તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 29th March 2025
રોજના ર૭ લાખ એસટી મુસાફરો ઉપર ભાડાનો બોજ નાંખતું એસટી તંત્ર
રાજકોટ-અમદાવાદના હવે ૧૮૮: જામનગર-અમદાવાદનું ભાડુ રૂા. ૩પ૬ (રૂા. રરનો વધારો): મધરાતથી અમલ શરૂ : રાજકોટથી જામનગર-જુનાગઢ-મોરબી-પોરબંદર-વેરાવળ-સોમનાથ-ભાવનગર-અમરેલી-દ્વારકાની બસોમાં રૂા. ૮ થી રર સુધીનો વધારો : ડીવીઝન નિયામક સહિત ડેપોમેનેજર-અન્ય અધિકારીઓ આખી રાત જાગ્યાઃ ભાડૂ સેટ કર્યુ

રાજકોટ તા. ર૯ :.. ગુજરાત રાજય માર્ગ વાહન વ્યવહાર નિગમ (જીએસઆરટીસી) દ્વારા મુસાફરોના ભાડામાં ૧૦ ટકાનો વધારો કરવામાં આવ્યો છે.આ વધારો ગઇકાલે મધ્યરાત્રીથી અમલમાં આવી ગયો છે, રાજકોટ-અમદાવાદ ભાડુ ૧૭૧ નો બદલે ૧૮૮ તો જામનગરથી અમદાવાદનું ભાડુ રૂા. ૩૩૪ ને બદલે રૂા. ૩પ૬ થયું છે.
ગુજરાત એસટી નિગમ દૈનિક ૮૦૦૦ થી વધુ બસો દ્વારા ૩ર લાખથી વધુ કિલો મીટરનું અંતર કાપીને અંદાજે ર૭ લાખ મુસાફરોને જાહેર પરિવહન સુવિધા પુરી પાડે છે.નિગમ દ્વારા વર્ષ ૨૦૧૪ બાદ વર્ષ ૨૦૨૩માં એટલે કે ૧૦ વર્ષ પછી તબક્કાવાર ભાડા વધારો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો, જેમાં ૧ ઓગસ્ટ ૨૦૨૩ના રોજ ૨૫ ટકાનો વધારો કરવામાં આવ્યો હતો. હવે નિગમની પરિવહન સેવાઓને વધુ સુવિધાયુક્ત બનાવવા માટે નિગમના સંચાલક મંડળ દ્વારા ૨૮ માર્ચ ૨૦૨૫ની મધ્યરાત્રીથી ૧૦ ટકાનો વધુ ભાડા વધારો કરવાનો સર્વાનુમતે નિર્ણય લેવામાં આવ્યો છે, જે અમલમાં આવી ગયું છે.
નિગમનું કહેવું છે કે લોકલ સર્વિસમાં ૮૫ ટકા મુસાફરો ૪૮ કિલોમીટર સુધીની મુસાફરી કરે છે, જેના કારણે તેમને માત્ર ૧ થી ૪ રૂપિયાનો નજીવો ભાડા વધારો થશે, જેથી સામાન્ય મુસાફરો પર આ વધારાની ખાસ અસર નહીં પડે.
દરમિયાન અધિકારી સુત્રોએ જણાવેલ કે, રાજકોટથી મોરબી, જામનગર, જુનાગઢ, વેરાવળ-સોમનાથ, અમરેલી-ભાવનગર, દ્વારકા, પોરબંદરનું બસ ભાડામાં રૂા. ૮ થી રર સુધીનો વધારો થયો છે, રાજકોટથી ગોંડલનું ભાડુ ૪ાા રૂપિયા તો વીરપુરનું ભાડુ ૬ રૂપિયા વધ્યું છે.
ગુજરાતમાં દરરોજ ૧૮.૨૧ લાખ ગ્રામીણ મુસાફરો, ૪૬ હજાર શહેરી મુસાફરો અને ૮.૩૦ લાખ વિદ્યાર્થીઓ એમ કુલ મળીને ૨૭.૧૮ લાખ મુસાફરો રાજ્યની એસ.ટી. બસમાં મુસાફરી કરે છે. ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશને (GSRTC)ની કુલ ૮,૩૨૦ બસ દરરોજ ૪૨,૦૮૩ જેટલી ટ્રીપ પૂરી કરે છે. બધી બસોનું ૩૪.૫૨ લાખ કિલોમીટર જેટલું અંતર દરરોજ કાપે છે. ગુજરાતના ૧૮,૩૬૭ ગામડાઓ એટલે કે ૯૯.૩૪ ટકા ગામડાઓને એસ.ટી. નિગમે આવરી લીધા છે.ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશનના રાજ્યમાં કુલ ૧૬ ડિવિઝન, ૧૨૫ બસ ડેપો, ૧૫૧ બસ સ્ટેશન્સ અને ૧૫૫૪ જેટલા પીકઅપ સ્ટેન્ડ આવેલા છે. ડ્રાઇવર, કંડક્ટર, મિકેનિક, વહીવટી સ્ટાફ અને અધિકારીઓ કુલ મળીને ૩૬,૨૯૭ કર્મચારીઓ નિગમમાં કાર્યરત છે. કુલ ૮,૩૨૦ બસ દરરોજ ૪૨,૦૮૩ જેટલી ટ્રીપમાં ૩૪.૫૨ લાખ કિમી અંતર કાપે છે.
ગુજરાત ઉપરાંત મધ્યપ્રદેશ, રાજસ્થાન, મહારાષ્ટ્ર અને સંઘ પ્રદેશ સુધી આ બસ સેવાઓ વિસ્તરેલી છે. હાલ લ્વ્ પાસે ૮,૩૨૦ બસની ફિલટ છે. જેમાં ૨૦ વોલ્વો સ્લીપર, ૫૦ વોલ્વો સીટર, ૫૦ એ.સી. સ્લીપર, ૫૦ એ.સી. સીટર, ૫૦ ઇલેક્ટ્રિક, ૪૩૧ નોન એસી સ્લીપર, ૭૦૩ ગુર્જર નગરી, ૫,૫૫૬ ડીલક્સ એક્સપ્રેસ, ૧૧૦૫ મીની બસ અને ૩૦૦ લક્ઝરી બસ છે. એકાએક ભાડા વધારો થતા રાજકોટ એસ. ટી. ડીવીઝનલ નિયામક શ્રી કલોતરા, ડેપો મેનેજર તથા અન્ય તમામ સ્ટાફ આખી રાત જાગ્યો અને ભાડુ સેટ કર્યુ છે, મધરાતથી અમલમાં મૂકી દીધો છે. (પ-૧૯)
(11:16 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
