<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 7th March 2025

આગામી પાંચ દિવસ મહત્તમ તાપમાનમાં ત્રણથી પાંચ ડિગ્રી નો વધારો થશે, તાપમાન વધતા ગરમીમાં વધારો થશે : હવામાન વિભાગના વૈજ્ઞાનિકની આગાહી

માર્ચ-એપ્રિલમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે. જેના કારણે 8 થી 17 તારીખ સુધી ગુજરાતમાં વાદળો છવાશે, અરબ સાગરમાં ભેજ જોવા મળશે, જેના કારણે અરબી સમુદ્રામાં 13 અને 14 માર્ચ સર્ક્યુલેશન બનશે. રાજ્યમાં 7 માર્ચથી ગરમીમાં વધારો થશે : હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ

અમદાવાદ તા.૭ : છેલ્લા ઘણા દિવસોથી હવામાનમાં બદલાવ જોવા મળી રહ્યો છે. જેમાં આગામી દિવસોને લઇ હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે.

હવામાન વિભાગના વૈજ્ઞાનિકના જણાવ્યા મુજબ આગામી સાત દિવસ વાતાવરણ સૂકુ રહેશે. અને આગામી પાંચ દિવસ મહત્તમ તાપમાનમાં ત્રણથી પાંચ ડિગ્રી નો વધારો થશે. તેઓના વધારે જણાવ્યા મુજબ તાપમાન વધતા ગરમીમાં વધારો થશે. ત્યારે તાપમાનની વાત કરવામાં આવે તો અમદાવાદનું મહત્તમ તાપમાન 34.6 ડિગ્રી નોંધાયું છે. જ્યારે રાજ્યમાં સૌથી વધુ મહત્તમ તાપમાન ભુજ 37.7 ડિગ્રી નોંધાયું હતુ.

વધુમાં તેઓના જણાવ્યા મુજબ હાલ પવનની દિશા ઉત્તર પશ્ચિમથી ઉત્તરના પવન ફૂંકાઇ રહ્યા છે. જેમાં 9 થી 11 માર્ચ દરમિયાન દરિયાકાંઠા વિસ્તારમાં ગરમ અને ભેજવાળા પવન ફુંકાશે. ત્યાર આના કારણે આગામી દિવસોમાં ગરમીનું પ્રમાણ વધશે તેમ તેઓએ જણાવ્યું હતું.

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે વરસાદની આગાહી કરી છે. આ બાબતે તેઓએ જણાવ્યું હતું કે માર્ચ-એપ્રિલમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે. જેના કારણે 8 થી 17 તારીખ સુધી ગુજરાતમાં વાદળો છવાશે. ત્યારે અરબ સાગરમાં ભેજ જોવા મળનાર છે. જેના કારણે અરબી સમુદ્રામાં 13 અને 14 માર્ચ સર્ક્યુલેશન બનશે. રાજ્યમાં 7 માર્ચથી ગરમીમાં વધારો થશે. આ ઉપરાંત કચ્છમાં 40 ડિગ્રી, દક્ષિણ ગુજરાતમાં 41-42 ડિગ્રી તપામન પહોંચશે. જોકે વેસ્ટર્સન ડિસ્ટર્બન્સ હટતા ગરમીમાં ફરી ઘટાડો થશે અને આ વખતે ચોમાસુ સારૂ રહેશે તેમ અંબાલાલે જણાવ્યું હતું.

(4:07 PM IST)