ગામ નજીક સિંહણના હુમલાની ઘટના બની હતી. એક સાત વર્ષની બાળકી પિતા સાથે ખેતરમાં લીંબુ તોડવા ગઈ હતી ત્યારે બાળકી પર એક સિંહણે હુમલો કર્યો હતો. બનાવમાં બાળકીએ ઇજા પહોચતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી.
ગઈકાલે સનવાવ રોડ પર રહેતા અજયભાઈ તેમના ઘર નજીકના ખેતરમાં લીંબુ લેવા માટે જઈ રહ્યા હતા. તેમની સાથે તેમની સાત વર્ષની દીકરી માહી પણ હતી, જે પિતાનો હાથ પકડીને ચાલી રહી હતી. અચાનક એક સિંહણ ઝાડીઓમાંથી ધસી આવી અને માહી પર હુમલો કર્યો હતો. સિંહણે માહીને મોઢામાં પકડી ખેંચવા લાગી હતી.
બાળકી પર સિંહણે હુમલો કરતા પિતાએ બૂમાબૂમ કરી મુકી હતી. જેથી સિંહણ બાળકીને છોડીને ભાગી ગઈ હતી. માહીને તાત્કાલિક નજીકની કોડીનાર સરકારી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવી હતી. ઘટનાની જાણ થતાં જામવાળા વન વિભાગના અધિકારીઓ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો.
વન વિભાગે આ વિસ્તારમાં પાંજરું ગોઠવીને હુમલાખોર સિંહણને પકડવાની તજવીજ હાથ ધરી છે. આ ઘટના બાદ સમગ્ર પંથકમાં ભયનો માહોલ ફેલાઈ ગયો છે. સ્થાનિક લોકોમાં ભારે ચિંતા જોવા મળી રહી છે, અને તેઓ વન વિભાગને તાત્કાલિક પગલાં લેવાની માંગ કરી રહ્યા છે.
(12:35 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
