<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 6th February 2025

સુરતમાં ખુલ્લી ગટરમાં પડેલા 2 વર્ષના કેદારનો 25 કલાક બાદ મળ્યો મૃતદેહ

NDRFની ટીમ અને ફાયર વિભાગની ટીમ દ્વારા 25 કલાકની ભારે શોધખોળ બાદ વરીયાવ પંપિંગ સ્ટેશનમાંથી મૃત હાલતમાં બાળકને બહાર કાઢયો

સુરતના વરિયાવ વિસ્તારમાંથી રૂંવાડા ઊભા કરી દેતી ઘટના સામે આવી છે. 5 ફેબ્રુઆરીએ સાંજે અમરોલી-વરિયાવ રોડ પર રાધિકા પોઈન્ટ પાસે એક 2 વર્ષનું બાળક ખુલ્લી ગટરમાં પડી ગયું હતું. 25 કલાક બાદ આજે 6 ફેબ્રુઆરીએ બાળક વરિયાવ પમ્પિંગ સ્ટેશનમાંથી મૃત હાલતમાં મળી આવ્યો છે. હાલ બાળકના મૃતદેહને સિવિલ હોસ્પિટલમાં પીએમ માટે લઈ જવામાં આવ્યો છે

 . સુરત મહાનગરપાલિકાની બેદરકારીએ માસૂમનો જીવ ગયો છે. સુરત મહાનગરપાલિકા માસૂમનો જીવ બચાવવામાં પણ નિષ્ફળ રહી છે. સતત 25 કલાકથી ફાયર વિભાગ સહિતની ટીમો દ્વારા રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. ઘટનાના પગલે પરિવારજનો અને સ્થાનિકોમાં શોક અને આક્રોશ ફેલાયો છે. 

અમરોલી - વરિયાવ રોડ પર બુધવારી બજારમાં માતા વૈશાલીબેન વેગડ સાથે નીકળેલો તેમનો 2 વર્ષીય પુત્ર કેદાર ખુલ્લી ગટરમાં ખાબક્યો હતો. આઈસ્ક્રીમ લેવા જતા કેદાર નામનો માસૂમ બાળક ખુલ્લી ગટરમાં પડ્યો હતો. આ ઘટનામાં મનપાની ઘોર બેદરકારી સામે આવી છે.

સુરત ફાયર અને ઈમરજન્સી સર્વિસના કર્મચારીઓ અને સ્થાનિકો પણ બચાવ કામગીરીમાં લાગ્યા હતા. પાણીના ભારે વહેણને કારણે બાળક ઘણું આગળ સુધી પહોંચી ગયો હતો. સવારથી જ મોટી સંખ્યામાં લોકોએ ધરણાં પ્રદર્શન સાથે મહાનગર પાલિકાના લાપરવાહીને પગલે માસુમ બાળક સાથે સર્જાયેલી દુર્ઘટનાને કારણે સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા.

અમરોલી-વરિયાવ રોડ પર રાધિકા પોઈન્ટ પાસે વરસાદી પાણીની ખુલ્લી ગટરમાં માતા સાથે પસાર થઈ રહેલ માસુમ બાળક પડી જવાને કારણે સ્થાનિકોમાં રોષ ફાટી નીકળ્યો છે. મહાનગર પાલિકાના વહીવટી તંત્રના પાપે માસુમ બાળકની ભાળ મળી ન હતી. સવારથી ફાયર વિભાગથી માંડીને કતારગામ ઝોનની ટીમો દ્વારા તપાસના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા હતા. આ દરમિયાન બપોરે એનડીઆરએફની ટીમ પણ ફાયર વિભાગના જવાનો સાથે તપાસમાં જોતરાઈ હતી.

ઘટનાને પગલે મોટી સંખ્યામાં લોકોનું ટોળું ઘટના સ્થળે એકઠું થઈ ગયું હતું. ઘટના અંગે જાણ થતાં ફાયર વિભાગની 8 ટીમના જવાનો દ્વારા ભારે શોધખોળ હાથ ધરવામાં આવી હતી. જો કે, ભારે પ્રયાસો વચ્ચે પણ માસુમ બાળકની કોઈપણ પ્રકારની ભાળ ન મળતાં બીજા દિવસે વહેલી સવારથી ફાયર વિભાગની અલગ અલગ ટીમો દ્વારા બ્રેધિંગ શુટ પહેરીને ગટરમાં શોધખોળ હાથ ધરવામાં આવી હતી. આ સિવાય ડ્રેનેજ અને સ્ટ્રોમ લાઈનમાં ગેરકાયદેસર કનેકશનને કારણે પાણીનો ફોર્સ વધારે હોવાને કારણે મેઈન લાઈનમાં 15 ફુટ સુધી પાણીનો પ્રવાહ જોવા મળ્યો જેને કારણે પણ શોધખોળમાં ભારે વિલંબ થયો હોવાનું જણાઈ રહ્યું છે

  ફાયર વિભાગની સાથે સાથે ઝોનની ટીમ દ્વારા પણ સ્ટ્રોમ ડ્રેનેજથી માંડીને ખાડીમાં તપાસ કરાઈ. બીજા દિવસે પણ બપોર સુધી કેદારનો કોઈ પત્તો ન મળતાં પરિવારજનો સહિત લોકોમાં વહીવટી તંત્રની કામગીરી વિરૂદ્ધ ભારે રોષ જોવા મળ્યો.  વહેલી સવારથી જ મોટી સંખ્યામાં લોકોએ ધરણાં પ્રદર્શન કરીને સુરત મહાનગર પાલિકા વિરૂદ્ધ સૂત્રોચ્ચાર કરતાં એક તબક્કે વાતાવરણ તંગ બન્યું હતું. સુરતના ન્યૂ કતારગામ વિસ્તારમાં 5 ફેબ્રુઆરીએ સાંજના 5.30ની આસપાસ બે વર્ષનું બાળક 3 ફૂટની ખુલ્લી ગટરમાં પડી ગયું હતું. NDRFની ટીમ અને ફાયર વિભાગની ટીમ દ્વારા 25 કલાકની ભારે શોધખોળ બાદ વરીયાવ પંપિંગ સ્ટેશનમાંથી મૃત હાલતમાં બાળકને બહાર કાઢવામાં આવ્યો હતો.

 

આ મામલે બાળકની માતાએ કહ્યું કે, 'અમે રાધિકા પોઈન્ટ નજીકથી જઇ રહ્યા હતા ત્યારે મેનહોલમાં મારું બાળક પડી ગયું.'

(7:24 PM IST)