<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 30th January 2025

અમદાવાદના નરોડા પાટીયા વિસ્તારમાં તિક્ષ્ણ હથિયારના ઘા ઝીંકીને યુવકની ઘાતકી હત્યા

ચારેક શખ્શો છરી જેવા ધારદાર હથિયારો લઈને ભરત પર તૂટી પડ્યા હતા :ભરત ફસડાઈ જતાં ચારેય જણા ઘટના સ્થળેથી ભાગી ગયા

અમદાવાદ :શહેરના નરોડા પાટીયા વિસ્તારમાં તિક્ષ્ણ હથિયારના ઘા ઝીંકીને યુવકની ઘાતકી હત્યા કરવામાં આવી હોવાનો બનાવ સામે આવ્યો છે. હાલ તો આ મામલે મૃતકની પત્નીએ સરદારનગર પોલીસ મથકમાં 4 લોકો વિરુદ્ધ ફરિયાદ દાખલ કરાવી છે.આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, શહેરના નોબલનગર વિસ્તારમાં રહેતો ભરત ઠાકોર (38) અમદાવાદથી સાણંદ વચ્ચે ઈન્ટાસ કંપનીની બસ ચલાવીને પત્ની અને ત્રણ સંતાનો સાથેના પરિવારનું ગુજરાન ચલાવતો હતો. ગઈકાલે ભરત નોકરીએથી છૂટવાના સમયે ઘરે પરત ના ફરતા તેની પત્ની કંકુબેને ફોન કરતાં તેણે કહ્યું હતું કે, હું નરોડા પાટીયા નજીક પહોંચ્યો છું અને થોડીવારમાં ઘરે પહોંચું છું.

જો કે મોડી રાત સુધી ભરત ઘરે પરત ફર્યો નહતો. જ્યારે તેનો મોબાઈલ ફોન પણ સ્વીચઑફ આવતો હતો. આથી ભરતની પત્ની કંકુબેન ઠાકોર પોતાનું એક્ટિવા લઈને પતિને શોધવા માટે નરોડા પાટીયા પહોંચ્યા હતા. જ્યાં લોકોના ટોળા વચ્ચે એક યુવક લોહીલુહાણ હાલતમાં જોતા કંકુબેને એક્ટિવા ઉભુ રાખી નજીક જઈ જોતા પોતાનો પતિ ભરત લોહીના ખોબોચિયામાં પડેલો જોયો હતો. જે બાદ કંકુબેને પોતાના સબંધીઓ તેમજ 108ને ઘટના સ્થળે બોલાવી લીધા હતા. જ્યાં 108ની ટીમે ભરતને મૃત જાહેર કર્યો હતો.

  બનાવની જાણ થતાં સરદારનગર પોલીસ મથકનો કાફલો પણ ઘટના સ્થળે દોડી આવ્યો હતો. જેમણે પંચનામું કરીને મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે મોકલી આગળની તપાસ હાથ ધરી હતી. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા મુજબ, ચારેક જેટલા શખ્શો છરી જેવા ધારદાર હથિયારો લઈને ભરત પર તૂટી પડ્યા હતા. ભરત ફસડાઈ જતાં ચારેય જણા ઘટના સ્થળેથી ભાગી ગયા હતા.

(7:10 PM IST)