તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 26th January 2025
નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં દેશભક્તિ ગુંજી : ચિક્કાર મેદની વચ્ચે ક્રીસ માર્ટીને 'વંદે માતરમ' ગાઈ કહ્યું - 'મા તુજે સલામ
પ્રજાસત્તાક પર્વ પર ભારતીય રાષ્ટ્રધ્વજ લહેરાવો એક અદ્દભૂત અનુભવ છે. આ શૉમાં સામેલ થવા માટે આ સૌનો આભાર: ક્રિસ માર્ટીન

અમદાવાદ :છેલ્લા કેટલાક દિવસોથી બ્રિટીશ રૉક બેન્ડ 'કોલ્ડ પ્લે' પોતાના ગીત પર ભારતીયોને ઝૂમવા માટે મજબૂર કરી રહ્યું છે. મુંબઈમાં કૉન્સર્ટ સુપરહિટ રહ્યા બાદ ગઈકાલથી અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં કોલ્ડ પ્લેની કોન્સર્ટ થઈ રહી છે. જેમાં ગઈકાલનો પ્રથમ દિવસ ખૂબ જ હિટ રહ્યા બાદ આજે બીજા દિવસે પણ ફેન્સથી નરેન્દ્ર મોદી સ્ટેડિયમ હાઉસફૂલ જોવા મળ્યું હતુ. આ તકે ક્રિસ માર્ટીન દેશભક્તિના રંગે રંગાયો હોય તેમ તેણે સ્ટેજ પરથી વંદેમાતરમ ગીત ગાઈને ઉપસ્થિત ફેન્સનું દિલ જીતી લીધુ હતુ.
કૉલ્ડ પ્લેના મુખ્ય સીંગર ક્રિસ માર્ટીને અમદાવાદ કોન્સર્ટમાં ભારતીય ફેન્સને ખાસ ભેટ આપી હતી. જેમાં તેણે 76માં પ્રજાસત્તાક પર્વ નિમિત્તે પોતાના ફેન્સને હિન્દીમાં શુભકામના પાઠવી હતી. પોતાના સંબોધનમાં ક્રિસ માર્ટીને સૌ કોઈનો આભાર વ્યક્ત કરતા જણાવ્યું કે, અમે સૌ લોકો આપનું સ્વાગત કરીએ છીએ. પ્રજાસત્તાક પર્વ પર ભારતીય રાષ્ટ્રધ્વજ લહેરાવો એક અદ્દભૂત અનુભવ છે. આ શૉમાં સામેલ થવા માટે આ સૌનો આભાર. મને ખબર છે કે, ટ્રાફિક, હોટલ, ટિકિટની લાઈનો આ બધી તકલીફોમાંથી પસાર થઈને અહીં સુધી આવવું ઘણું અઘરું છે. અમને આ એક અદ્દભૂત દિવસ આપવા બદલ આપ સૌ કોઈનો આભાર.
વધુમાં તેણે જણાવ્યું કે, અમે અહીં ખૂબ સારો સમય વીતાવી રહ્યા છીએ. આપમાંથી અનેક લોકોએ પોસ્ટર પણ બનાવ્યા છે. જો કે હું તમામના પોસ્ટર વાંચી નથી શક્યો, તો તે બદલ મને માફ કરશો. ક્રિસ માર્ટીને પોતાના પર્ફોમન્સ દરમિયાન એક ફેન્સને પોતાની સાથે ઓવર ગ્લો ગીત ગાવા માટે આમંત્રણ પણ આપ્યું હતુ.
ગઈકાલે પણ ક્રિસ માર્ટીને ગુજરાતમાં સબંધન કરીને સૌ કોઈને આશ્ચર્યચકિત કરી નાંખ્યા હતા. જેમાં ક્રિસ માર્ટીને ભાગેલા-તૂટેલા ગુજરાતીમાં કહ્યું હતું કે, તમે લોકો આજે ખૂબ સુંદર લાગો છો. હું તમારા શહેરમાં આવ્યો છું. કેમ છો અમદાવાદ?
જણાવી દઈએ કે, અગાઉ કોલ્ડ પ્લેની કોન્સર્ટ મુંબઈમાં હિટ રહેતા અમદાવાદમાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતુ. આ માટે 16 નવેમ્બર, 2024થી Book My Show પરથી ટિકિટનું બુકિંગ શરૂ કરવામાં આવ્યું હતુ. જેના માટે 2500 થી 35000 રૂપિયા સુધીનો ભાવ રાખવામાં આવ્યો હતો, જેમાં VIP લૉન્જના પ્રીમિયમ ઑપ્શન પણ સામેલ હતા.
(10:54 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
