News of Wednesday, 5th March 2025
શાળાના વિદ્યાર્થીઓના મૂલ્યાંકનમાં ધરખમ ફેરફાર આવશે
નવા સત્રથી અમલઃ વિદ્યાર્થીઓના ૩૬૦ ડીગ્રી મૂલ્યાંકનને લઇને શિક્ષણ વિભાગે ૧૨ સભ્યોની કમિટી બનાવી કમિટી એકમ કસોટી, પ્રથમ અને દ્વિતીય પરીક્ષાના મૂલ્યાંકન માટે અહેવાલ તૈયાર કરશેઃ કમિટી મે-૨૦૨૫ સુધીમાં સરકારને અહેવાલ આપશેઃ સરકાર નવા શૈક્ષણિક વર્ષથી અમલ કરશે

અમદાવાદ,તા.૫: રાજ્યની શાળાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના મૂલ્યાંકનને લઈને એક કમિટીની રચના કરવામાં આવી છે. રાષ્ટ્રીય શિક્ષણ નિતી-૨૦૨૦માં બાળકોના ૩૬૦ ડિગ્રી મૂલ્યાંકનને લઈને કમિટીની રચના કરવામાં આવી છે. જેમાં હાલમાં પ્રાથમિક શાળામાં લેવાતી એકમ કસોટી તથા પ્રથમ અને દ્વિતીય સત્રાંત પરીક્ષાના મૂલ્યાંકન માટે સમિતિ પોતાની ભલામણો સરકારને સુપરત કરશે. સમિતિ દ્વારા મે-૨૦૨૫ સુધીમાં પોતાની ભલામણો સુપરત કરવામાં આવ્યા બાદ સરકાર દ્વારા તે અંગે નિર્ણય કરશે અને નવા શૈક્ષણિક વર્ષથી અમલ કરવામાં આવશે. તાજેતરમાં એકમ કસોટીને લઈને ભારે વિરોધ થયાં બાદ સરકાર દ્વારા કમિટીની રચનાની ખાતરી આપી હતી. જેમાં એકમ કસોટી ઉપરાંત અન્ય મૂલ્યાંકનનો પણ સમાવેશ કરી દેવાયો છે. આ કમિટીમાં ૧૨ સભ્યોની નિમણૂક કરવામાં આવી છે.
રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા વિદ્યાર્થીઓના સતત મૂલ્યાંકન માટે એકમ કસોટી અમલમાં મૂકી હતી. જેમાં ધો.૩થી ૮માં અને ધો.૯થી ૧૨માં એકમ કસોટી લેવામાં આવતી હતી. એકમ કસોટી દર સપ્તાહે શનિવારના રોજ લેવાતી હતી. જોકે, એકમ કસોટીને લઈને છેલ્લા કેટલાક સમયથી વિરોધનો વંટોળ ઊભો થયો હતો. શિક્ષણ વિભાગના પૂર્વ અધિકારી દ્વારા પણ એકમ કસોટી રદ કરવાની તરફેણ કરી હતી અને તેના વિરોધમાં એક દિવસ ઉપવાસ આંદોલન પણ કર્યું હતું. જેના પગલે સરકાર દ્વારા એકમ કસોટીને લઈને વિચારણા શરૂ કરી હતી.
દરમિયાન, તાજેતરમાં રાજ્યના શિક્ષણમંત્રીના અધ્યક્ષસ્થાને વિદ્યા સમીક્ષા કેન્દ્રમાં એક બેઠક યોજાઈ હતી. જેમાં વિવિધ શૈક્ષણિક સંગઠનોના હોદ્દેદારો ઉપરાંત શિક્ષણ વિભાગના અધિકારીઓ પણ હાજર રહ્યા હતા. આ બેઠકમાં એકમ કસોટીને લઈને ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. વિવિધ રજૂઆતોના પગલે શિક્ષણણંત્રી દ્વારા એકમ કસોટીને લઈને એક કમિટીની રચના કરવાનું નક્કી કરાયું હતું. જોકે, હવે GCERT દ્વારા પરિપત્ર કરી નવી શિક્ષણ નીતિ-૨૦૨૦ અન્વયે બાળકોના ૩૬૦ ડિગ્રી મૂલ્યાંકન માટે સમિતિની રચના કરવામાં આવી છે. આ કમિટીમાં કુલ ૧૨ સભ્યોનો સમાવેશ કરવામાં આવ્યો છે.
