<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 1st March 2025

પ્રથમ વખત ઠાકોરજીની આરતીનું સ્‍થળ બદલાશે

ડાકોર ટેમ્‍પલ કમિટીનો વધુ એક મોટો નિર્ણય : આરતી વખતે વારાદારી સિંહાસન પર ઉભા નહીં રહે : હવેથી સિંહાસન તેમજ પાટિયા પર ન ઉભા રહેતા નીચેથી સન્‍મુખ ઉભા રહીને વારાદારીઓએ આરતી ઉતારવાની રહેશે

ખેડા તા.૧: વારંવાર વિવાદોમાં રહેવા ટેવાયેલ ડાકોર ટેમ્‍પલ કમિટી દ્વારા વધુ એક નિર્ણય લેવામાં આવ્‍યો છે. ઇતિહાસમાં પ્રથમ વાર ઠાકોરજીની આરતીનું સ્‍થળ બદલાશે. જી હા... આરતી સમયે કોઈપણ વારાદારી સિંહાસન કે તેના પાટિયા પર ઉભા નહીં રહી શકે તેવો ફરમાન જાહેર કરાયું છે. તા. ૦૧ માર્ચથી આ નિર્ણયની અમલવારી થશે. ડાકોર રણછોડરાયજી મંદિરમાં દિવસ દરમિયાનના તમામ ભોગો સમયે થતી આરતી માટે આ નવો નિર્ણય લાગુ પડશે. હવેથી સિંહાસન તેમજ પાટિયા પર ન ઉભા રહેતા નીચેથી સન્‍મુખ ઉભા રહીને વારાદારીઓએ આરતી ઉતારવાની રહેશે.

૨૨/૧૧/૨૪ ના રોજ મંગળા આરતી સમયે તપોધન વારાદારીનો ખેસ સળગવાની ઘટના બની હતી. જે બાબતનો વિડીયો સામે આવ્‍યો હતો. વીડિયોમાં સ્‍પષ્ટ પણે દેખાઈ રહ્યું છે કે બાજુમાં ઊભા રહેલા વારાદારી જો નીચે ખસી ગયા હોત તો આ ઘટના ન ઘટી હોય. આરતી ઉતારનાર વારાદારીએ જોડે ઊભા રહેલા વારાદારીને ખસવાનું કહ્યું પરંતુ જોડે ઊભા રહેલા વારાદારી ખસ્‍યા નહીં. જેને લઈ ડાકોર ટેમ્‍પલ કમિટીની ૧૦/૧૨/૨૪ ની મિટીંગમાં આ અંગે ઠરાવ કરાયો હતો, જેનો ૧ માર્ચ શનિવારથી અમલ કરાશે.

જો ભગવાન સન્‍મુખ ઉભા રહી વારાદારી આરતી ઊતારે તો ભક્‍તોને રણછોડજીના દર્શનમાં મુશ્‍કેલી થઈ શકે છે. તમને જણાવી દઈએ કે, આરતી માટે ડાકોર ટેમ્‍પલ કમિટીએ પોલીસ બંદોબસ્‍ત માંગ્‍યો છે.(૩૮.૭)

(10:33 AM IST)