તા. ૨૦ ઓગષ્ટ ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ સુદ – ૮ ગુરૂવાર
News of Thursday, 6th February 2025
સૌરાષ્ટ્ર બાદ હવે મહેસાણા-સુરત જિલ્લામાં પટેલ સમાજ વચ્ચે વિવાદ વકરવાનો ભય
ખોડલધામના ટ્રસ્ટી દિનેશ બાંભણીયાએ પણ સમાજમાં ચાલી રહેલા વિવાદને લઈને ચિંતા વ્યક્ત કરી

મહેસાણા, તા.૬: જામકંડોરણામાં આયોજિત ‘'પ્રેમનું વાવેતર' નામે સમુહ લગ્નોત્સવ વખતે જયેશ રાદડિયાએ નામ લીધા વિના લેઉવા પટેલ સમાજની ટપોરી ગેંગને રાજનીતિના અખાડામાં ઉતરવાનો પડકાર ફેંક્યો હતો. જયેશ રાદડિયાએ ખોડલધામના ટ્રસ્ટી નરેશ પટેલનું નામ લીધા વિના તેઓ રાદડિયા પરિવારને બદનામ કરતાં હોવાનો આક્ષેપ કર્યો હતો. જેને લઈને પાટીદાર સમાજમાં ચાલી રહેલા આંતરિક મતભેદ સપાટી પર દેખાવા લાગ્યા હતા. એવામાં ખોડલધામના ટ્રસ્ટી દિનેશ બાંભણીયાએ પણ સમાજમાં ચાલી રહેલા વિવાદને લઈને ચિંતા વ્યક્ત કરી છે.
દિનેશ બાંભણિયાએ જણાવ્યું કે, છેલ્લા કેટલાક સમયથી ગુજરાતમાં પાટીદાર સમાજને લઈને રાજકીય મતભેદો ચાલી રહયા છે. આ મતભેદો પાછળ કોનો હાથ છે અને કોણ તેનો ફાયદો લઈ રહયુ છે? તે સમાજ માટે ચિંતાનો વિષય છે. અનેક પટેલ સમાજના રાજકીય આગેવાનો સામે સમાજના અન્ય આગેવાનો વિવાદ ઉભો કરી રહયા છે.
મારી સમાજને માત્ર એટલી જ વિનંતી છે કે, સમાજ વચ્ચે વિવાદ ઉભો કરવામાં કોનું પ્લાનિંગ છે અને કોને ફાયદો થવાનો છે, તે સમાજે વિચારવાની જરૂર છે. જો આમ નહીં થાય તો આગામી સમયમાં મહેસાણા અને સુરત જિલ્લામાં વિવાદ વધુ વકરશે તેવું મને લાગી રહયુ છે.
દિનેશ બાંભણિયાએ પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર સમાજમાં ચાલી રહેલા વિવાદને લઈને એક પોસ્ટ પણ મૂકી છે. જેમાં તેમણે લખ્યું છે કે, આ કામ કરવાનું બંધ કરો, આપણે ગુજરાતની મજબૂત કોમ છીએ. લોકો જોઈ રહયા છે અને હસી પણ રહયાં છે. આપણને આગળ ના આવવા દેવામાં આપણા પોતાના લોકોનું જ યોગદાન છે.
(3:32 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
