<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 13th February 2025

કાલુપુરમાં પૈસાની લેતીદેતીમાં યુવકની જાહેરમાં કરપીણ હત્યા

અમદાવાદ શહેરમાં આંતરે દિવસે હત્યાના બનાવથી લોકો ભયભીતઃમાથાભારે શખ્સે યુવકને માથામાં કાચની બોટલ મારી લોહીલુહાણ કર્યો

અમદાવાદ,તા.૧૨

અમદાવાદ શહેર જાણે કે ક્રાઇમ સિટી બની રહ્યું હોય તેમ આંતરે દિવસે હત્યાના બનાવ બની રહ્યા છે. ત્યારે જ કાલુપુર જેવા ભરચક વિસ્તારમાં રૃપિયાની લેતી દેતીમાં એક યુવકની માથામાં પથ્થર તથા કાચની બોટલ મારીને હત્યા કરવામાં આવી હતી. આ ઘટનાને લઇને પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસ શરૃ કરી છે.

હત્યાની ઘટનાની જાણવા મળતી વિગતો એવી છે કે કાલુપુરમાં રહેતા ઇસ્લામ ઘાંચીને રૃપિયાની લેતી દેતીમાં સ્થાનિક વિસ્તારના માથાભારે શિવા ઉર્ફે શિવાજી ચૌધરી સાથે તકરાર થઇ હતી. આ તકરાર મારામારીમાં પરિણમી હતી અને ઉશ્કેરાઇ ગયેલા શિવા ચૌધરીએ ઇસ્લામ ઘાંચીને માથામાં કાચની બોટલ મારી દીધી હતી. લોહીલુહાણ ઇસ્લામ ઘાંચી પડી જતાં તેને માથામાં પથ્થર મારીને ઇજા પહોંચાડી હતી.ઇજાગ્રસ્ત ઇસ્લામ ઘાંચીને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેને મૃત જાહેર કરવામાં આવ્યો હતો. આ બનાવ સંદર્ભે ઇસ્લામ ઘાંચીના ભાઇ ઇકબાલ ઘાંચીએ કાલુપુર પોલીસ મથકમાં શિવા ચૌધરી વિરુદ્ધ ફરિયાદ નોંધાવતાં પોલીસે હત્યાની ફરિયાદ નોંધી શિવા ચૌધરીને ઝડપી લેવા કવાયત આદરી છે.

(9:43 PM IST)