તા. ૨૩ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૪ સોમવાર
News of Saturday, 1st March 2025
અમદાવાદના ઓઢવામાં ઘરમાં સૂઈ રહેલા ત્રણ યુવકો પર ગરમ જ્વલનશીલ પદાર્થ નાખી અજાણ્યો શખ્સ ફરાર: એક યુવકનું મોત
શ્રવણ ગઢવીએ અચાનક બૂમાબૂમ કરતા તેની રૂમમાં હાજર શતીદાન ચારણ અને શ્રેણીદાન ચારણ જાગી ગયા

અમદાવાદ :સરખેજ, બાપુનગર, નડિયાદ બાદ હવે ઓઢવમાં પણ આ પ્રકારનો બનાવ સામે છે. રાત્રે ઘરમાં સૂઈ રહેલા યુવક પર કેમિકલ ફેંકી હુમલો કરવામાં આવ્યો હતો, જે કેમિકલના કારણે સારવાર દરમિયાન જ યુવકનું મોત થયું છે.આ અંગે ઓઢવ પોલીસે હત્યાનો ગુનો દાખલ કરી આરોપીની શોધખોળ શરૂ કરી છે.
અમદાવાદના ઓઢવ વિસ્તારમાં અર્બુદા નગર ખાતે આવેલી જય શક્તિ કોલોની મહાવીર બાગ ખાતે ગત 28 ફેબ્રુઆરીના વહેલી પરોઢે ઘરમાં સૂઈ રહેલા ત્રણ યુવકો પર ગરમ જ્વલનશીલ પદાર્થ નાખીને અજાણ્યો શખ્સ ફરાર થઈ ગયો હતો. જેમાં શ્રવણ ગઢવી નામનો યુવક ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો ત્યારે અન્ય બે વ્યક્તિઓને સામાન્ય ઇજા પહોંચી હતી. શ્રવણ ગઢવીએ અચાનક બૂમાબૂમ કરતા તેની રૂમમાં હાજર શતીદાન ચારણ અને શ્રેણીદાન ચારણ જાગી ગયા હતા. શ્રવણદાનને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, પરંતુ સારવાર દરમિયાન તેનું મૃત્યુ થતાં સમગ્ર ઘટનાની જાણ પોલીસને કરવામાં આવી હતી. અને પોલીસે હત્યાનો ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી છે.
શ્રવણ ગઢવી મૂળ રાજસ્થાનના બાડમેરનો રહેવાસી છે અને છેલ્લા કેટલાક સમયથી અહીં ભાડે રહેતો હતો. એસી રીપેરીંગનું કામ કરીને પોતાનું ગુજરાત ચલાવતો હતો. શ્રવણની સાથે તેના રૂમમાં કેટલાક દિવસથી કૌટુંબિક ભત્રીજો શતીદાન ચારણ અને શ્રેણીદાન ચારણ રહેતા હતા. શ્રવણદાન ગઢવીને ઇજાગ્રસ્ત હાલતમાં જ્યારે હોસ્પિટલમાં લઈ જવાયો ત્યારે ડ્રેસિંગ રૂમમાં બનાવ બાબતે સમાજના આગેવાન ઈન્દ્રદાન ગઢવી દ્વારા પૂછપરછ કરાવતા તેણે બાજુની રૂમ વાળા ચંદુભાઈ રાવળે તેના પર આ કેમિકલ નાકહ્યું હોવાની હકીકત જણાવી હતી. જોકે તેનું મોત થતા પરિવારજનો મૃતદેહને લઈને રાજસ્થાન જઈ રહ્યા હતા બાદમાં પોલીસને જાણ કરાતા મૃતદેહ અમદાવાદ લાવવામાં આવ્યું હતું અને ઓઢવ પોલીસ સ્ટેશન ખાતે શતીદાન ચારણએ ચંદુભાઈ રાવળ નામના વ્યક્તિ સામે કૌટુંબીક કાકાની હત્યાની ફરિયાદ નોંધાવી છે.
આ ઘટનાની ગંભીરતાને લઈને ઓઢવ પોલીસ દ્વારા એફએસએલની મદદથી લઈને હત્યા માટે કયા જવલનશીલ પદાર્થનો ઉપયોગ કરવામાં આવ્યો છે તે અંગે વધુ તપાસ શરૂ કરવામાં આવી છે. સાથે જ ફરિયાદમાં જેના પર આક્ષેપ કરવામાં આવ્યો છે તે ચંદુભાઈ રાવળ ફરાર હોય તેની શોધખોળ શરૂ કરી છે. મૃતકની હત્યા શા માટે કરવામાં આવી અને કેમિકલ કઈ જગ્યાએથી લાવવામાં આવ્યું હતું તે તમામ બાબતો આરોપીના ઝડપાયા બાદ જ સામે આવશે.
(9:38 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
