<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 6th February 2025

અમદાવાદમાં 2030 કોમનવેલ્થ ગેમ્સ માટે દાવેદારી કરશે :ફેડરેશનના સભ્યોએ મુખ્યમંત્રી સાથે બેઠક કરી

કોમનવેલ્થ ગેમ્સ ફેડરેશન(સીજીએફ) સાથે આ ઈવેન્ટની 100મું સંસ્કરણ યોજાઈ તેના માટે ચર્ચા કરવામાં આવી શકે

અમદાવાદ : એક તરફ 2036ના ઓલિમ્પિક રમત માટે શહેરમાં તૈયારી કરવામાં આવી રહી છે ત્યારે ભારતીય ઓલિમ્પિક એસોસિએશન દ્વારા 2030ના કોમનવેલ્થ ગેમ્સનું આયોજન અમદાવાદ કરવામાં આવે તેના માટેની દાવેદારી નોંધાવી શકે છે. આ માટે કોમનવેલ્થ ગેમ્સ ફેડરેશન(સીજીએફ) સાથે આ ઈવેન્ટની 100મું સંસ્કરણ યોજાઈ તેના માટે ચર્ચા કરવામાં આવી શકે છે. આ માટેની તૈયારી અને વ્યવસ્થા અંગે ફેડરેશનના સભ્યોએ રાજ્યના મુખ્યમંત્રી, ખેલમંત્રીથી લઈ અધિકારીઓ સાથે બેઠકો કરી તમામ શક્યતાઓ ચકાસી છે.

એક રિપોર્ટ અનુસાર, નવી દિલ્હીમાં યોજાયેલા ૨૦૧૦ના કોમનવેલ્થ ગેમ્સથી અલગ અમદાવાદમાં વિશેષ પ્રકારની તૈયારીઓ કરાઈ રહી છે. જેના માટે સીજીએફના અધ્યક્ષ ક્રિસ જેનકિંસ અને ચીફ સેક્રેટરી કેટી સૈડલિયરે ભારતની મુલાકાત લીધી હતી. જેમાં ગાંધીનગર, ભુવનેશ્વર અને નવી દિલ્હી સહિત રાજ્ય અને કેન્દ્ર સરકારના અધિકારીઓ સાથે મુલાકાત લીધી હતી. જે દરમિયાન વિવિધ માપદંડ પર ચર્ચા કરવામાં આવી છે. આ તરફ દાવેદારી નોંધાવવા માટેની સીજીએફ દ્વારા ૩૧ માર્ચ સુધીની ડેડલાઇન આપવામાં આવી છે. જેના માટે આઈઓએના અધ્યક્ષ પીટી ઉષાએ નેશનલ ગેમ્સ દરમિયાન ચર્ચાઓ કરી છે અને તેના પર યોગ્ય સ્થિતિ અને તારણ કાઢવામાં આવી શકે છે.

આ તરફ અમદાવાદમાં સીજીએફ અને આઈઓએ ત્રણ દિવસ સુધી રોકાણ કર્યું હતું. જેમાં રાજ્યના મુખ્યમંત્રી, ખેલમંત્રી અને વરિષ્ઠ અધિકારીઓ સાથે ચર્ચા કરી છે, જેમાં રાજ્યમાં 2036ના ઓલિમ્પિકની દાવેદારી સાથે અન્ય વૈશ્વિક કક્ષાની ગેમ્સનું આયોજન કરવામાં આવે તેમી શકયતા ચકાસવામાં આવી છે. આ ઉપરાંત 2027 મહિલા વોલીબોલ ચેમ્પિયનશિપ, 2028 એશિયન સ્વિમિંગ ચેમ્પિયનશિપથી લઈ 2028માં અન્ડર-20 એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ માટે અમદાવાદની દાવેદારી નોંધાવવામાં આવી શકે છે. આ માટેના રાજ્ય સરકાર દ્વારા તમામ પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે. જેના માટેના જરૂરી સ્પોર્ટસ કોમ્પ્લેક્ષથી લઈ ખેલાડીઓના રહેવા માટેની વ્યવસ્થા પર પણ ભાર મૂકવામાં આવી રહ્યો છે.

(4:12 PM IST)