તા. ૨૩ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૪ સોમવાર
News of Saturday, 8th February 2025
ખ્યાતિ હોસ્પિટલ કાંડની તપાસમાં ૫૬૭૦ પેજનું ચાર્જશીટ
ક્રાઇમ બ્રાંચે સરકારની જે યોજના અંતર્ગત જરૂરિયાતમંદોના ઓપરેશન થતા હતા તે PMJAYના બોગસ કાર્ડ બનાવવાના કૌભાંડનો પર્દાફાશ કર્યો હતો પોલીસે કાર્તિક પટેલ, ચિરાગ રાજપૂત સહિતના આરોપીઓની ધરપકડ કરી

અમદાવાદ, તા.૮: નખમાંય રોગ ન હોય તેવા લોકોના PMJAY અંતર્ગત ખોટા ઓપરેશન કરીને લાખો રૂપિયા સરકારી તીજોરીમાંથી મેળવી લેતી ખ્યાતિ હોસ્પિટલના કૌભાંડની તપાસમાં અમદાવાદ ક્રાઇમ બ્રાંચે કુલ ૫૬૭૦ પેજનું ચાર્જશીટ રજૂ કર્યું છે. જેમાં ઝડપાયેલા આરોપીઓના રિમાન્ડ દરમિયાનના નિવેદનો ખ્યાતિ હોસ્પિટલમાં કામ કરતા અને પૂર્વ કર્મચારીઓ- તબીબો સહિતના નિવેદનોની વિગતો રજૂ કરવામાં આવી છે.
ઉત્તર ગુજરાતના અંતરિયાળ ગામડાંમાં કેમ્પ કરીને ૨૨ લોકોને વધુ સારવાર માટે ખ્યાતિ હોસ્પિટલની ટીમ અમદાવાદ લઇ આવી હતી. જેમાં કોઇ જ જરૂરિયાત ન હોવા છતાં એન્જિયોગ્રાફી કરી એન્જિયોપ્લાસ્ટી કરવામાં આવી હતી. આ પ્રકરણમાં બે નિર્દોષ લોકોના જીવ જતાં સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યો હતો. અમદાવાદ ક્રાઇમ બ્રાંચે તપાસ શરૂ કરી તો ખ્યાતિ હોસ્પિટલમાં ૨૧૨ લોકોના જીવ ગયા હોવાની ચોંકાવનારી વિગતો સામે આવી હતી અને ગાંધીનગર બેઠેલા અધિકારીઓ દોડતા થઇ ગયા હતા.આ પ્રકરણની ઝીણવટભરી તપાસ કરી ક્રાઇમ બ્રાંચની ત્રણ ટીમે ૧૦૫ લોકોની પૂછપરછ કરી જરૂરી દસ્તાવેજી પુરાવા સાથે ૫૬૭૦ પેજનું ચાર્જશીટ રજૂ કર્યું છે. હજુ આ પ્રકરણમાં તપાસ ચાલી રહી છે અને ઘણા ચોંકાવનારા ખુલાસા થવાની સંભાવના છે.
પોલીસ તપાસની વિગતો
આ પ્રકરણમાં હોસ્પિટલના કર્મચારીઓ - પૂર્વ કર્મચારીઓ મળી ૧૦૫ વ્યક્તિની પૂછપરછ કરી નિવેદન લીધા
૧૯ ઇલેક્ટ્રોનિક્સ પુરાવા મળી આવ્યા
હોસ્પિટલ અને ડાયરેક્ટરોની ઓફિસમાંથી ૩૬ ફાઇલ કબજે કરી.
જે લોકોના ઓપરેશન કરવામાં આવ્યા અને જેમની સારવાર ચાલતી હોય તેવા લોકોની વિગતો સાથેના ૧૧ રજિસ્ટર કબજે લેવાયા.
PMJAY ગાંધીનગરની ઓફિસમાંથી SOPના દસ્તાવેજો કબજે લેવાયા.
બજાજ એલિયાન્સ ઇન્સ્યોરન્સ કંપનીમાં એસઓપી તથા દસ્તાવેજો મેળવવામાં આવ્યા.
સરકારે મેડિકલ ક્ષેત્રના નિષ્ણાતોની કમિટીની રચના કરી. કમિટી પાસેથી જરૂરી દસ્તાવેજી પુરાવા મેળવાયા.
હોસ્પિટલમાંથી ઓડિટ રિપોર્ટ મેળવાયા.
કંપની રજિસ્ટ્રેશન અંગે રજિસ્ટ્રાર ઓફ કંપનીસમાંથી વિગતો મેળવાઇ.
૩૪ બેંક એકાઉન્ટની વિગતો મેળવાઇ.
આરોપીની મિલકતોની વિગતો એકત્રિત કરવામાં આવી.
દર્દીઓના કુલ ૩૭ હિસ્ટ્રી ફોર્મ કબજે લેવાયા.
ખ્યાતિકાંડની તપાસમાં રૂ. બે હજારમાં PMJAYનું કાર્ડ બનતું હોવાના રાષ્ટ્રવ્યાપી કૌભાંડનો પર્દાફાશ થયો.
ક્રાઇમ બ્રાંચે સરકારની જે યોજના અંતર્ગત જરૂરિયાતમંદોના ઓપરેશન થતા હતા તે PMJAYના બોગસ કાર્ડ બનાવવાના કૌભાંડનો પર્દાફાશ કર્યો હતો. હોસ્પિટલના સંચાલકોની ગોઠવણ હતી કે PMJAYમાં કોઇ પણ ઓપરેશન માટેની મંજૂરી માગવામાં આવે કે પોતાનો હિસ્સો લઇને ચોક્કસ સ્ટાફ મંજૂરી આપી દેતો હતો. હવે ચાલાક ચિરાગ અને તેની ટીમે કાર્ડ બનાવવા હાયર કરાયેલી એજન્સીના અધિકારીઓને પણ ફોડયા હતા. તેને પગલે તેઓ ગમે તેનું કાર્ડ બનાવવા માટે એપ્લિકેશન નાખે કે તરત જ જે-તે ટીમના માણસો પોતાના બે હજાર રૂપિયા મેળવીને કાર્ડ તૈયાર કરી દેતા હતા. સામાન્ય સંજોગોમાં જો તમારી પાસે તમામ ડોક્યુમેન્ટ્સ હોય અને PMJAYના કાર્ડ માટે એપ્લિકેશન કરવામાં આવે તો ત્રણ-ચાર દિવસ બાદ કાર્ડ તૈયાર થતા હતા. જોકે, કૌભાંડીઓ માત્ર ૧૫ મિનિટમાં જ કાર્ડ બનાવી દેતા હતા.
ખ્યાતિકાંડમાં કોની કોની ધરપકડ થઇ
૧) કાર્તિક પટેલ
૨) ચિરાગ રાજપૂત
૩) રાહુલ જૈન
૪) ડો. સંજય પટોલિયા
૫) રાજશ્રી કોઠારી
૬) મિલિન્દ પટેલ
૭) ડો. પ્રશાંત વજીરાણી
૮) ડો. શૈલેષ આનંદ સહિત સંખ્યાબંધ આરોપીની ધરપકડ થઇ છે
(12:33 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
