<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 5th March 2025

૮મી માર્ચે રાજકોટમાં ૭૦ હજાર કેસોની મેગા લોક અદાલતનું ભવ્‍ય આયોજન

 

રાજકોટ તા.૫: ગુજરાત રાજ્‍ય કાનુની સેવા સત્તા મંડળ, ગુજરાત હાઈકોર્ટ, અમદાવાદ ના ઉપક્રમે જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, રાજકોટ ધ્‍વારા તારીખઃ- ૦૮/૦૩/૨૦૨૫ ના રોજ રાજકોટ જીલ્લાની રાજકોટ જીલ્લા મથકે તથા તાલુકા મથકે આવેલ તમામ અદાલતોમાં મેગા લોક-અદાલતનું આયોજન કરવામાં આવનાર છે. સદર લોક-અદાલતમાં દાખલ થયેલ તથા અદાલતમાં કેસ દાખલ થાય તે પહેલાં (પ્રીલીટીગેશન) કેસો હાથ પર લેવામાં આવનાર છે. સદર લોક-અદાલતમાં (૧) ફોજદારી સમાધાન લાયક કેસો, (૨) નેગોશીએબલ એકટની કલમ-૧૩૮ ( ચેક રીટર્ન અંગેના કેસો) હેઠળના કેસો (૩) બેન્‍ક લેણા ના કેસો (૪) મોટર અકસ્‍માત વળતરને લગતા કેસો (૫) લગ્નવિષયક કેસો (૬) મજુર અદાલતના કેસો (૭) જમીન સંપાદન ને લગતા કેસો (૮) ઈલેકટ્રીસીટી તથા પાણીના બીલોને લગતા કેસો (૯) રેવન્‍યુ કેસીસ (૧૦) દિવાની પ્રકારના કેસો ( ભાડા, સુખાધિકારના કેસો, મનાઈ હુકમના દાવા, કરાર પાલનના દાવા) (૧૦) અન્‍ય સમાધાન લાયક કેસો મુકવામાં આવનાર છે. લોક અદાલત પહેલાં લોક અદાલતની તૈયારીના ભાગરુપે રાજકોટ બાર એસોશીએશનના સાથ અને સહકારથી જુદી જુદી મીટીંગો યોજી, પ્રિ-સીટીંગનું આયોજન કરી પક્ષકારોને સમાધાન અંગે નજીક લાવવા માટે લગભગ છેલ્લા ત્રણ મહીનાથી પ્રયત્‍ન કરવામાં આવી રહેલ છે જેના ભાગરુપે તા. ૦૮/૦૩/૨૦૨૫ ના રોજ યોજાનાર લોક અદાલતમાં તમામ કેટેગરીના મળી કુલ ૭૦,૦૦૦ થી વધુ કેસો હાથ પર લેવામાં આવનાર છે.

 લોક-અદાલતમાં પક્ષકારો પોતાનો કેસ મુકી સમાધાનથી નિર્ણિત કરવામાં આવે તો બન્ને પક્ષકારોને લાભ કર્તા છે, બન્ને પક્ષકારો વચ્‍ચે સમાધાનથી કેસનો નિકાલ થાય છે તથા કોઈનો વિજય નહી તેમજ કોઈ નો પરાજ્‍ય નહી તેવી પરીસ્‍થિતી ઉદભવે છે અને તે કારણસર પક્ષકારો વિવાદ મુકત બને છે તથા વૈમનસ્‍યથી મુક્‍ત થવાય છે તેમજ પક્ષકારોની સમજણ તથા સમજુતીથી કેસનો નિકાલ થયેલ હોય અપીલ થતી નથી જેથી ભવિષ્‍યના વિવાદથી પણ પક્ષકારોને છુટકારો મળે છે. જેથી આગામી તારીખઃ ૦૮/૦૩/૨૦૨૫ ના રોજ યોજાનાર લોક-અદાલતમાં તમામ પક્ષકારોને સક્રીય ભાગ લેવા વિનંતી છે.

(4:46 PM IST)