<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 5th March 2025

યુવકે 16 વર્ષની સગીરાને પ્રેમ જાળમાં ફસાવી લગ્ન કરવાની લાલચ આપી અવારનવાર ગુજાર્યું દુષ્કર્મ

સ્કૂલમાં અભ્યાસ કરવા જતી સગીરાનો પીછો કરી નરાધમે તેને માયાજાળમાં ફસાવી: સગીરા ગર્ભવતી થઈ અને બાળકને જન્મ આપતા ભાંડો ફૂટી ગયો : વાસણા પોલીસે 21 વર્ષીય ભાવિન વિરમગામિયા નામના યુવકની ધરપકડ કરી

અમદાવાદ :સ્કૂલમાં અભ્યાસ કરવા જતી સગીરાનો પીછો કરી એક નરાધમે તેને પોતાની માયાજાળમાં ફસાવી, અનહદ પ્રેમ કરતો હોવાનું જણાવી વાતચીત શરૂ કરી અને બાદમાં શરૂ કરી હેવાનિયત, સગીરાના ઘરે કોઈ હાજર ન હોય ત્યારે એકલતાનો લાભ લઈ અવારનવાર પોતાની હવસ સંતોષી, જોકે અંતે સગીરા ગર્ભવતી થઈ અને તેણે બાળકને જન્મ આપતા આરોપીનો ભાંડો ફૂટી ગયો. આ મામલે પોલીસે આરોપીની ધરપકડ કરી છે.

 

વાસણા પોલીસે ભાવિન વિરમગામિયા નામના યુવકની ધરપકડ કરી છે. 21 વર્ષીય આ યુવકે 16 વર્ષની સગીરાને પોતાના પ્રેમ જાળમાં ફસાવી લગ્ન કરવાની લાલચ આપી અવારનવાર દુષ્કર્મ ગુજારતા તેની ધરપકડ કરવામાં આવી છે. જોકે આરોપીની કરતુત ત્યારે સામે આવી જ્યારે સગીરાને પેટમાં દુખાવો થતાં માતા હોસ્પિટલ લઈને પહોંચ્યા અને સગીરાએ પૂર્ણ મહિને પુરા મહિને એક બાળકને જન્મ આપ્યો. માતાએ પુત્રીની પૂછપરછ કરતા તેણીએ આરોપી અંગે તમામ હકીકત જણાવી અને વાસણા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા આ નરાધમની ધરપકડ કરવામાં આવી છે.

 

સગીરાએ તેની માતાને જણાવ્યું કે તેની સોસાયટીની બાજુમાં આવેલા જડીબાનગરમાં રહેતો ભાવિન વિરમગામિયા એકાદ વર્ષ પહેલા સગીરા જ્યારે સ્કૂલે જતી હતી ત્યારે તેનો પીછો કરતો હતો. આરોપીએ પોતે પ્રેમ કરતો હોય તેવું જણાવી પ્રેમ જાળમાં ફસાવી હતી. સગીરા પણ તેની વાતોમાં આવી જતા બંને વચ્ચે પ્રેમ સંબંધ બંધાયો અને વાતચીત શરૂ થઈ હતી. જે બાદ આરોપી ભાવિને સગીરાને ખૂબ જ પ્રેમ કરતો હોય અને તેની સાથે લગ્ન કરવા માંગતા હોય તેવી વાતો કરી હતી અને સગીરા ઘરમાં એકલી હોય ત્યારે તેના ઘરમાં પ્રવેશી અવારનવાર દુષ્કર્મ આચરતો રહ્યો. જેના કારણે પોતાને આ ગર્ભ રહી ગયો હોવાની કબુલાત સગીરાએ માતા સમક્ષ કરી હતી.

 

આ મામલે વાસણા પોલીસે આરોપી ભાવિન વિરમગામિયાની ધરપકડ કરી તેની સામે પુરાવા એકત્ર કરવા માટે તેના DNA સેમ્પલ મેળવ્યા છે. અને આરોપીની વધુ તપાસ અને પૂછપરછ હાથ ધરી આગળની કાર્યવાહી શરૂ કરી છે.

(7:40 PM IST)