<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 3rd March 2025

વિધાનસભા સત્રની કાર્યવાહીનું જીવંત પ્રસારણ કરો અને ધારાસભ્‍યોને ચર્ચાના વિડીયો આપો

કોંગ્રેસે માંગણી દોહરાવીઃ વિધાનસભાના અધ્‍યક્ષને અમિત ચાવડાનો પત્ર

(અશ્‍વિન વ્‍યાસ દ્વારા) ગાંધીનગર તા. ૩: વિધાનસભાની સત્ર દરમ્‍યાનની કાર્યવાહીનું જીવંત પ્રસારણ કરવા બાબત તથા ધારાસભ્‍યોએ ચર્ચામાં લીધેલ ભાગના વિડીયો ફૂટેજ આપવા બાબતે વિપક્ષ કોંગ્રેસના નેતા શ્રી અમિત ચાવડાએ વિધાનસભાના અધ્‍યક્ષને લખ્‍યો છે.

વિધાનસભામાં ચૂંટાઇને આવતો પ્રજાનો પ્રતિનિધિ ચાહે કોઇપણ પક્ષનો કે વિસ્‍તારનો હોય તેનો સતત પ્રયત્‍ન રહે છે કે પોતાના વિસ્‍તારના લોકો અને ગુજરાતની જનતાનો અવાજ અને લાગણી-માંગણી વિધાનસભામાં રજુ કરે અને સરકારના ધ્‍યાન પર લાવે. દેશની પાર્લામેન્‍ટમાં સંસદની કાર્યવાહીનું જીવંત પ્રસારણ કરવામાં આવે છે. દેશના અનેક રાજયોની વિધાનસભાની કાર્યવાહીનું પણ જીવંત પ્રસારણ કરવામાં આવે છે. ગુજરાતમાં વખતો વખત કોંગ્રેસ પક્ષ તરફથી વિધાનસભાની કાર્યવાહીનું જીવંત પ્રસારણ કરવા સંદર્ભે માંગણી કરવામાં આવે છે. ગુજરાતની પ્રજાના ટેક્ષના પૈસાથી વિધાનસભાની સમગ્ર કાર્યવાહીનો ખર્ચ કરવામાં આવે છે. તમામ ધારાસભ્‍યશ્રીઓ અને મુખ્‍યમંત્રીશ્રી સહીત મંત્રી મંડળના સભ્‍યો અને વિવિધ વિભાગોના અધિકારીશ્રીઓ પણ પ્રજાના ટેક્ષના પૈસામાંથી પગાર અને સુવિધાઓ ભોગવે઼ છે જેથી પ્રજાના ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને સરકારી તંત્ર વિધાનસભામાં કઇ રીતે પ્રજાની સુખાકારી-સુવિધા અને સુરક્ષા બાબતે કાર્યવાહી કરી રહ્યા છે તે જોવાનો અને જાણવાનો પ્રજાનો પણ અધિકાર બને છે. તેમ અમિત ચાવડાએ જણાવ્‍યું છે.

ધારાસભ્‍યો પણ પોતાના વિસ્‍તારના પ્રશ્‍નો અને ગુજરાતની જનતાની અને વિકાસ માટે જે ચર્ચા કરે છે તેની માહિતી જનતા સુધી પહોંચાડે તે જરૂરી છે. સમાચાર માધ્‍યમોમાં માહિતી વિભાગ દ્વારા જે વિધાનસભાની કાર્યવાહીના અંશો ‘‘લોકશાહીના ધબકાર''ના સ્‍વરૂપે મોકલવામાં આવે છે. જે અધૂરા-એકતરફી અને પક્ષપાત પૂર્વકના હોય છે. વળી વખતોવખત સરકારના ચોકકસ મંત્રીઓના પ્રવચનોના વિડીયો રાજકીય એજન્‍ડાઓને ઉજાગર કરવા જાહેર કરવામાં આવે છે. વિપક્ષના સભ્‍યો સતત આ બાબતે અન્‍યાય અને ભેદભાવ થતો હોવાનું મહેસુસ કરી રહ્યા છે. જેથી ગુજરાતની પ્રજાની લાગણી-માંગણી અને કોંગ્રેસના તમામ ધારાસભ્‍યની માંગણી છે કે ગુજરાત વિધાનસભાની કાર્યવાહીનું જીવંત પ્રસારણ ચાલુ સત્રથી જ શરૂ કરવામાં આવે અને વિધાનસભાની ચર્ચાના અધ્‍યક્ષશ્રીએ માન્‍ય કરેલ પ્રવચનોની વિડીયો કોપી સભ્‍યશ્રીઓને આપવામાં આવે તે અમારી માંગણી છે તેમ પત્રમાં જણાવ્‍યું છે.

(4:18 PM IST)