તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 1st February 2025
ઝાકિયા જાફરીનું 86 વર્ષની વયે નિધન: 2002ના ગુજરાત રમખાણોમાં પતિએ ગુમાવ્યો હતો જીવ
પૂર્વ કોંગ્રેસી સાંસદ અહેસાન જાફરી ગુલબર્ગ સોસાયટીના હત્યાકાંડમાં જીવતા ભૂંજાયા હતા :સામાજિક કાર્યકર તિસ્તા સેતલવાડે દુ:ખ વ્યક્ત કર્યું

અમદાવાદ : 2002માં ગોધરા કાંડ બાદ ગુજરાતમાં ફાટી નીકળેલા કોમી રમખાણોના પીડિત અને પૂર્વ કોંગ્રેસી સાંસદ અહેસાન જાફરીના પત્ની ઝાકિયા જાફરીનું નિધન થયું છે. ઝાકિયા જાફરીએ 86 વર્ષની વયે અમદાવાદમાં અંતિમ શ્વાસ લીધા છે. જ્યારે તેમના પતિ અહેસાન જાફરીએ 2002ના ગુજરાત રમખાણો વખતે જીવ ગુમાવ્યો હતો.
આ અંગે ઝાકિયા જાફરીના પુત્રએ સોશિયલ મીડિયા પોસ્ટમાં લખ્યું કે, મારી માતા અમદાવાદમાં મારી બહેનના ઘરે ગઈ હતી. જ્યાં સવારના સમયે તે પરિવારના સભ્યો સાથે વાતચીત કરી રહ્યા હતા, ત્યારે તેમને શ્વાસ લેવામાં તકલીફ થવા લાગી હતી. જેથી તાત્કાલિક તબીબને બોલાવવામાં આવ્યા હતા. જેમણે સાડા 11ની આસપાસ માતાને મૃત જાહેર કર્યા હતા.
ગુલબર્ગ હત્યાકાંડ ગુજરાતના ગોધરામાં સાબરમતી એક્સપ્રેસ ટ્રેનના કોચને આગને હવાલે કરી દેવામાં આવ્યા બાદ સર્જાયો હતો. આ કોચમાં અયોધ્યાથી પરત ફરી રહેલા 59 જેટલા કાર સેવકો જીવતા ભૂંજાઈ ગયા હતા. આ ઘટના બાદ સમગ્ર ગુજરાત ભડકે બળ્યું હતુ.
જણાવી દઈએ કે, ઝકિયા જાફરીએ ગોધરા કાંડ બાદ ગુજરાતમાં ફાટી નીકળેલા કોમી રમખાણોને ષડયંત્ર ગણાવીને રાજકીય નેતાઓને જવાબદાર ઠેરવી સર્વોચ્ચ અદાલતમાં કાયદાકીય લડત આપી હતી. ઝાકિયા ઝાફરીના નિધન પર સામાજીક કાર્યકર્તા તીસ્તા સેતલવાડે દુ:ખ વ્યક્ત કર્યું છે.
(11:39 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
