<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 18th February 2025

વડોદરા :વેબસાઇટ પર રિસર્ચનું કામ કરતી મહિલાને 6 દિવસ સુધી ડિજિટલ અરેસ્ટ કરી 61 લાખ પડાવ્યા

મહારાષ્ટ્ર ગર્વમેન્ટના મની લોન્ડરીંગ કેસમાં તેમનું નામ છે તેમ કહીને ઠગ ટોળકીએ મુંબઈ પોલીસ અને સાયબર ક્રાઈમ બ્રાન્ચના નામે ફોન અને વિડિયોકોલ કરીને મહિલાને ડિજિટલ એરેસ્ટ કરી

વડોદરા : શહેરના ગોત્રી વિસ્તારમાં રહેતી આધેડ વયની મહિલાને મહારાષ્ટ્ર ગર્વમેન્ટના મની લોન્ડરીંગ કેસમાં તેમનું નામ છે તેમ કહીને ઠગ ટોળકીએ મુંબઈ પોલીસ અને સાયબર ક્રાઈમ બ્રાન્ચના નામે ફોન અને વિડિયોકોલ કરીને મહિલાને ડિજિટલ એરેસ્ટ કરી હતી. ત્યારબાદ મહિલાને અલગ અલગ બેંક નંબરો મોકલીને તેની પાસેથી 61 લાખથી વધુ ઓનલાઈન ટ્રાન્સફર કરાવીને ઠગાઈ કરી હોવાની વધુ એક ફરિયાદ સાયબર ક્રાઈમ સ્ટેશનમાં નોંધાઈ છે.

ગોત્રી વિસ્તારના રાધેશ્યામ હાર્મની ટાવરમાં રહેતા 58 વર્ષીય મહિલાએ સાયબર ક્રાઈમ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી કે, હું ફિલાન્સર તરીકે વેબ સાઈટ પર રિસર્ચનું કામ કરુ છું અને હાલમાં એકલી રહુ છું. ગત 9 ઓગસ્ટે હું મારા ઘરે હતી તે સમયે મને વિદેશના અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો હતો જેમાં ફોન કરનારે તેની મુંબઈના અંધેરી પોલીસ સ્ટેશનમાંથી પાટીલ બોલુ છુ તેવી ઓળખાણ આપી કે તમારું ખાનગી બેંકમાં ખાતુ છે તેમાં 25 લાખનું ફોડ થયું છે અને તે મારો કોલ સાયબર ક્રાઈમના હેડને ટ્રાન્સફર કર્યો હતો.

મને અન્ય મોબાઈલ નંબરથી ફોન આવ્યો હતો જેમાં સાયબર ક્રાઈમ બ્રાન્ચ મુંબઈથી જયકુમાર બંસલ તરીકે ઓળખ આપનારે જણાવ્યું હતું કે આઈસીઆઈસીઆઈ બેન્કમાં જે ફ્રોડના રૂપિયા જમા થયા છે તેની તપાસ માટે સાથ આપવાનો રહેશે અને તેણે વોટ્સએપ પર તેના નામવાળું મુંબઈ પોલીસનું આઈકાર્ડ મોકલ્યું હતું. આઈકાર્ડે જોઈને મને તે પોલીસ ખાતામાંથી જ બોલે છે તેવું લાગતા મેં તેને મારા બેંક અને એફડીની તમામ વિગતો જણાવી હતી. ત્યારબાદ વધુ એક નવા નંબર પરથી મને અજયકુમારે વિડિયોકોલ કર્યો હતો અને આ વિડિયોકોલ જો બંધ થશે તો તેઓના માણસ આવીને મને પકડી જશે તેવી ધમકી આપતા હું ગભરાઈ હતી હતી અને ત્યારથી વિડિયોકોલ સતત ચાલું રાખ્યો હતો.

મારી સાથે અન્ય નવા નંબરથી મુંબઈ સાયબર બ્રાન્ચના ડીસીપી મિલીંદના નામે વાત કરનારે મારી પાસેથી મારુ નામ, સરનામુ, બેંક ખાતા અને જમા રકમની વિગતો વોટ્સએપ પર મંગાવી હતી અને મને મહારાષ્ટ્ર ગર્વમેન્ટના મની લોન્ડરીંગનો લેટર જે મારા નામનો હતો તે મોકલ્યો હતો. ત્યારબાદ આ ડીસીપી મિલીદે જણાવ્યું હતું કે મારા બેંકના ખાતામાં જે રૂપિયા જમા છે તે મારે સિક્યોરીટીઝ માટે ગર્વમેન્ટના સુપરવિઝનમાં રાખવા પડશે જેમાં હું સહમત થતાં મને મારી જે એફડી છે તે મારા બેંક ખાતામાં ટ્રાન્સફર કરવા જણાવ્યું હતું અને આ પૈકી એક ડિપોઝીટના 4.50 લાખ ડીબીએસ બેંક ખાતામાં ટ્રાન્સફર કરાવ્યા બાદ તેણે આ રૂપિયા સરકારી તિજોરીમાં જમા થયા છે. તેવો ગર્વમેન્ટ ઓફ ઈન્ડિયાના ઈડીનો લેટર મોકલ્યો હતો

આ જ રીતે તેઓના કહ્યા અનુસાર મે 13 અને 14 ઓગસ્ટે બે તબક્કામાં કુલ 56,50,046 રૂપિયા અલગ અલગ ખાતામાં ટ્રાન્સફર કરાવ્યા હતા જેથી મને ફરી ઈડીના લેટર મોકલાવ્યા હતા. આમ મને મુંબઈ પોલીસના નામે બોગસ ઓળખ આપી તેમજ મની લોન્ડરીંગ કેસમાં મારુ નામ છે તેવી ધમકી આપીને ડીજિટલ એરેસ્ટ કરી ઠગ ટોળકીએ 61,00,046 રૂપિયા ટ્રાન્સફર કરાવીને ઠગાઈ કરતાં મે સાયબર ક્રાઈમ હેલ્પલાઈન પર ફોન કરી અરજી કરી હતી. આ અરજીના પગલે પોલીસે જે નંબરો પરથી ધમકી આપી નાણાં પડાવવામાં આવ્યા હતા તે નંબરધારકો સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

વડોદરા પોલીસ માટે ઠગટોળકીનું દેશવ્યાપી નેટવર્ક પકડવા માટે મોટો પડકાર બની રહ્યો છે. મહિલા સાથે ઠગાઈ કરવાના સમયગાળામાં શનિવાર અને રવિવારે બેંકમાં રજા આવતી હોય ઠગ ટોળકીને છ દિવસ લાગ્યા હતા નહી તો તેઓએ ગણતરીના કલાકોમાં જ નાણાં ટ્રાન્સફર કરાવી દીધા હોત. મહિલાને ટોળકીએ જે ત્રણ બેંક ખાતામાં નાણાં ટ્રાન્સફર કરવા સુચના આપી હતી તે ત્રણેય બેંક ખાતાઓ ચેન્નાઈ, મહારાષ્ટ્ર અને કેરળના હોવાની વિગતો સપાટી પર આવી છે. ઠગાઈના નાણાં ટ્રાન્સફર કરવા માટે ઠગટોળકીનું દેશવ્યાપી નેટવર્ક હોવાનું ખુલતા પોલીસ માટે આ બનાવની તપાસ પણ પડકાર રૂપ બની છે.

(12:22 AM IST)