તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 19th February 2025
ભરૂચના આમોદના ઈખર ગામે તસ્કરો ત્રાટક્યા :હર્ષ જ્વેલર્સમાંથી રૂ. 3.96 લાખના દાગીના ચોરી ફરાર
સમગ્ર ઘટના દુકાનના CCTVમાં કેદ થઈ ગઈ :ધર્મેન્દ્ર સોનીની ફરિયાદના આધારે પોલીસે ગુનો દાખલ કરી ધરપકડ માટે તપાસના ચક્રો ગતિમાન કર્યા

ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના ઈખર ગામે આવેલ હર્ષ જ્વેલર્સ નામની સોનીની દુકાનમાં મોડી રાતે ત્રાટકેલા તસ્કરોએ સોના-ચાંદીના દાગીનાની ચોરી કરીને ફરાર થઈ ગયા છે. આ સમગ્ર ઘટના દુકાનના CCTVમાં કેદ થઈ ગઈ છે.
આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, આમોદ તાલુકાના ઈખર ગામે ધર્મેન્દ્ર સોની વર્ષોથી હર્ષ જ્વેલર્સ નામે દુકાન ધરાવીને સોના-ચાંદીનો વેપાર કરે છે. ગઈકાલે નિત્ય ક્રમ મુજબ તેઓ દુકાન બંધ કરીને ઘરે ગયા હતા. બીજા દિવસે સવારે તેજલ મકવાણાએ ધર્મેન્દ્ર સોનીને ફોન કરીને તેમની દુકાનું શટર ઊંચુ હોવાનું જણાવ્યું હતુ. જેથી ધર્મેન્દ્ર સોની તાત્કાલિક ઈખર ગામે આવી પહોંચ્યા હતા. જ્યા તેમણે પોતાની દુકાનનું શટર ઊંચુ જોતા અંદર જઈને તપાસ કરતાં ચોરી થઈ હોવાનું માલૂમ પડ્યું હતુ.
જે બાદ દુકાનમાં લાગેલા CCTV ફૂટેજ ચકાસતા રાતે પોણા 3 વાગ્યાની આસપાસ અજાણ્યા ઈસમોએ લોખંડની પાઈપ વડે દુકાનનું શટર ઊંચુ કરીને દુકાનમાં પ્રવેશ કર્યો હતો. જે બાદ દુકાનમાં રહેલ રૂ. 3.96 લાખની કિંમતના સોના-ચાંદીના દાગીના લઈને ફરાર થઈ ગયા હતા.
હાલ તો હર્ષ જ્વેલર્સના માલિક ધર્મેન્દ્ર સોનીની ફરિયાદના આધારે આમોદ પોલીસે અજાણ્યા ઈસમો વિરુદ્ધ ગુનો દાખલ કરીને તેમની ધરપકડ માટે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.
(10:57 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
