<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 11th February 2025

ગાંધીનગરના ભાટમાં યુવકનો આપઘાત: 'સ્કાય વ્યૂ' બિલ્ડિંગના 12માં માળે દોરડાથી લટકતી લાશ મળી

મૃતકની ભાભીએ વહેલી સવારે દીયરને RCC બીમમાં દોરડા વડે લટકતો જોયો હતો : આપઘાતનું કારણ અકબંધ

ગાંધીનગરના ભાટ વિસ્તારમાં આવેલી મધર ડેરી નજીક ભેદી સંજોગોમાં એક યુવકના આપઘાતનો બનાવ સામે આવતા ચકચાર મચી જવા પામી છે. જેમાં 22 વર્ષીય મજૂર યુવકની નિર્માણધીન બિલ્ડિંગના 12 માળેથી લટકતી હાલતમાં લાશ મળી આવી છે.

આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, મૂળ રાજસ્થાનના બાંસવાડાના વતની વિજયપાલ ઉર્ફે મનિષ ડામોર (22) નામના યુવકની ભાટ વિસ્તારમાં નિર્માણધીન 'સ્કાય વ્યૂ' બિલ્ડિંગના 12માં માળે દોરડા વડે લટકતી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો.

પ્રાથમિક તપાસમાં મૃતક મનિષ પોતાના બે ભાઈઓ અને બે બહેનો સાથે અહીં મજૂરી કામ કરતો હતો. જો કે હજુ સુધી મનિષે ક્યા કારણોસર અંતિમ પગલું ભર્યું તે જાણી શકાયું નથી. હાલ તો અડાલજ પોલીસે અકસ્માતે મોતનો ગુનો દાખલ કરીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

 

(8:46 PM IST)