આ કમિટી શાળામાં અભ્યાસ કરતા બાળકોના મૂલ્યાંકનને લઈને ચર્ચા વિચારણા કર્યા બાદ પોતાનો અહેવાલ સરકારને સુપરત કરશે. આ માટે સરકાર દ્વારા કમિટીને મે-૨૦૨૫ સુધીનો સમય આપવામાં આવ્યો છે. એટલે કે, હવે કમિટી ૩ માસમાં મૂલ્યાંકનને લઈને સમગ્ર બાબતોની છણાવટ કરી પોતાનો અહેવાલ સુપરત કરશે. આ અહેવાલ સરકારને મળ્યા બાદ થોડા જ દિવસમાં તેના અમલને લઈને જાહેરાત કરાશે. સરકાર દ્વારા શૈક્ષણિક વર્ષની શરૂઆતથી જ નવા મૂલ્યાંકનને લઈને અમલ કરવાની હોવાથી જૂનના અંત સુધીમાં અમલની જાહેરાત કરવામાં આવી શકે છે. કમિટી દ્વારા જે મૂલ્યાંકન માટે ભલામણ કરવામાં આવશે તેમાં એકમ કસોટીના બદલે શું અમલમાં મૂકી શકાય તે માટે પણ ચર્ચા કરવામાં આવશે. આ ઉપરાંત પ્રથમ અને દ્વિતીય સત્રાંત કસોટીના મૂલ્યાંકન અંગે પણ કમિટી દ્વારા પોતાનો અહેવાલ સુપરત કરવામાં આવશે. આમ, કમિટીના અહેવાલ બાદ તેના અમલના પગલે નવા શૈક્ષણિક વર્ષથી એકમ કસોટીનું સ્વરૂપ બદલાય અથવા તો એકમ કસોટીના બદલે અન્ય કોઈ મૂલ્યાંકન પદ્ધતિ અમલમાં આવે તેવી પ્રબળ શકયતાઓ વર્તાઈ રહી છે.
એકમ કસોટીનો વિરોધ કરનાર પૂર્વ અધિકારીને પણ કમિટીમાં સ્થાન
મૂલ્યાંકન માટે ૧૨ સભ્યોની કમિટી બનાવી છે, જેમાં એકમ કસોટીને લઈને સૌપ્રથમ વિરોધ કરનારા શિક્ષણ વિભાગના પુર્વ અધિકારી નલીન પંડિતને પણ સ્થાન આપવામાં આવ્યું છે. આ ઉપરાંત રાજ્યના પાંચ શૈક્ષણિક સંગઠનો જેમાં અખિલ ભારતી રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ, ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ, ગુજરાત રાજ્ય નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ શિક્ષક સંઘ, ગુજરાત રાજ્ય આચાર્ય સંઘ અને ગુજરાત રાજ્ય માધ્યમિક-ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘના પ્રતિનિધીનો સમાવેશ કરાયો છે. આ ઉપરાંત સમિતિના અધ્યક્ષ તરીકે ગુજરાત સાહિત્ય અકાદમીના માહાપાત્ર અને શિક્ષણવિદ ડો. જયેન્દ્રસિંહ જાદવ, શિક્ષણવિદ હસમુખ હિંગુ, લોકભારતીના મેનેજિંગ ટ્રસ્ટી અરુણ દવે, GCERTના નિયામક પ્રકાશ ત્રિવેદી, સમગ્ર શિક્ષાના સચિવ શિલ્પા પટેલ સભ્ય તરીકે મૂકાયા છે. જ્યારે પ્રાથમિક શિક્ષણ નિયામક કચેરીના નાયબ નિયામક ગૌરાંગ વ્યાસને સભ્ય સચિવ તરીકે કમિટીમાં મૂકવામાં આવ્યા છે
(10:52 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
