<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 21st February 2025

હીરામણિ રાજયમાં નામના ધરાવતી શાળા છે, એના વિદ્યાર્થીઓનું ઘડતર ઉત્તમઃ અર્જુનભાઇ

પોરબંદરના ધારાસભ્‍યના હસ્‍તે અમદાવાદની સુપ્રસિધ્‍ધ શાળામાં ઇનામ વિતરણ અમદાવાદમાં જનસહાયક ટ્રસ્‍ટ સંચાલિત હીરામણિ સ્‍કૂલ (સરખેજ-ગાંધીનગર હાઇવે) ખાતે પોરબંદરના ધારાસભ્‍ય અર્જુનભાઇ મોઢવાડિયાના હસ્‍તે ઇનામ વિતરણ યોજાયેલ તે પ્રસંગની તસ્‍વીરમાં નરહરિ અમીન, નીતાબેન અમીન, પંકજ દેસાઇ, ભગવત અમીન વગેરે ઉપસ્‍થિત છે.

રાજકોટ તા. ર૧: અમદાવાદની હીરામણિ સ્‍કૂલનાં વિદ્યાર્થીઓ દ્વારા વર્ષ દરમ્‍યાન જુદી જુદી રમતોમાં વિશિષ્‍ટ સિદ્ધિઓ મેળવવા બદલ શ્રી અર્જુનભાઇ મોઢવાડિયા (ધારાસભ્‍ય-પોરબંદરના મુખ્‍ય મહેમાન પદે તેમજ જનસહાયક ટ્રસ્‍ટનાં પ્રમુખ નરહરિ અમીનની ઉપસ્‍થિતિમાં સ્‍કૂલ કેમ્‍પસમાં ઇનામ વિતરણ સમારોહ યોજાયો હતો.

ઇનામવિતરણ સમારોહમાં ખો-ખો, વુશુ, વોલીબોલ, ક્રિકેટ, કબડ્ડી, ચિત્રકલા, વકૃત્‍વ સ્‍પર્ધા, શાળામાં યોજાતી વિવિધ સ્‍પર્ધાઓ તથા તાલુકા કક્ષાએ, જિલ્લા કક્ષાએ, રાજયકક્ષાએ તથા રાષ્‍ટ્રીય લેવલે વિશિષ્‍ટ સિદ્ધિઓ મેળવનાર વિદ્યાર્થીઓને ર૩૩ ઇનામો અને પ્રમાણપત્રો આપી પુરસ્‍કૃત કરવામાં આવ્‍યા હતાં. આ પ્રસંગે મુખ્‍ય મહેમાન શ્રી અર્જુનભાઇ મોઢવાડિયાએ જણાવ્‍યું હતું કે હીરામણિ શાળા માત્ર અમદાવાદ નહીં પણ સમગ્ર ગુજરાતમાં નામનાં ધરાવતી સંસ્‍થા છે. શાળામાં એડમિશન લેતો વિદ્યાર્થી જયારે અભ્‍યાસપુર્ણ કરી શાળામાંથી નીકળે છે ત્‍યારે તે ૧૦૦ ટચ સોના જેવો ઉત્તમ બનીને નીકળે છે. તે આ શાળાની ખુબી છે. આંતરિક શકિતઓને બહાર લાવવી તે જ સાચું શિક્ષણ છે, તેમણે વિજેતા વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્‍યા હતાં.

આ પ્રસંગે સંસ્‍થાનાં ઉપપ્રમુખ શ્રીમતી નીતાબેન અમીન, સેક્રેટરીશ્રી, આર. સી. પટેલ, જોઇન્‍ટ સેક્રેટરીશ્રી પંકજભાઇ દેસાઇ, સી.ઇ.ઓ. શ્રી ભગવતભાઇ અમીન, શાળાનાં આચાર્યાશ્રીઓ, કો-ઓર્ડિનેટર્સ, શિક્ષકો તથા મોટી સંખ્‍યામાં વિદ્યાર્થીઓ ઉપસ્‍થિત રહ્યાં હતાં

(2:53 PM IST)