તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 2nd March 2025
વડોદરાના સાવલીમાં કોંક્રીટ મિક્સ્ચરે બાઈકને ઉલાળ્યું: પિતાની નજર સામે જ પુત્રનું મોત
કારેલીબાગ ખાતે બેફામ દોડતી એસ.ટી બસે રોડ ક્રોસ કરી રહેલ માતા-દીકરાને ઉડાવ્યા

વડોદરા શહેર અને જિલ્લામાં અકસ્માતના બનાવો અટકવાનું નામ નથી લઈ રહ્યા. ગઈકાલે શહેરના કારેલીબાગ ખાતે બેફામ દોડતી એસ.ટી બસે રોડ ક્રોસ કરી રહેલ માતા-દીકરાને ઉડાવ્યા હતા. જેમાં નજર સામે જ પુત્રનું મોત જોઈને માતા બેભાન બની હતી. એવામાં આજે વડોદરા જિલ્લામાંથી અકસ્માતના બે બનાવો સામે આવ્યા છે. જેમાં બે નિર્દોષ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે.
અકસ્માતનો પ્રથમ બનાવ વડોદરા જિલ્લાના સાવલી તાલુકામાંથી સામે આવ્યો છે. જેમાં અહીંના મેવલી ગામમાં રહેતા ઘનશ્યામભાઈ પરમાર (58) ઘરવખરીનો સામાન લેવા માટે પોતાના પુત્ર રાજેશ સાથે બાઈક પર સાંઢાસાલ ગામે જઈ રહ્યા હતા. તેમનું બાઈક પાંચિયા-તલાવડી પાસેથી પસાર થઈ રહ્યું હતુ, ત્યારે માંતેલા સાંઢની માફક ધસી આવેલ કોન્ક્રીટ મિક્સ્ચ્રના ચાલકે ઘનશ્યામભાઈના બાઈકને ઉલાળ્યું હતુ. જેના પગલે પિતા-પુત્ર બન્ને ફૂટબૉલ માફક હવામાં ફંગોળાઈને નીચે પટકાયા હતા. જ્યાં પિતાની નજર સામે જ પુત્રનો કમકમાટીભર્યું મોત નિપજ્યું હતુ. જ્યારે ઘનશ્યામભાઈ ગંભીર ઘાયલ થતાં તેઓને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
જ્યારે બીજો બનાવ ડેસર તાલુકામાંથી સામે આવ્યો છે. જેમાં ગોધરાની ઈકબાલ ગર્લ્સ હાઈસ્કૂલ પાછળ રહેતા યામિન અબ્દુલરહીમ (59) ડેસરના ઉદલપુર ગામન સીમમાં એકતા મેટલ ક્વોરી ધરાવે છે. આજે તેઓ ક્વોરી પર હાજર હતા, ત્યારે ડમ્પર ચાલક લોડ કરેલ કપચીનું વજન કરાવતો હતો. જો કે કપચી ઓછું હોવાની જાણ થતાં ડમ્પરના ચાલકે પોતાનું વાહન વજનકાંઠા પરથી રિવર્સમાં લીધુ હતુ. આ સમયે ડમ્પરની પાછળ ઉભા રહેલા ક્વોરીના માલિક યામિન પર ડમ્પરના વ્હીલ ફરી વળતા તેઓનું મોત નિપજ્યું હતુ. આ અકસ્માત સર્જ્યા બાદ ડમ્પર ચાલક પોતાનું વાહન ઘટના સ્થળે મૂકીને ફરાર થઈ ગયો હતો. હાલ તો ડેસર પોલીસે અજાણ્યા ડમ્પર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી તેની ધરપકડ માટે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.
(8:46 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
