<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 5th March 2025

રાજયમાં આગામી અઠવાડિયે હીટવેવનો પ્રથમ રાઉન્ડ :તાપમાનનો પારો 40 ડિગ્રીએ પહોંચશે

આગામી 5 દિવસ દરમિયાન ગુજરાતના અનેક ભાગોમાં હીટવેવનો રાઉન્ડ આવશે: ગરમી બેકાબૂ બનશે: પરેશ ગોસ્વામીની આગાહી

અમદાવાદ :ગુજરાતમાં સત્તાવાર રીતે ઉનાળાનું આગમન થઈ ચૂક્યું છે. જો કે છેલ્લા બે દિવસથી રાજ્યમાં ઠંડી અને ગરમી એમ બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. જેમાં સવારે અને રાતના સમયે ઠંડીનો અને બપોરના સમયે ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે. જો કે હજુ તો આ માર્ચ મહિનાનું પહેલું જ સપ્તાહ છે, જેમાં હજુ સુધી હીટવેવનો રાઉન્ડ નથી આવ્યો, પરંતુ આગામી સપ્તાહે હીટ વેવનો રાઉન્ડ આવી શકે છે.

આ અંગે વિગતો આપતા જાણીતા હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ જણાવ્યું કે, આગામી 9 થી 13 માર્ચ સુધીના 5 દિવસ દરમિયાન ગુજરાતના અનેક ભાગોમાં હીટવેવનો રાઉન્ડ આવશે. જેમાં ગરમી બેકાબૂ બનશે. જ્યારે માર્ચ પછીના એપ્રિલ અને મે એમ ત્રણ મહિના એવા હશે, જેમાં કાળઝાળ ગરમીના કારણે બજારમાં કરફ્યુ જેવો માહોલ પણ જોવા મળશે.

 

આ વર્ષે ઉનાળો ખૂબ જ આકરો રહેવાનો છે અને તાપમાન તેની ચરમ સીમાએ પહોંચવાનું છે. હીટવેવના એક પછી એક રાઉન્ડ લોકોને અકળાવી નાંખશે. 9 થી 13 માર્ચ દરમિયાનના હીટવેવના પ્રથમ રાઉન્ડમાં અનેક વિસ્તારોમાં તાપમાન 35 ડિગ્રીથી લઈને 37 ડિગ્રી સુધી પહોંચી શકે છે. જ્યારે કેટલાક ભાગોમાં ગરમીનો પારો 40 ડિગ્રી સુધી પહોંચી જશે. જેમાં દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોમાં તાપમાન વધવાનું છે.

આગામી એપ્રિલ અને મે એટલે કે ગુજરાતી મહિના પ્રમાણે જોઈએ તો, ચૈત્ર અને વૈશાખ આ બે મહિના એવા છે, જેમાં અસહ્ય ગરમીનો સામનો કરવો પડતો હોય છે. આ દરમિયાન રેકોર્ડ બ્રેક તાપમાનના કારણે ઉનાળો આકરો રહેવાનો છે. સામાન્ય રીતે ઉનાળાના 4 મહિના દરમિયાન હીટવેવના 4 થી 5 રાઉન્ડ આવતા હોય છે, પરંતુ આ વખતે વધુ રાઉન્ડ આવી શકે છે. જે પૈકી પ્રથમ રાઉન્ડ તો આગામી 9 માર્ચથી શરૂ થશે.

જે બાદ એપ્રિલ-મે મહિનામાં રાજ્યના અનેક ભાગોમાં 44 થી 45 ડિગ્રી સુધી તાપમાન પહોંચી જશે. જ્યારે ઈડર, અમદાવાદ, અમરેલી, સુરેન્દ્રનગર અને કચ્છના કેટલાક ભાગોમાં પારો 45 ડિગ્રીને પાર પહોંચી શકે છે. એટલે આ વર્ષે ભીષણ ગરમી પડવાની છે અને તેના માટે આપણે માનસિક તૈયારી રાખવાની છે.

જ્યારે જૂન મહિનાની અંદર ચોમાસું નજીક આવતું હોવાથી તાપમાનમાં ધીમે-ધીમે ઘટાડો થાય છે, જેના પરિણામે ઉકળાટ વધી જતો હોય છે. આથી જૂન મહિનામાં અસહ્ય બફારાથી લોકો અકળાઈ ઉઠશે.આ મહિનામાં પણ તાપમાન 40 થી 42 ડિગ્રીની આસપાસ રહેશે, પરંતુ આપણને 45 ડિગ્રી જેવો અનુભવ થશે. એટલે કે, છેક જૂન મહિના સુધી આપણે ગરમી સહન કરવી પડશે.

(11:11 PM IST)