તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 22nd February 2025
વડોદરા નજીક હિટ એન્ડની ઘટના અજાણ્યા વાહને બાઈકને ઉલાળતા યુવાનનું કમકમાટીભર્યું મોત
યુવક હવામાં ફંગોળાઈ નીચે પટકાયો બાદ તેને ગંભીર હાલતમાં સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવાયો જ્યાં સારવાર દરમિયાન તેનું મોત નિપજ્યું

વડોદરા નજીક હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે. જેમાં માંતેલા સાંઢની માફક દોડી રહેલા અજાણ્યા વાહને બાઈકને ઠોકર મારી હતી. જેથી બાઈક સવાર યુવક હવામાં ફંગોળાઈ નીચે પટકાયો હતો. જે બાદ તેને ગંભીર હાલતમાં સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. જ્યાં સારવાર દરમિયાન તેનું મોત નિપજ્યું છે.
આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, આણંદના આંકલાવ તાલુકાના ભેટાસી ગામમાં પરિવાર સાથે રહેતો ભાવેશ પરમાર (22) દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ હાઈવે પર આવેલ ફાજલપુર બ્રિજ નીચેથી બાઈક લઈને પસાર થઈ રહ્યો હતો. આ દરમિયાન બેફામ ગતિએ આવેલા અજાણ્યા વાહને ભાવેશની બાઈકને ટક્કર મારી હતી.
અજાણ્યા વાહનની ટક્કરથી બાઈક પર જઈ રહેલો ભાવેશ હવામાં ફંગોળાઈને નીચે પટકાતા તે ગંભીર ઘાયલ થયો હતો. જેથી લોહીલુહાણ હાલતમાં ભાવેશને 108 એમ્બ્યુલેન્સ મારફતે સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જ્યાં ટૂંકી સારવાર બાદ ભાવેશે દમ તોડ્યો હતો.
હાલ તો આ સમગ્ર મામલે નંદેસરી પોલીસે અકસ્માત સર્જીને ઘટના સ્થળ પરથી ભાગી જનાર અજાણ્યા વાહન ચાલક વિરુદ્ધ ગુનો દાખલ કરીને તેની શોધખોળ માટે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.
(8:40 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
