<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 14th February 2025

સુરતમાં પતિને બંધક બનાવી પત્‍ની પર સામૂહિક દુષ્‍કર્મ -લૂંટ

મુળ સૌરાષ્‍ટ્રનું દંપતિ કતારગામમાં લેસપટ્ટીનું કારખાનું ધરાવે છે સીતાનગર વિસ્‍તારની ઘટનાથી સ્‍થાનીકોમાં ભય :ત્રણેય રુઢા ગુનેગાર :એક પકડાયો

સુરત,તા.૧૪: પુણા સીતાનગર જેવા ભરચક વિસ્‍તારમાં  મોડી રાત્રે લેસપટ્ટીના કારખાનેદારના ઘરનો દરવાજો ખખડાવી બે લૂંટારૂઓ ઘરમાં ઘૂસી ચપ્‍પુની અણીએ કારખાનેદારને બંધક બનાવી તેની પત્‍ની સાથે વારાફરતી દુષ્‍કર્મ આચરીને વીડિયો ઉતાર્યો હતો. ત્‍યારબાદ રોકડા રૂ.૩૦ હજાર, બ્રેસલેટ અને મોબાઇલ મળી અંદાજીત રૂ.૬૦ હજારની મત્તાની લૂંટ કરી ફરાર થઈ ગયા હતા.

પોલીસ દ્વારા પ્રાપ્ત વિગતો મુજબ લૂંટ અને સામૂહિક દુષ્‍કર્મનો ભોગ બનનાર દંપતી મૂળ સૌરાષ્‍ટ્રના વતની છે અને હાલ સુરતના પુણા સીતાનગરમાં રહે છે. ત્રણ વર્ષ અગાઉ લગ્ન થયા હતા અને સુરતના કતારગામ વિસ્‍તારમાં તેમનું લેસપટ્ટીનું કારખાનું આવેલું છે. કારખાનેદાર અને તેમની ૩૩ વર્ષીય પત્‍ની ગુરૂવારે મળસ્‍કે ઘરે હાજર હતા ત્‍યારે ત્રણ વાગ્‍યાના અરસામાં કોઈકે દરવાજો ખટખટાવતા કારખાનેદારે દરવાજો ખોલતાં બે અજાણ્‍યા લોકો ઘરમાં ઘૂસી ગયા હતા. બંનેએ કારખાનેદારને ચપ્‍પુની અણીએ બંધક બનાવ્‍યા હતા અને બાદમાં તેની પત્‍નીને અગાસીમાં લઈ જઈ વારાફરતી દુષ્‍કર્મ આચર્યું હતું અને તેનો વીડિયો ઉતાર્યો હતો.  બંનેએ તેમને ધમકાવ્‍યા હોય દંપતીએ તે સમયે કોઈ બુમાબુમ કરી નહોતી અને ઘટનાના સાત કલાક બાદ સવારે ૧૦ વાગ્‍યે પોલીસને જાણ કરતા પુણા પોલીસ અને ક્રાઈમ બ્રાન્‍ચ ઘટના સ્‍થળે દોડી ગઈ હતી.

પુણા સીતાનગર જેવા ભરચક વિસ્‍તારમાં મળસ્‍કે ત્રણ વાગ્‍યે દરવાજો ખટખટાવી ઘરમાં ઘૂસી કારખાનેદારને બંધક બનાવી તેની પત્‍ની સાથે સામૂહિક દુષ્‍કર્મ કરનાર બે યુવાનો સાથે અન્‍ય એક યુવાન પણ હોવાનું જાણવા મળ્‍યું છે. સ્‍થાનિકોના જણાવ્‍યા મુજબ ત્રણેય ત્‍યાંના રીઢા ગુનેગાર અમિત ઉર્ફે રઘુ રોકડા, નિકુલ ઉર્ફે જઠર અને દિનેશ ઉર્ફે છોટુ યાદવ હોવાનો ખુલાસો થયો છે. વરાછા વિસ્‍તારમાં રહેતા ત્રણેય કોઈના પણ ઘરમાં ઘૂસીને મહિલાઓને ટાર્ગેટ કરે છે.

(3:55 PM IST)