<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 14th February 2025

મતદાનના દિવસે શ્રમયોગીઓ અને કર્મચારીઓને સવેતન રજા મળશે

શ્રમયોગીઓ માટે ખુશખબરઃરાજ્યમાં આગામી ૧૬ ફેબ્રુઆરી, ૨૦૨૫ રવિવારના રોજ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ માટે મતદાન યોજાશે

ગાંધીનગર, તા.૧૪

ગુજરાત રાજ્યના શ્રમયોગીઓ અને કર્મચારીઓ માટે આનંદના સમાચાર આવ્યા છે. રાજ્યની મહાનગરપાલિકાઓ, નગરપાલિકાઓ, જિલ્લા પંચાયતો અને તાલુકા પંચાયતોની સામાન્ય/મધ્યસત્ર/પેટા ચૂંટણીના મતદાનના દિવસે, એટલે કે તારીખ ૧૬ ફેબ્રુઆરી, ૨૦૨૫ રવિવારના રોજ, શ્રમયોગીઓ અને કર્મચારીઓને સવેતન રજા મળશે. રાજ્યના શ્રમ આયુક્તશ્રીની કચેરી દ્વારા આ અંગેની જાહેરાત કરવામાં આવી છે.

રાજ્યમાં આગામી ૧૬ ફેબ્રુઆરી, ૨૦૨૫ રવિવારના રોજ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ માટે મતદાન યોજાશે. આ મતદાન સવારે ૭ઃ૦૦ વાગ્યાથી સાંજના ૬ઃ૦૦ વાગ્યા સુધી ચાલશે. ચૂંટણી પ્રક્રિયામાં વધુમાં વધુ લોકો ભાગ લે અને લોકશાહીના પર્વમાં યોગદાન આપે તે માટે રાજ્ય સરકારે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે.

ગુજરાત સરકારના શ્રમ વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલી યાદી મુજબ, ગુજરાત શોપ્સ એન્ડ એસ્ટાબ્લીશમેન્ટસ (રેગ્યુલેશન ઓફ એમ્પ્લોયમેન્ટ એન્ડ કંડીશન્સ ઓફ સર્વિસ) એકટ-૨૦૧૯ હેઠળ નોંધાયેલ તમામ સંસ્થાઓના શ્રમયોગીઓ અને કર્મચારીઓને મતદાનના દિવસે સવેતન રજા આપવાની રહેશે. આ નિર્ણયથી લાખો કર્મચારીઓ પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકશે અને રાષ્ટ્ર નિર્માણમાં સહભાગી બની શકશે.

જે સંસ્થાઓમાં કર્મચારીઓને એકસાથે રજા આપવી શક્ય ન હોય, તેવી સંસ્થાઓ માટે વૈકલ્પિક વ્યવસ્થા પણ કરવામાં આવી છે. આવી સંસ્થાઓ કર્મચારીઓને મતદાન કરવા માટે વારાફરતી ત્રણ કલાકની ખાસ રજા આપી શકશે. અથવા તો, જે દિવસે કર્મચારીઓની અઠવાડિક રજા હોય તે દિવસે સંસ્થાઓ ચાલુ રાખીને, મતદાનના દિવસે અવેજીમાં રજા આપી શકશે. આ વ્યવસ્થા સુનિશ્ચિત કરશે કે કોઈ પણ કર્મચારી મતદાનથી વંચિત ન રહે.

સ્થાનિક સ્વરાજની ચૂંટણીની મહત્વની તારીખો

ચૂંટણીની જાહેરાતની તારીખ તા ૨૧/૦૧/૨૦૨૫

જાહેરનામું પ્રસિદ્ધ કરવાની તારીખ તા ૨૭/૦૧/૨૦૨૫

ઉમેદવારી પત્રો ભરવાની છેલ્લી તારીખ તા ૦૧/૦૨/૨૦૨૫

ઉમેદવારી પત્રોની ચકાસણીની તારીખ તા ૦૩/૦૨/૨૦૨૫

ઉમેદવારી પાછી ખેંચી લેવાની છેલ્લી તારીખ ૦૪/૦૨/૨૦૨૫

મતદાનની તારીખ તા.૧૬/૦૨/૨૦૨૫ (રવિવાર) સવારના ૭-૦૦ વાગ્યા થી સાંજના ૬-૦૦ વાગ્યા સુધી

નોંધનીય છે કે, છેલ્લા કેટલાય સમયથી રાજ્યમાં અટકી પડેલા સ્થાનિક સ્વરાજની ચૂંટણીની તારીખો જાહેર કરવામાં આવી હતી.  રાજ્યમાં આગામી ૧૬મી ફેબ્રુઆરીએ ૬૬ નગરપાલિકાની ચૂંટણી યોજાશે, જેની મતગણતરી ૧૮મી ફેબ્રુઆરી કરવામાં આવશે.  ગુજરાતમાં ટર્મ પૂર્ણ થઈ ગઈ હોય તેવી નગરપાલિકા, મહાનગરપાલિકા અને જિલ્લા પંચાયત તથા તાલુકા પંચાયતની ચૂંટણીઓની તારીખનું ૨૧ જાન્યુઆરીના રોજ એલાન કરવામાં આવ્યું હતું. રાજ્યની ૬૬ નગરપાલિકાઓની ચૂંટણી માટે ૧૬ ફેબ્રુઆરીએ મતદાનની તારીખ ચૂંટણી આયોગ દ્વારા જાહેર કરાઈ છે. ૧૮ ફેબ્રુઆરીએ મતગણતરી હાથ ધરાશે.

 રાજ્યની મહાનગરપાલિકા, નગરપાલિકા, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતોની સમાન્ય/ મધ્યસત્ર/ પેટા ચૂંટણીનું મતદાન ૧૬ ફેબ્રુઆરીના દિવસે યોજાશે. રવિવારે સવારે ૭ વાગ્યાથી સાંજના ૬ વાગ્યા સુધી મતદાન યોજાશે. રાજ્ય ચૂંટણી આયોગે આ ચૂંટણીઓ માટેના મતદાનનો સમય સવારે ૭ વાગ્યાથી સાંજના ૬ વાગ્યાનો સુધારો નક્કી કર્યો છે.

(9:59 PM IST)