<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 26th March 2025

ગુજરાતમાં ડ્રગ્સ સ્મલીંગના કેસ બે વર્ષમાં રપ ટકા વધ્યા

વર્ષ ર૦રરમાં ૩૯૪ કેસ હતાઃ ર૦ર૪માં વધીને ૪૯૩ કેસ નોંધાયેલ : છેલ્લા ૩ વર્ષમાં કુલ ૧૩૬૬ કેસ નોંધાયાઃ ૧૯૪૬ લોકોની ધરપકડ

ગાંધીનગર તા. ર૬: ડ્રગ્સનું દુષણ યુવા પેઢીને બરબાદ કરી રહ્યું છે, ત્યારે ગુજરાતમાં છેલ્લા ૩ વર્ષમાં ડ્રગ્સના સ્મગલિંગ બદલ ૧૩૬૬ કેસ નોંધાયા છે જ્યારે ૧૯૪૬ની ધરપકડ કરવામાં આવી છે. આમ, પ્રતિ મહિને સરેરાશ ૫૪ વ્યકિતની ડ્રગ્સ સ્મગલિંગમાં ધરપકડ થાય છે જ્યારે ૩૮ વિરુદ્ધ કેસ દાખલ કરવામાં આવે છે.

ડ્રગ લો એન્ફોર્સમેન્ટ એજન્સી અને નાર્કોટિકસ કન્ટ્રોલ બ્યુરો દ્વારા જારી વિગત અનુસાર વર્ષ ૨૦૨૪માં ગુજરાતમાં ગાંજા-અફીણ સાથે ઝડપાયેલા ૩૮૩ જ્યારે મેફેડ્રોન સાથે ૧૧૨ વિરુદ્ધ કેસ દાખલ કરાયા હતા. આ ઉપરાંત કુલ ૭૦૨ની ધરપકડ કરવામાં આવી હતી. ડ્રગ્સ સ્મગલિંગ બદલ સૌથી વઘુ ધરપકડ થઇ હોય તેવા રાજ્યોમાં કેરળ ૨૭૭૭૭ સાથે મોખરે છે.

આ સિવાય અન્ય રાજ્યો કે જ્યાં એક વર્ષમાં ડ્રગ્સ મામલે સૌથી વઘુ ધરપકડ થઇ હોય તેમાં મઘ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર, હિમાચલ પ્રદેશ, નવી દિલ્હી, ઓડિશા અને પશ્ચિમ બંગાળનો મુખ્યત્વે સમાવેશ થાય છે.

ગુજરાતમાં ૨૦૨૨ની સરખામણીએ ૨૦૨૪માં ડ્રગ્સ સ્મગલિંગના કેસ દાખલ કરવાના પ્રમાણમાં ૨૫ ટકા અને અને ધરપકડમાં ૧૦ ટકાથી વધુનો વધારો નોંધાયો છે. ૨૦૨૨માં ડ્રગ્સ સ્મગલિંગમાં ૩૯૪ કેસ દાખલ કરાયા હતા અને ૬૩૭ની ધરપકડ કરવામાં આવી હતી. (૭.ર૪)

 

(2:57 PM IST)