તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 20th February 2025
વડોદરાના વાઘોડિયામાં નદી કિનારે પશુઓ ચરાવતા વૃદ્ધને મગર પાણીમાં ખેંચી જતા મોત
ગામની સીમ પાસેથી પસાર થતી દેવનદીમાં પશુઓ સાથે વૃદ્ધ નદીમાં ઉતરતા મગરે વૃદ્ધ પર હુમલો કરી નદીમાં ખેંચી ગયો

વડોદરા જિલ્લાના વાઘોડિયા તાલુકાના ફ્લોડ ગામે રહેતા વૃદ્ધ પશુઓ ચરાવવા ગયા હતા. દરમિયાન ગામની સીમ પાસેથી પસાર થતી દેવનદીમાં પશુઓ સાથે વૃદ્ધ નદીમાં ઉતરતા મગરે વૃદ્ધ પર હુમલો કરી નદીમાં ખેંચી ગયો હતો. વૃદ્ધે મગરના જડબામાંથી છૂટવા બૂમાબૂમ કરતા આસપાસના લોકો દોડી આવ્યા હતા પરંતુ તે પહેલા મગર તેમને નદીના ઉંડા પાણીમાં ખેંચી જતા તેમનું મોત નીપજ્યું હતું.
આ અંગે પ્રાપ્ત માહિતી અનુસાર વાઘોડિયાના ફ્લોડ ગામે રહેતા રાઠોડીયા મણીલાલ ઉર્ફે મનુભાઈ દેવ નદી કિનારે પશુઓ ચરાવવા ગયા હતા. દરમિયાન સાંજના સમયે મણીલાલ પોતાના પશુઓ સાથે દેવનદીમાંથી પસાર થઇ રહ્યા હતા. તે વખતે એક મહાકાય મગરે તેમની પર હુમલો કર્યો હતો અને મગર તેમને નદીના ઊંડા પાણીમાં ખેંચી ગયો હતો.
બનાવના પગલે લોકો ટોળા નદી કિનારે એકત્રિત થઇ ગયા હતા અને ગામના સ્થાનિક તરવૈયાઓએ મણિલાલને મગરના મુખ માંથી છોડવવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ મણિલાલનો મૃતદેહ નદીમાંથી મળી આવ્યો હતો. ઘટનાની જાણ વન વિભાગ અને વાઘોડિયા પોલીસને કરતા તેઓ નદી કિનારા ખાતે દોડી આવ્યા હતા અને પોલીસે મણિલાલના મૃતદેહનો કબજો લઇ મૃતદેહ પીએમ અર્થે હોસ્પિટલ ખાતે ખસેડી આગળની વધુ કાર્યવાહી હાથ ધરી હતી. જયારે વન વિભાગની ટીમે મગરને નદીમાંથી પકડવા માટે પાંજરૂ મૂકવાની તજવીજ હાથ ધરી હતી.
(12:13 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
