<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 2nd February 2025

પાલનપુરમાં ફૂડ વિભાગ દ્વારા ચંડીસર જીઆઇડીસીમાં દરોડા પાડ્યાઃ 1 લાખની કિંમતનો 180 કિલો શંકાસ્પદ ઘીનો જથ્થો મળ્યો

ઘીના સેમ્પલ પરીક્ષણ અર્થે લેબમાં મોકલી આપ્યા

બનાસકાંઠાઃ બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી ભેળસેળયુક્ત ખાદ્ય ચીજોનું વેચાણ કરવામાં આવી રહ્યું હોવાનું ફૂડ વિભાગના ધ્યાને આવ્યું હતું. જેના પગલે ફૂડ વિભાગ એલર્ટ મોડમાં આવી ગયું હતું અને ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જે દરમિયાન ફૂડ વિભાગને જાણ થઇ હતી કે ચંડીસર જીઆઈડીસીમાં શંકાસ્પદ ઘી વેચવામાં આવી રહ્યું છે. મળેલી વિગતોના આધારે વિભાગની ટીમ દ્વારા ચંડીસર જીઆઇડીસીમાં આવેલી શ્રી સેલ્સ નામની ઘી બનાવતી ફેક્ટરીમાં દરોડો પાડવામાં આવ્યો હતો.
ફૂડ વિભાગે પાડેલા દરોડા દરમિયાન ગુમર નામે વેચવામાં આવી રહેલા શંકાસ્પદ ઘીનો જથ્થો મળી આવ્યો હતો. ફૂડની ટીમ દ્વારા 180 કીલો શંકાસ્પદ જથ્થો સીઝ કર્યો હતો. જેની અંદાજીત કિંમત 1 લાખ રૂપિયા આંકવામાં આવી રહી છે. ટીમે આ શંકાસ્પદ ઘીના સેમ્પલ ચકાસણી અર્થે લેબમાં મોકલી આપ્યા છે. ફૂડ વિભાગ દ્વારા દરોડો પાડવામાં આવતા ભેળસેળયુક્ત ખાદ્ય ચીજોનું વેચાણ કરનારા અને બનાવનારાઓમાં ફફડાટ ફેલાયો છે.

(4:20 PM IST)