<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 6th February 2025

અમેરિકાથી પાછા મોકલી દેવાયેલા ભારતીયો પ્રત્‍યે મારી સહાનુભૂતીઃ નીતિન પટેલ

રાજકોટ તા. ૬: અમેરિકામાં ડોનાલ્‍ડ ટ્રમ્‍પ રાષ્‍ટ્રપતિ પદના શપથ લીધા બાદ  અમેરિકામાં વર્ષોથી અનઅધિકૃત વસવાટ કરી રહેલા ઈમિગ્રન્‍ટ્‍સને ડિપોર્ટ કરવા માટે ઈતિહાસનું સૌથી મોટું ડિપોર્ટેશન (બહાર કાઢવાનું) અભિયાન હાથ ધર્યું છે. જેમાં અત્‍યાર સુધી લેટિન અમેરિકાના દેશના નાગરિકોને અમેરિકામાંથી તગેડી મૂકયા બાદ હવે ભારતીયોનો વારો આવ્‍યો છે. જે અંતર્ગત ૧૦૪ ભારતીયો સાથેનું પ્‍લેન અમળતસર એરપોર્ટ પર પહોંચી ચૂકયું છે, જેમાં મોટી સંખ્‍યામાં ગુજરાતીઓ પણ સામેલ છે. તે અંગે પૂર્વ નાયબ મુખ્‍યમંત્રી નીતિનભાઈ  પટેલે નિવેદન સામે આવ્‍યું છે.

શ્રી નીતિન  પટેલે જણાવ્‍યું કે, જે ગુજરાતીઓ વર્ષોથી વિદેશ ગયા છે, તેમણે આપણા રાજ્‍ય તેમજ અહીંના ગામડાઓને ખૂબ જ મદદ કરી છે. જેના કારણે ગુજરાતનો સારો એવો વિકાસ પણ થયો છે. આથી મારી આપ સૌને વિનંતી છે કે, ડિપોર્ટ કરવામાં આવેલા ગુજરાતીઓને એક આરોપી તરીકે ના જોવા જોઈએ. આપણે તેમને સહાનુભૂતિથી જોવા જોઈએ. મારી સરકારને પણ વિનંતી છે કે,દેશ નિકાલ આવેલા તમામ ગુજરાતીઓ અને ભારતીયો આપણા જ નાગરિકો છે. આથી તેમના પ્રત્‍યે સહાનુભૂતિ દાખવીને મદદરૂપ થવું જોઈએ.

અમેરિકામાં ગેરકાયદે વસવાટ કરતા ૧૦૪ ભારતીયો સાથેનું અમેરિકન સેનાનું વિમાન અમળતસર પહોંચ્‍યું, તેમાં ૭૯ પુરુષ, ૨૫ મહિલા અને ૧૩ જેટલા બાળકો છે. જે પૈકી ૩૩ જેટલા ગુજરાતી હોવાનું કહેવાય છે. જેમાં સૌથી વધુ મહેસાણા અને ગાંધીનગર જિલ્લાના ૧૨-૧૨ લોકો ઉપરાંત અમદાવાદના ૨, વડોદરા, ખેડા, આણંદ અને પાટણ જિલ્લાના એક-એક વ્‍યક્‍તિનો સમાવેશ થાય છે.

(2:25 PM IST)