તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 12th February 2025
સુરતમાં લેણદારોના ત્રાસથી બેંક કર્મચારીએ ઝાડ પર દોરડું બાંધીને ગળે ફાંસો ખાઈ લીધો
મૂળ ભાવનગરના વતની હાર્દિક લુખીએ અંતિમ પગલું ભરતા પહેલા લખેલી સ્યુસાઈડ નોટ મળી

સુરત : શહેરમાં લેણદારોના ત્રાસથી બેંક કર્મચારીએ ઝાડ પર દોરડું બાંધીને ગળે ફાંસો ખાઈ લીધો હોવાનો બનાવ સામે આવ્યો છે. મૃતક પાસેથી સ્યૂસાઈડ નોટ મળી આવી છે, જેમાં તેમણે પોતે મોટી ભૂલ કરી નાંખી હોવાનું જણાવ્યું છે.
આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, મૂળ ભાવનગરના વતની હાર્દિક લુખી (30) પોતાના પરિવાર સાથે મોટા વરાછા વિસ્તારમાં આવેલી સુદામા સોસાયટીમાં રહેતા હતા અને અડાજણમાં આવેલી ફાઈનાન્સ બેંકના લૉન ડિપાર્ટમેન્ટમાં કામ કરતા હતા.
આ દરમિયાન અબ્રામા રોડ પર આવેલા દાદા ભગવાન મંદિર નજીક ઝાડ સાથે ગળે ફાંસો ખાધેલી હાલતમાં હાર્દિકની લાશ મળી આવી હતી. આ મામલે ઉત્રાણ પોલીસે તપાસ હાથ ધરી હતી.
પોલીસની પ્રાથમિક તપાસમાં હાર્દિક લુખીએ શેર બજારમાં મોટી રકમ ગુમાવી હતી. કેટલાક લોકો પાસેથી લીધેલા પૈસા ચૂકવી પણ દીધા હતા. જો કે કેટલાકને પૈસા આપવાના બાકી હોવાથી લેણદારો સતત પરેશાન કરતા હોવાથી તેમણે અંતિમ પગલું ભર્યું હોવાની શક્યતા છે. હાલ તો પોલીસે હાર્દિકની સ્યુસાઈડ નોટના આધારે આગળની તપાસ આરંભી છે.
અંતિમ પગલું ભરતા પહેલા હાર્દિક લુખીએ સ્યુસાઈડ નોટમાં લખ્યું છે કે,
સોરી બધાને હવે હું રહી શકું તેમ નહોતો. મને ઘણા લોકો માનસિક ત્રાસ આપતા હતા, એટલે મારે આ પગલું ભરવું પડ્યું. મેં બહુ મોટી ભૂલ કરી નાખી હતી.
મેં મારાથી બને એટલા ઘણા પૈસા લોકોને પરત કરી દીધા છે અને મને જે લોકો માનસિક ત્રાસ આપતા હતા એ લોકોની સામે કડક પોલીસ કાયદાકીય કાર્યવાહી કરે એવી છેલ્લી એક વિનંતી. માનસિક ત્રાસ આપવા વાળાની માહિતી કોલિંગ હિસ્ટ્રી, મેસેજ અને વ્હોટ્સએપમાં મળશે. આ લોકોની લીધે મારે આ પગલું ભરવું પડ્યું.
છેલ્લે પોલીસ પ્રશાસન પાસે એક માગણી છે કે, આ લોકો મારી ફેમિલીને હેરાન ન કરે તેનું ધ્યાન આપજો. એવા લોકો સામે કડક કાર્યવાહી કરવા વિનંતી. સોરી મને માફ કરજો. વ્હાલા દીપ, દૃષ્ટી, ગ્રંથી, બા, પાપા, ભાઈ-બહેન, ભાભી, ભૂમિ. સોરી માફ કરજો,
લિ. હાર્દિક મારી ભૂલ થઈ ગઈ.
(11:52 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
