તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 29th March 2025
વાઘોડિયા રોડના વોર્ડ નંબર 15માં આવેલી પુષ્ટિ પ્રભા સોસાયટીમાં છેલ્લા કેટલાય વખતથી દૂષિત પાણી આવવાની સમસ્યાના કારણે સ્થાનિક રહીશો ત્રાહિમામ : કોર્પોરેટરને જાત તપાસ માટે બોલાવીને ઘટતું કરવા માંગ કરી
દૂષિત પાણીથી સોસાયટીના કેટલાય રહીશોને ચામડીના રોગ તેમજ દૂષિત પાણી પીવાના કારણે પાણીજન્ય રોગથી સંક્રમિત થયા છે પરિણામે દવાખાનામાં દાખલ થવું પડે છે

વડોદરા તા.૨૯
વાઘોડિયા રોડના વોર્ડ નંબર 15માં આવેલી પુષ્ટિ પ્રભા સોસાયટીમાં છેલ્લા કેટલાય વખતથી દૂષિત પાણી આવવાની સમસ્યાના કારણે સ્થાનિક રહીશો ત્રાહિમામ પોકારી ગયા છે. પીવાનું પાણી ડહોળું અને કાળુ દૂષિત પાણી આવતા સ્થાનિક રહીશોએ વિસ્તારના કોર્પોરેટરને જાત તપાસ માટે બોલાવીને આ બાબતે ઘટતું કરવા માંગ કરી છે. વાઘોડિયા રોડની પુષ્ટિ પ્રભાસ સોસાયટીમાં રહેતી અનેક મહિલાઓએ એકત્ર થઈને શુદ્ધ પીવાનું ચોખ્ખું પાણી આપવા પાલિકા સમક્ષ માંગ કરી છે. માત્ર એક સમય પોણો કલાક સુધી પાણી આવે છે પરંતુ આ પાણી પીવા લાયક હોતું નથી.
સ્થાનિક લોકોનું કહેવું છે કે, પાલિકા ટેક્સ ઉઘરાવે છે, વેરો લે છે પરંતુ પાણીની પ્રાથમિક જરૂરિયાત મુજબના પ્રશ્નો ક્યારે હલ કરશે એક સવાલ છે. દૂષિત પાણીથી સોસાયટીના કેટલાય રહીશોને ચામડીના રોગ તેમજ દૂષિત પાણી પીવાના કારણે પાણીજન્ય રોગથી સંક્રમિત થયા છે પરિણામે દવાખાનામાં દાખલ થવું પડે છે.
સ્થળ મુલાકાતે આવેલા કોર્પોરેટર આશિષ જોષી એ જણાવ્યું હતું કે, લગભગ અડધા વિસ્તારની સોસાયટીઓમાં ગંદા અને દૂષિત પાણીનો કાયમી ધોરણે પ્રશ્ન રહ્યો છે. કોન્ટ્રાક્ટરે કરેલી અધુરી કામગીરીનો ભોગ સ્થાનિક લોકો બની રહ્યા હોવાનો આક્ષેપ પણ તેમણે કર્યો હતો. આ વિસ્તારમાં આવતું પાણી ગંદુ અને ડહોળું હોય છે. માત્ર અડધો કલાક પાણી આવે છે જેમાં પૂરતું પ્રેસર હોતું નથી અને કહેવાતા અડધા કલાકની જગ્યાએ ખૂબ ઓછો સમય પાણી આપવામાં આવે છે.
પૂર્વ વિસ્તારમાં રામવાટીકાથી હાઈવે સુધીની વૈકુંઠ સોસાયટી સુધી કાયમી ધોરણે પાણીના પ્રશ્નથી સ્થાનિક લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે. નજીકમાં જ ઢોર વાડો આવેલો છે અને એક ચેમ્બર બે મહિનાથી બેસી ગઈ છે છતાં પણ એનું સમારકામ પાલિકા તંત્ર કરાવતું નથી તેવા આક્ષેપ આશિષ જોષી એ કર્યા હતા. આ પ્રશ્નનો વહેલી તકે નિકાલ આવે અને સ્થાનિક લોકોને ચોખ્ખું પીવાનું પાણી મળે એ બાબતે આશિષ જોષીએ ઘટતું કરવા જણાવ્યું છે.
(4:30 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
