<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 6th March 2025

નરોડામાં પાડોશમાં રહેતા યુવકે છરીના ઘા ઝીંકી યુવતીને રહેંસી નાખી : મિત્રના ઘરે જઈ પોતે પણ જીવન ટૂંકાવ્યું

પાડોશમાં રહેતા હોવાથી બન્ને વચ્ચે પ્રેમ પાંગર્યો: છેલ્લા કેટલાક દિવસથી સોનુ અને ગુડ્ડુ વચ્ચે કોઈ બાબતે તકરાર ચાલતી હતી: ઉશ્કેરાયેલા ગુડ્ડુએ પોતાની પાસે રહેલી છરી વડે સોનુને ઉપરાછાપરી ઘા ઝીંકી દીધા

અમદાવાદ :શહેરના નરોડા વિસ્તારમાં એક યુવતીની ઘાતકી હત્યાનો બનાવ સામે આવ્યો છે. જેમાં પાડોશમાં રહેતા યુવકે યુવતીના ઘરમાં ઘૂસીને છરીના ઉપરાછાપરી ઘા ઝીંકી તેને મોતને ઘાટ ઉતારી દીધી હતી. જે બાદ પોતે પણ મિત્રના ઘરે જઈને જિંદગી ટૂંકાવી દીધી હતી.

આ અંગે પ્રાપ્ત પ્રાથમિક વિગતો મુજબ, નરોડા વિસ્તારમાં આવેલ મુસ્લિમ મહોલ્લામાં સોનુ (25) અને ઈર્શાદ ઉર્ફે ગુડ્ડુ સામ-સામે રહેતા હતા. પાડોશમાં રહેતા હોવાથી બન્ને વચ્ચે પ્રેમ પાંગર્યો હતો. જો કે છેલ્લા કેટલાક દિવસથી સોનુ અને ગુડ્ડુ વચ્ચે કોઈ બાબતે તકરાર ચાલતી હતી.

આ દરમિયાન આજે સાંજના સમયે ઈર્શાદ સોનુના ઘરે ગયો હતો, જ્યાં બન્ને વચ્ચે બોલાચાલી થઈ હતી. આ દરમિયાન ઉશ્કેરાયેલા ગુડ્ડુએ પોતાની પાસે રહેલી છરી વડે સોનુને ઉપરાછાપરી ઘા ઝીંકી દીધા હતા. જેના પગલે સોનું ત્યાં જ લોહીના ખાબોચિયામાં ફસડાઈ ગઈ હતી. આ સમયે બૂમાબૂમ થતાં આસપાસ લોકો એકઠા થઈ ગયા હતા. જેથી ગુડ્ડુ ઘટના સ્થળેથી ભાગી છૂટ્યો હતો.

આ બાબતની જાણ થતાં ઘટના સ્થળે આવી પહોંચેલી પોલીસે પંચનામુ કરી સોનુના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે મોકલી આપ્યો હતો. જ્યારે ગુડ્ડુ વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી તેની શોધખોળ માટે તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા. આ દરમિયાન પોલીસને જાણવા મળ્યું હતું કે, સોનુની હત્યા કર્યા બાદ ઈર્શાનદ રામોલ સ્થિત ગરીબ આવાસમાં રહેતા પોતાના મિત્રના ઘરે ગયો હતો. જે ઘરની બહાર જતાં ઈર્શાદે તેના ઘરે જ આપઘાત કરી લીધો છે. હાલ તો પોલીસે આ સમગ્ર બનાવ મામલે ઉંડાણ પૂર્વક તપાસ આદરી છે.

(12:21 AM IST)